ભારતના સ્ટાર યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો પ્રતિબંધ! અજિંક્ય રહાણેએ આ રીતે બચાવ્યું કરિયર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ajinkya Rahane Saved Yashasvi Jaiswal From Ban: સંન્યાસ બાદ અજિંક્ય રહાણેએ યશસ્વી જયસ્વાલ સાથે જોડાયેલા જૂના વિવાદ અંગે ખુલાસો કર્યો કે, તેમના પર 4 મેચનો પ્રતિબંધ લાગી શકતો હતો. જયસ્વાલ સામે શિસ્તભંગના પગલાં અંગેનો પત્ર પહેલાથી જ તૈયાર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 2022ની દલીપ ટ્રોફી ફાઇનલ દરમિયાન રહાણેએ જયસ્વાલને મેદાનની બહાર મોકલી દીધો હતો. આ ઘટના સ્લેજિંગથી શરૂ થઈ હતી. પરિસ્થિતિ વધુ વણસી જતાં વેસ્ટ ઝોન ટીમનું નેતૃત્વ કરી રહેલા રહાણેએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. તેમણે પોતાના જ ખેલાડી જયસ્વાલને મેદાનમાંથી દૂર કરવાનું પગલું ભર્યું હતું. જો કે, સમગ્ર મામલે રહાણેએ ખુલાસો કર્યો છે કે, જો તેમણે આમ ન કર્યું હોત, તો જયસ્વાલ પર પ્રતિબંધ લાગવાનો હતો.
ભારતના સ્ટાર યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો પ્રતિબંધ!
2022 દલીપ ટ્રોફીની ફાઇનલ વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે રમાઈ હતી. મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલ સાઉથ ઝોનના બેટર રવિ તેજાને સ્લેજ કરી રહ્યો હતો. અમ્પાયર તરફથી વારંવાર ચેતવણીઓ મળવા છતાં યશસ્વી અટક્યો નહીં. વેસ્ટ ઝોનના કેપ્ટન અજિંક્ય રહાણેએ દરમિયાનગીરી કરવી પડી હતી. હવે નિવૃત્તિ પછી રહાણેએ તે ઘટના વિશે ખુલ્લેઆમ વાત કરી છે અને ખુલાસો કર્યો છે કે, જો યશસ્વીને મેદાનમાંથી ન હટાવ્યો હોત તો તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોત.
એક ઇન્ટરવ્યુમાં રહાણેએ કહ્યું કે, 'યશસ્વીને તે સમયે ખરાબ લાગ્યું હશે. સ્લેજિંગ રમતનો એક ભાગ છે, પરંતુ તે સમયે ખૂબ જ આગળ વધી રહ્યું હતું. આપણે ભૂતકાળમાં એવા કિસ્સાઓ જોયા છે જ્યાં ખેલાડીઓને આવા વર્તન માટે પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. મને લાગ્યું કે બંને ખેલાડીઓ પોતાનો ગુસ્સો ગુમાવી રહ્યા હતા અને મારી ટીમના ખેલાડી પર લગામ લગાવવાની જવાબદારી મારી હતી.'
રહાણેની સામે પ્રતિબંધ પત્ર ફાડી નાખ્યો
રહાણેએ ખુલાસો કર્યો કે, રેફરીએ ખરેખર યશસ્વી જયસ્વાલ પર ચાર મેચનો પ્રતિબંધ લાદતો પત્ર તૈયાર કર્યો હતો. રેફરી ચાર મેચનો પ્રતિબંધ લાદવા તૈયાર હતા અને તેમણે પત્ર પણ લખ્યો હતો. તે મારી પાસે આવ્યો અને કહ્યું કે, આ રહ્યો પત્ર પણ તમે જે કર્યું તે પછી હું તેને ફાડી નાખું છું. તેણે મારી સામે જ તે પત્ર ફાડી નાખ્યો. મને ખુશી હતી કે અમારા ખેલાડી પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નહીં. હવે તે ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છે.'









