'જય શ્રી રામ...', IPLની પ્રથમ વિકેટ ઝડપ્યા બાદ ખેલાડીએ ખિસ્સામાંથી કાઢી ચિઠ્ઠી! લખ્યો હતો ભાવુક સંદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raghu Sharma MI celebration : આઈપીએલ 2026માં સોમવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમ એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણનું સાક્ષી બન્યું. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના 33 વરના લેગ સ્પિનર રઘુ શર્માએ પોતાની આઈપીએલ કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. જોકે, વિકેટ કરતાં પણ વધુ ચર્ચા તેની અનોખી ઉજવણીની થઈ રહી છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

અભિષેક શર્માની સ્ટાઈલમાં ઉજવણી
વિકેટ લીધા બાદ રઘુ શર્માએ આઈપીએલ 2025માં અભિષેક શર્માએ કરેલી 'નોટ સેલિબ્રેશન'ની યાદ તાજી કરાવી હતી. રઘુએ તેના ખિસ્સામાંથી એક કાગળનો ટુકડો કાઢ્યો અને મુંબઈના પ્રેક્ષકો સામે ધર્યો. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું:
“રાધે રાધે... ખૂબ જ પીડાદાયક 15 વર્ષ. ગુરુદેવની દૈવી કૃપાથી આજે તેનો અંત આવ્યો. આ તક આપવા બદલ મુંબઈ ઈન્ડિયન્સનો આભાર. જય શ્રી રામ”
15 વર્ષનો લાંબો સંઘર્ષ અને હિંમત
રઘુ શર્માની આ સફળતા પાછળ દોઢ દાયકાની સખત મહેનત છુપાયેલી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ તે અહીં પર પહોંચ્યો છે. રસપ્રદ વાત એ છે કે, રઘુએ તેની કરિયરની શરૂઆત ફાસ્ટ બોલર તરીકે કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાની શૈલી બદલીને લેગ સ્પિન અપનાવી અને પંજાબની ટીમમાં વાપસી કરી. મુંબઈ ઈન્ડિયન્સે તેને 2025માં રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં લીધો હતો, પરંતુ ત્યારે તેને રમવાની તક મળી નહોતી. 2026ની સીઝનમાં ટીમે તેના પર ભરોસો રાખી તેને રિટેન કર્યો હતો.
લખનૌ સામેની આ હાઈ-સ્કોરિંગ મેચમાં રઘુએ ડેબ્યુટન્ટ અક્ષત રઘુવંશીને આઉટ કરીને પ્રથમ સફળતા મેળવી હતી. તેણે 4 ઓવરમાં 36 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ઋષભ પંત અને એડન માર્કરામ જેવા આક્રમક બેટર્સ સામે પણ તેણે સંયમિત બોલિંગ કરી હતી. લખનૌએ આપેલા 229 રનના વિશાળ લક્ષ્યાંકને મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા અને રાયન રિકલટનની શાનદાર બેટિંગની મદદથી ચેઝ કરી લીધો હતો.









