Sports

મેલબોર્નથી PM મોદીની મોટી જાહેરાત, ભારતના ચેન્નઇમાં રમાશે બિગ બેશ લીગની ઓપનિંગ મેચ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનિઝે ઐતિહાસિક જાહેરાત કરી છે. 2026-27ની બિગ બૅશ લીગ (BBL) સીઝનની શરૂઆત ભારતમાં થશે. ડિસેમ્બરમાં ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ ઓસ્ટ્રેલિયા બહાર BBLની પ્રથમ મેચ હશે. બંને દેશો વચ્ચે રમતગમતના સંબંધો મજબૂત કરવા સ્પોર્ટ્સ 'રોડમેપ' પણ જાહેર કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

મેલબોર્નથી PM મોદીની મોટી જાહેરાત, ભારતના ચેન્નઇમાં રમાશે બિગ બેશ લીગની ઓપનિંગ મેચ

PM Modi on BBL 2026-27 | ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમતગમતના સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી20 ટૂર્નામેન્ટ બિગ બૅશ લીગ (BBL) ની આગામી 2026-27 સીઝનની શરૂઆત ભારતમાં થશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે શુક્રવારે તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને આ મોટી જાહેરાત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, બિગ બૅશ લીગ (BBL 16) નો આ પ્રથમ ઐતિહાસિક ઓપનિંગ મુકાબલો ડિસેમ્બરમાં ચેન્નાઈના પ્રખ્યાત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે.

આ મેચ બિગ બૅશ લીગના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની બહાર રમાનારી સૌપ્રથમ મેચ હશે. 12 ડિસેમ્બરે રમાનારા આ ઐતિહાસિક મુકાબલામાં મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સની ટીમો સામસામે ટકરાશે, જેમાં મેલબોર્ન રેનેગેડ્સને 'હોમ ટીમ' (મેજબાન ટીમ) ગણવામાં આવશે. આ અવસરે બંને દેશોના વડાપ્રધાનોએ રમતગમતના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક વિશેષ 'રોડમેપ' પણ જાહેર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના રમત સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે.

આ નવો સ્પોર્ટ્સ રોડમેપ રમતગમતના મોટા આયોજનોમાં ઓસ્ટ્રેલિયાની નિપુણતા અને રમત ક્ષેત્રે ભારતની વધતી આકાંક્ષાઓને એક મંચ પર લાવશે. તેનાથી બંને દેશો વચ્ચે વેપાર, પ્રવાસન (ટૂરિઝમ) અને રોકાણના નવા દ્વાર ખુલશે. આ અંતર્ગત ક્ષમતા નિર્માણ, સ્પોર્ટ્સ સાયન્સ, ટેક્નોલોજી રિસર્ચ અને ઈન્ડસ્ટ્રી ઈન્વેસ્ટમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

આ રોડમેપ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓના આયોજન માટે ખૂબ મહત્વનો સાબિત થશે, કારણ કે ઓસ્ટ્રેલિયા 2032 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની યજમાનીની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ભારત 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના ઐતિહાસિક શતાબ્દી સંસ્કરણની યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનિઝે જણાવ્યું હતું કે, "ભારત અને ઓસ્ટ્રેલિયા બંને રમતો પ્રત્યે ઊંડો જુસ્સો ધરાવે છે. આ નવો સ્પોર્ટ્સ રોડમેપ અમારા દ્વિપક્ષીય સંબંધોની આ મહત્વની કડીને વધુ મજબૂત બનાવશે અને વેપાર તેમજ પ્રવાસનને વેગ આપશે."