PM Modi Congratulates Team India on T20 World Cup 2026 Victory : T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર એકમાત્ર ટીમ બની છે, ત્યારે આ ભવ્ય જીત બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ઈતિહાસના અનેક શિખરો સર કરનાર ટીમ ઈન્ડિયાને અભિનંદન : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભવ્ય જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદ પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર ટ્વિટ કર્યું છે કે, ‘આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં શાનદાર વિજય મેળવીને ઈતિહાસના અનેક શિખરો સર કરનાર ટીમ ઈન્ડિયાને અભિનંદન. ત્રણ વખત આ કપ જીતનાર ભારત એકમાત્ર દેશ હોવાનું ગૌરવ ધરાવે છે. આ સાથે જ તે સતત બે વાર કપ જીતનારી પણ એકમાત્ર ટીમ છે. આ સફળતા આપણા ક્રિકેટ પ્રેમીઓ માટે અપાર આનંદ અને ગર્વની ક્ષણ છે. તે વિવિધ ક્ષેત્રોમાં રહેલી આપણી યુવા પ્રતિભાનું પણ પ્રતીક છે. આ સામૂહિક વિજય માટે દરેક ખેલાડી, સમગ્ર મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફ સર્વોચ્ચ પ્રશંસાને પાત્ર છે. હું આપણી ક્રિકેટ ટીમને ભવિષ્યમાં પણ આવી જ ભવ્ય સફળતા મળતી રહે તેવી શુભેચ્છા પાઠવું છું.'
શાબાશ, ટીમ ઈન્ડિયા! : ભારતીય ટીમને PM મોદીના અભિનંદન
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન! આ નોંધપાત્ર વિજય અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમ વર્કનું પ્રતિબિંબ છે. તેઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ મનોબળ બતાવ્યું છે. આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગૌરવ અને આનંદથી ભરાઈ ગયું છે. શાબાશ, ટીમ ઈન્ડિયા!’
ભારતીય ટીમ ત્રણ વખત વિશ્વ વિજેતા બનનારી એકમાત્ર ટીમ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બન્યું છે. આ સાથે ભારતીય ટીમ ત્રણ વખત વિશ્વ વિજેતા બનનારી એકમાત્ર ટીમ પણ બની ગઈ છે. આજની મેચમાં ભારતે નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
ફાઈનલમાં મોટો સ્કોર નોંધાવી ભારતે ઈતિહાસ રચ્યો
ભારત તરફથી સંજૂ સેમસને 46 બોલમાં પાંચ ફોર અને આઠ સિક્સ ફટકારી 89 રન નોંધાવીને મોટું યોગદાન આપ્યું હતું, તો અભિષેક શર્માએ પણ 21 બોલમાં છ ફોર અને ત્રણ સિક્સ સાથે 52 રન નોંધાવતા ટીમ મજબૂત સ્થિતિ પર પહોંચી શક્યું હતું, ત્યારબાદ ઈશાન કિશને પણ 25 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ ફટકારી 54 રન ફટકાર્યા હતા. આ ત્રણે બેટરોના કારણે ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સૌથી મોટો સ્કોર નોંધાવી ઈતિહાસ રચ્યો છે.
T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં 5 રેકોર્ડ નોંધાયા
(1) ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સૌથી મોટો સ્કોર (ભારતનો સ્કોર 255/5)
(2) ટોચના 3 બેટરની ફિફ્ટી (સંજૂ સેમસમ, અભિષેક શર્મા, ઈશાન કિશન)
(3) 1 ઓવરમાં 3 વિકેટ (ન્યૂઝીલેન્ડના બોલર જેમ્સ નીશમે આ રેકોર્ડ નોંધાવ્યો)
(4) ફાઈનલ મેચમાં પ્રથમવાર પ્રથમ વિકેટ માટે 98 રનની ભાગીદારી
(5) ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં સૌથી વધુ 92 રન ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો


