Get The App

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઇતિહાસ સર્જ્યો, ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર એકમાત્ર ટીમ

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
IND vs NZ :  T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઇતિહાસ સર્જ્યો, ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર એકમાત્ર ટીમ 1 - image

T20 World Cup 2026 India Vs New Zealand Final Match Ahmedabad: ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2026 પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને તિરંગો લહેરાવ્યો. સૂર્યકુમાર યાદવની આગેવાની વાળી ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 256 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં 159 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. આમ, ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. આમ, ભારતીય T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બની છે. 

જણાવી દઈએ કે, બંને ટીમો પહેલીવાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાઈ હતી. સૌથી વધુ સંજૂ સેમસને 89 રન ફટકાર્યા છે. જ્યારે અભિષેક શર્માએ 52 અને ઈશાન કિશને 54 રન બનાવ્યા છે. આ સિવાય શિબમ દુબેએ 26, હાર્દિક પંડ્યાએ 18 રનની ઈનિંગ રમી છે. ભારતીય ટીમે આ સિવાય વધુ એક ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમના પહેલા ત્રણેય બેટરે ફિફ્ટી ફટકારી છે.

• જસપ્રીત બુમરાહ બન્યો મેન ઓફ ધ મેચ
• સંજૂ સેમસન બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

ભારતે ચેમ્પિયન બનીને અનેક રેકોર્ડ બનાવ્યા

• ભારત ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીતનારી એકમાત્ર ટીમ બની ગઈ છે. કોઈ પણ ટીમે બે વારથી વધુ T20 વર્લ્ડ કપ જીત્યો નથી. (ભારતે 2007માં એમએસ ધોની અને 2004માં રોહિત શર્માની કપ્તાનીમાં ખિતાબ જીત્યો હતો.)
• ભારત ટૂર્નામેન્ટના 19 વર્ષના ઈતિહાસમાં ખિતાબ ડિફેન્ડ કરનારી પહેલી ટીમ છે.
• T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી મોટો સ્કોર ભારતીય ટીમના નામે નોંધાયો છે. આ અગાઉ T20 વર્લ્ડ કપ 2024માં ભારતનો જ હાઈએસ્ટ સ્કોર 176 રન હતો. 
• ફાઈનલમાં ભારતીય ટીમના પહેલા ત્રણેય બેટરે ફિફ્ટી ફટકારીને ઈતિહાસ સર્જ્યો છે.
• ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ સામે પહેલીવાર મેચ જીતી.

ભારત ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બન્યો

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ યજમાન દેશ પોતાના દેશમાં ટ્રોફી જીતી શક્યો નહોતો. ભારતે આ 'જિંક્સ' (અશુભ માન્યતા) તોડીને ઘરઆંગણે કપ જીતનાર પ્રથમ દેશ બનવાનું ગૌરવ મેળવ્યું છે.

સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી

• સેમીફાઈનલ અને ફાઈનલમાં અડધી સદીનો રેકોર્ડ: ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં એક જ એડિશનની સેમીફાઈનલ અને ફાઈનલ એમ બંને મહત્વની મેચોમાં 50 કે તેથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં સંજૂ સેમસને સ્થાન મેળવ્યું છે. આ અગાઉ વર્ષ 2009માં શાહિદ આફ્રિદી અને વર્ષ 2014માં વિરાટ કોહલીએ આ કારનામું કર્યું હતું. હવે 2026માં સેમસને આ સિદ્ધિ મેળવીને દિગ્ગજોની ક્લબમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

 સતત ત્રણ મેચમાં ફિફ્ટી ફટકારવાની સિદ્ધિ: સંજૂ સેમસને માત્ર સેમીફાઈનલ અને ફાઈનલ જ નહીં, પરંતુ તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામેની નિર્ણાયક મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. આમ, વર્લ્ડકપમાં સતત ત્રણ મેચમાં 50 પ્લસ સ્કોર કરનાર બેટર્સની યાદીમાં તે સામેલ થયો છે. આ યાદીમાં શ્રીલંકાના મહેલા જયવર્ધને (2010), વિરાટ કોહલી (2016-2021), બાબર આઝમ (2021) અને કેએલ રાહુલ (2021) જેવા ખેલાડીઓ અગાઉ સ્થાન મેળવી ચૂક્યા છે.

 2026ના અન્ય રેકોર્ડ બ્રેકર ખેલાડીઓ: વર્ષ 2026ના આ ટી20 વર્લ્ડકપમાં માત્ર સંજૂ સેમસન જ નહીં, પરંતુ અન્ય બે વિદેશી ખેલાડીઓએ પણ સતત ત્રણ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકાના બેટર કુસલ મેન્ડિસ અને પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન પણ આ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ મેચમાં 50થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા છે.

T20 વર્લ્ડ કપ ફાઇનલ: ટોચના ત્રણ બેટરના નામે પહેલીવાર અડધી સદી

સેમસન અને અભિષેકે ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ બનાવ્યું અને ટીમને મજબૂત શરૂઆત આપી. બંને બેટરોએ પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી. આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં 50 થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી હોય. આ પહેલા, કામરાન અકમલ અને શાહઝૈબ હસને 2009માં શ્રીલંકા સામે 48 રનની ભાગીદારી કરી હતી. ફાઇનલમાં બંને બેટરોએ ઓપનિંગ વિકેટ માટે 98 રન ઉમેર્યા હતા. રચિન રવિન્દ્ર દ્વારા અભિષેકને આઉટ કરીને આ ભાગીદારીનો અંત આવ્યો હતો. અભિષેક 21 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 52 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય ટોચના ત્રણ બેટરોએ પહેલીવાર અડધી સદી ફટકારી છે. કારણ કે ઈશાન કિશને પણ 54 રનની ઈનિંગ રમી છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર

ભારતે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 92 રન બનાવ્યા હતા. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. ટીમે વેસ્ટ ઇન્ડીઝને પાછળ છોડી દીધું, જેણે 2024 માં અફઘાનિસ્તાન સામે પાવરપ્લેમાં એક વિકેટે 92 રન બનાવ્યા હતા. સેમસને સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી, જેનાથી ભારત વિશાળ સ્કોર સુધી પહોંચ્યું. જોકે, સેમસને સદી ફટકારી ન હતી, તેણે 46 બોલમાં 89 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી ક્યારેય નથી બન્યું T20 વર્લ્ડ કપ ચેમ્પિયન

ન્યૂઝીલેન્ડ હજુ સુધી એક પણ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતી શક્યું નથી. તેઓ ફક્ત 2021 માં સેમિફાઇનલમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા. આ વખતે ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં પહોંચી પરંતુ તે જીતી ના શકી.

ભારતીય ટીમના બોલર્સનું પ્રદર્શન

  • હાર્દિક પંડ્યા - 1 વિકેટ
  • અક્ષર પટેલ - 3 વિકેટ
  • જસપ્રીત બુમરાહ - 4 વિકેટ
  • વરુણ ચક્રવર્તી - 1 વિકેટ
  • અભિષેક શર્મા - 1 વિકેટ

ભારતીય ટીમની ઈનિંગ

IND vs NZ :  T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઇતિહાસ સર્જ્યો, ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર એકમાત્ર ટીમ 2 - image

ન્યૂઝીલેન્ડની ઈનિંગ

IND vs NZ :  T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઇતિહાસ સર્જ્યો, ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર એકમાત્ર ટીમ 3 - image


બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

ન્યૂઝીલેન્ડ: ટિમ સીફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), જેકબ ડફી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.

પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર નહીં

ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં કોઈ ફેરબદલ કરાઈ નથી. ટીમ મેનેજમેન્ટે છેલ્લી મેચમાં કોઈ ફેરફાર કર્યા નથી. ફાઈનલ મેચ પહેલા ઘણા પૂર્વ ખેલાડી પ્લેઈંગ-11 પર સવાલ ઉઠાવી રહ્યા હતા. અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીને ટીમની બહાર કરવાની માંગ ઉઠી રહી હતી.

ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન

  • વર્લ્ડ કપ (1983) - કપિલ દેવ
  • T20 વર્લ્ડ કપ (2007) - એમ.એસ. ધોની
  • વર્લ્ડ કપ (2011) - એમ.એસ. ધોની
  • T20 વર્લ્ડ કપ (2024) - રોહિત શર્મા
  • વિમેન્સ વર્લ્ડ કપ (2025) - હરમનપ્રીત કૌર
  • T20 વર્લ્ડ કપ (2026) - સૂર્યકુમાર યાદવ

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન જેવું પ્રદર્શન: હરભજન

ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પર પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે કહ્યું હતું કે, "... ટીમ ઇન્ડિયાને મારી શુભકામનાઓ. આજે ફાઇનલ છે, અને તેઓ ચેમ્પિયન જેવું પ્રદર્શન કરે. ટીમ ઇન્ડિયા એકવાર કોઈ બાબત પર મન લગાવી લે પછી તેને રોકી શકાતી નથી. ફરી એકવાર બધાને મારી શુભકામનાઓ. તેના માટે આગળ વધો!"

વર્લ્ડ કપની ફાઈનલમાં હારનાર ટીમ પણ થશે કરોડપતિ, જાણો કોને મળશે કેટલા રૂપિયા

ટાઈટલ મેચ બાદ વિજેતા અને રનર-અપ ટીમો પર પૈસાનો વરસાદ થશે. અહેવાલ પ્રમાણે T20 વર્લ્ડ કપ 2026ની વિજેતા ટીમને 3 મિલિયન ડોલર (લગભગ 27.50 કરોડ રૂપિયા) મળશે. બીજી તરફ ફાઈનલ હારનારી ટીમ એટલે કે રનર-અપને 1.6 મિલિયન ડોલર (લગભગ 14.67 કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની મળશે.

સેમિ ફાઈનલમાં હારનારી ટીમોને પણ ઈનામ: બીજી તરફ સેમિફાઈનલમાં હારનારી ટીમો ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને એક સમાન 0.79 મિલિયન ડોલર (લગભગ 7.24 કરોડ રૂપિયા) મળશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પ્રાઈઝ મનીને અલગ-અલગ સ્ટેજ હિસાબે વહેંચી છે, જેથી બધી ટીમોને ફાયદો મળી શકે. 5માં થી 12માં સ્થઆન સુધીની ટીમોને એક સમાન 0.38 મિલિયન ડોલર (સગભગ 3.48 કરોડ રૂપિયા) મળશે. બીજી તરફ 13માં થી 20માં ક્રમે રહેલી ટીમો માટે એક સમાન 0.25 મિલિયન ડોલર (લગભગ 2.29 કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની મળશે.

T20 વર્લ્ડ કપ 2026ની પ્રાઈઝ મની

• વિજેતા : લગભગ 27.50 કરોડ
• રનર અપ : લગભગ 14.67 કરોડ
• સેમિ ફાઈનલમાં હારનારી ટીમો : લગભગ 7.24 કરોડ
• 13માંથી 20માં સ્થાન પર આવનારી ટીમો : લગભગ 2.29 કરોડ