Sports

પિકલબૉલ વર્લ્ડ કપ 2026માં ભારતે રચ્યો ઇતિહાસ, 41 મેડલ્સ સાથે 82 દેશની વૈશ્વિક ટેલીમાં હાંસલ કર્યું ચોથું સ્થાન

By GS Team
9 Sep 20264 mins read
TukuTouch Logo
વિયેતનામના દા નાંગ ખાતે યોજાયેલા પિકલબૉલ વર્લ્ડ કપમાં ભારતે 82 દેશો વચ્ચે ચોથું સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો છે. 41 મેડલ્સ (7 ગોલ્ડ, 17 સિલ્વર, 17 બ્રોન્ઝ) જીતીને ભારતે ગત વર્ષના 7મા સ્થાનથી 3 ક્રમની છલાંગ લગાવી. IPAના પ્રેસિડેન્ટ સૂર્યવીર સિંહ ભુલ્લરે આ સિદ્ધિ બદલ ગર્વ વ્યક્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિકલબૉલ વર્લ્ડ કપ 2026માં ભારતે રચ્યો ઇતિહાસ, 41 મેડલ્સ સાથે 82 દેશની વૈશ્વિક ટેલીમાં હાંસલ કર્યું ચોથું સ્થાન

India Finishes Fourth In Pickleball World Cup: વિયેતનામના દા નાંગ ખાતે સંપન્ન થયેલા 'પિકલબૉલ વર્લ્ડ કપ 2026'માં ભારતીય ટીમે ઐતિહાસિક અને પ્રભાવશાળી દેખાવ કર્યો છે. વિશ્વભરના 82 દેશો વચ્ચે રમાયેલી આ વૈશ્વિક ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 41 મેડલ્સ જીતીને ઓવરઓલ મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે. ગયા વર્ષે રમાયેલા વર્લ્ડ કપમાં 7મા ક્રમે રહેલા ભારતે આ વખતે 3 ક્રમની મોટી છલાંગ લગાવીને વૈશ્વિક પિકલબૉલ મંચ પર પોતાની મજબૂત છાપ છોડી છે.

ભારતે કુલ કેટલાં મેડલ જીત્યા?

  • ગોલ્ડ મેડલ: 7
  • સિલ્વર મેડલ: 17
  • બ્રોન્ઝ મેડલ: 17
  • કુલ મેડલ્સ: 41
Pickle 3.jpg

‘અમે માત્ર ભાગ લેવા નહીં, ભવિષ્ય પર રાજ કરવા ગયા હતા’: સૂર્યવીર સિંહ ભુલ્લર

ભારતીય ટીમની આ અભૂતપૂર્વ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં ઇન્ડિયન પિકલબૉલ એસોસિયેશન (IPA)ના પ્રેસિડેન્ટ સૂર્યવીર સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે:

"અમે દા નાંગમાં માત્ર ભાગ લેવા માટે નહોતા ગયા; અમે ત્યાં વિશ્વના શ્રેષ્ઠ દેશોની હરોળમાં અમારું સ્થાન હાંસલ કરવા ગયા હતા. વૈશ્વિક મંચ પર આપણા ત્રિરંગાને લહેરાતો જોવો એ તો માત્ર શરૂઆત છે. ભારતીય પિકલબૉલ ભવિષ્ય પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે. ઇન્ડિયન પિકલબૉલ એસોસિયેશનને અમારા એથ્લેટ્સ પર ખૂબ ગર્વ છે, જેમણે જુસ્સો, શિસ્ત અને મનોબળ સાથે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. તેમના પ્રદર્શને ભારતને વૈશ્વિક પિકલબૉલના નકશા પર મજબૂતીથી સ્થાપિત કરી દીધું છે. અમે દરેક ખેલાડી, કોચ અને મેનેજરના સમર્પણ બદલ તેમનો આભાર માનીએ છીએ અને અમારા સમર્થકોનો પણ આભાર માનીએ છીએ જેમણે આ સફર પર વિશ્વાસ મૂક્યો."

આ ઉપરાંત તેમણે ભારતીય પિકલબૉલ પ્રત્યેના વિશ્વાસ અને સહયોગ બદલ એથલેટિક, ઇલેક્ટ્રોરશ, HNDRD, બેનેટ યુનિવર્સિટી, હયાત રીજન્સી દિલ્હી, ઇવાન સ્પોર્ટ્સ, કોસ્મિક બિરલા ગ્રૂપ, પિકલ-બે અને લખનઉ લેપર્ડ્સનો વિશેષ આભાર માન્યો હતો.

Pickle 2.jpg

48 એથ્લેટ્સનું ડેલિગેશન અને 130થી વધુ વ્યક્તિગત ખેલાડીઓ

ભારતે આ વર્લ્ડ કપમાં 48 એથ્લેટ્સનું સત્તાવાર ડેલિગેશન મોકલ્યું હતું, જેમણે કિડ્સ, જુનિયર્સ, ઓપન, સિનિયર્સ અને માસ્ટર્સ ટીમ ઇવેન્ટ્સમાં ઓફિશિયલ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત વ્યક્તિગત કેટેગરીમાં પણ 130થી વધુ એથ્લેટ્સે ભાગ લીધો હતો. ટીમ ઇન્ડિયાના કો-ઓર્ડિનેટર શ્રી આલાપ શર્માએ સમગ્ર ટુકડીનું સંચાલન ખૂબ જ સફળતાપૂર્વક અને કુશળતાપૂર્વક કર્યું હતું.

ટીમ ઇવેન્ટ્સમાં રમતવીરોનું પ્રદર્શન:

કિડ્સ ટીમનું શાનદાર સિલ્વર: આ વર્લ્ડ કપનું સૌથી મોટું આકર્ષણ વીર શાહના નેતૃત્વ હેઠળની કિડ્સ ટીમ રહી હતી, જેમણે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ટીમમાં વિરાંશ ચોપડા, આરીન બલ્લાની, માહિકા રાઠોડ, માનસી કાર્તિક, આશ્રિતા એસ, કવીર મહેતા અને પ્રાર્થના મોતિયાની સામેલ હતા. વીર શાહને કિડ્સ કેટેગરીમાં 'બેસ્ટ કેપ્ટન'નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

જુનિયર્સ ટીમ: અર્જુન સિંહના નેતૃત્વ હેઠળ આદિત્ય સિંહ, દેવ શાહ, પૂર્વાંશ પટેલ, વિવાન પટેલ, નાઓમી અમલસાડીવાલા, આશ્રિતા રાજુ અને દિયા મત્તીપાટીની જુનિયર્સ ટીમે ક્વાર્ટર ફાઇનલમાં મજબૂત વિયેતનામ સામે બહાર થયા બાદ બ્રોન્ઝ મેડલ મેચમાં જોરદાર લડત આપીને 4થું સ્થાન મેળવ્યું હતું.

ઓપન ટીમ: હર્ષ મહેતાની આગેવાનીમાં ઓપન ટીમ (જેમાં અર્જુન સિંહ, અનીશ ફ્રોલીયન, અમન પટેલ, નાઓમી અમલસાડીવાલા, પર્લ અમલસાડીવાલા, મિહિતા યાદવ અને આલિયા ઇબ્રાહિમ સામેલ હતા) ક્વાર્ટર ફાઇનલમાં ટુર્નામેન્ટની ફાઇનલિસ્ટ અમેરિકા સામે 2-4થી પરાજિત થઈ હતી.

માસ્ટર્સ ટીમ: ભૂષણ આકુટ, ઠાકુરદાસ રોહિરા, અજીત ભારદ્વાજ, શકુંતલા દેવનાની અને પેટુલિયા બાલાજીની માસ્ટર્સ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં વિયેતનામ સામે 2-2ની બરાબરી બાદ નિર્ણાયક લડતમાં હારી ગઈ હતી.

સિનિયર્સ ટીમ: સૂર્યવીર સિંહ ભુલ્લર, અતુલ એડવર્ડ, અખિલ માથુર, નિલેશ દેસાઈ, કિરણ સાલિયાન, ગૌરિકા ચોપડા, પર્લિન રૂપકુમાર અને કવિતા ખન્નાની ટીમ રાઉન્ડ ઓફ 16માં ન્યૂઝીલેન્ડ સામે બહાર થઈ હતી.

ઇન્ડિવિઝ્યુઅલ કેટેગરીઝમાં ભારતીયોની સિદ્ધિઓ:

  • ભૂષણ આકુટની ગોલ્ડન હેટ્રિક: 60+ કેટેગરીમાં ભૂષણ આકુટે અસાધારણ પ્રદર્શન કરતાં મેન્સ સિંગલ્સ, અશોક રોહિરા સાથે મેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ—એમ કુલ 3 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા.
  • પૂર્વાંશ પટેલ: અંડર-18 બોયઝ સિંગલ્સ કેટેગરીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો.
  • ફૈરોઝ ઝૈદી અને વિવેક રેડ્ડી: 40+ કેટેગરીમાં પુરુષ સિંગલ્સમાં વિવેક રેડ્ડીએ અને મહિલા સિંગલ્સમાં ફૈરોઝ ઝૈદીએ ગોલ્ડ મેડલ મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.
  • હર્ષ મહેતા: ઓપન પ્રો મેન્સ ડબલ્સ સ્પર્ધામાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

‘ગ્રાઉન્ડ લેવલે રમતમાં વધુ સુધારો કરીશું’: આદિત્ય ખન્ના

સમગ્ર ભારતીય દળને અભિનંદન પાઠવતાં ઇન્ડિયન પિકલબૉલ એસોસિયેશનના સીઈઓ આદિત્ય ખન્નાએ જણાવ્યું હતું કે:

"ભારતીય ટીમે 2026 વર્લ્ડ કપમાં અભૂતપૂર્વ પરિણામો હાંસલ કર્યા છે અને સમગ્ર ઇન્ડિયન પિકલબૉલ એસોસિયેશન આખા ડેલિગેશનના દરેક સભ્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તમારી સખત મહેનત અને સમર્પણે IPA માટે વૈશ્વિક શ્રેષ્ઠતા તરફની અમારી પ્રતિબદ્ધતાને આગળ ધપાવવાનું સરળ બનાવી દીધું છે. 4થા સ્થાને પહોંચવું એ વૈશ્વિક સ્તરે એક મોટો સંદેશ છે અને મને પૂરી ખાતરી છે કે આગામી એડિશનમાં અમે આનાથી પણ ઉંચા સ્થાન માટે લક્ષ્યાંક રાખીશું. સમગ્ર ભારતીય દળને પુનઃ અભિનંદન, અને હવે અમારું ધ્યાન દેશમાં ગ્રાસરૂટ સ્તરે પિકલબૉલને વધુ સુધારવા પર રહેશે જેથી આવી ઘણી વધુ પ્રતિભાઓ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવી શકે."