Hockey World Cup : પાકિસ્તાનની ટીમ ભારત નહીં આવે, વર્લ્ડ કપમાંથી નામ પરત લીધું

FIH Junior World Cup-2025 : તમિલનાડુના ચેન્નાઈ અને મદુરઈમાં 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર-2025 સુધી એફઆઇએચ જુનિયર હોકી વર્લ્ડ કપ રમાવાનો છે, જેમાં પાકિસ્તાની ટીમે ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. ટીમે વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી ખસી ગયું હોવાની FIHએ આપી માહિતી
આ મામલે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને(FIH) શુક્રવારે સત્તાવાર માહિતી આપતાં કહ્યું છે કે, ‘પાકિસ્તાને એફઆઇએચ જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાની હોકી ફેડરેશને અમને કહ્યું છે કે, તેઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે. તેઓએ ક્વોલિફાઇ કર્યું હોવા છતાં ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચી લીધું છે.’
પાકિસ્તાન બહાર થતાં અન્ય ટીમને સામેલ કરાશે
એફઆઇએચ જુનિયર હોકી વર્લ્ડ કપ કુલ 24 ટીમો ભાગ લેવાની છે. પાકિસ્તાની ટીમને ભારત સાથે ગ્રૂપ-બીમાં રાખવામાં આવ્યું હતું. આ ગ્રૂપમાં ચિલી અને સ્વિત્ઝર્લૅન્ડ પણ સામેલ છે. જોકે હવે પાકિસ્તાને નામ પરત ખેંચતા સ્થિતિ બદલાઈ ગઈ છે, તેથી હવે પાકિસ્તાનના સ્થાને અન્ય ટીમને સામેલ કરાશે અને તેની FIH ટૂંક સમયમાં જાહેરાત કરશે.
આ પણ વાંચો : ICC Women World Cup : ભારતીય ટીમ કોની સામે સેમિફાઈનલમાં ટકરાશે? જાણી લો
પાકિસ્તાનને 'ન્યૂટ્રલ વેન્યુ'ની માંગ કરી હતી
પાકિસ્તાની ફેડરેશનના અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માંગતા હતા, પરંતુ બંને દેશો વચ્ચેના તણાવને કારણે તેઓ ભારત આવવા તૈયાર નહોતા. PHFના એક અધિકારીએ જણાવ્યું કે, ક્રિકેટની જેમ તેઓએ ટૂર્નામેન્ટમાં રમવા માટે ન્યૂટ્રલ વેન્યુની માંગ કરી હતી, પરંતુ FIHએ આ માંગણી ફગાવી દીધી હતી.
ટૂર્નામેન્ટમાંથી પાકિસ્તાન આઉટ મામલે ભારતે શું કહ્યું?
બીજી તરફ ટૂર્નામેન્ટમાંથી પાકિસ્તાન ખસી ગયું હોવા અંગે ભારતે પ્રતિક્રિયા આપી છે. હોકી ઇન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી ખસી ગયું હોવાની FIHએ અમને કોઈ માહિતી આપી નથી. ભોલાનાથ સિંહે દાવો કર્યો છે કે, દોઢ મહિના પહેલા અમે પાકિસ્તાન ફેડરેશનના અધિકારીઓ સાથે વાત કરી હતી અને તેમણે ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, અમારી જવાબદારી ટૂર્નામેન્ટ યોજવાની અને ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવાની છે અને અમે તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.
પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ
ઉલ્લેખનીય છે કે, પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ ભારતમાં મેન્સ હોકી એશિયા કપ યોજાયો હતો, તેમાંથી પણ પાકિસ્તાન ખસી ગયું હતું. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 23 ભારતીય નાગરિક અને એક નેપાળી નાગરિક સહિત 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ સાત મેએ ઓપરેશન સિંદૂર શરુ કરી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબાની આતંકી છાવણીઓને ટાર્ગેટ કરી નષ્ટ કરી દીધી હતી. બીજી તરફ પાકિસ્તાને પણ હુમલા શરુ કરી દીધા હતા, જોકે ભારતે આક્રમકતા સાથે તેને સફળતાપૂર્વક જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનને હવાઈ ઠેકાણા પણ નષ્ટ કરી દીધા હતા.
આ પણ વાંચો : IND vs AUS : આઉટ થયા બાદ વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું સંન્યાસની અટકળો થવા લાગી

