ICC Women World Cup : ભારતીય ટીમ કોની સામે સેમિફાઈનલમાં ટકરાશે? જાણી લો

ICC Women Cricket World Cup semi final Matches : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. ભારતે ટૂર્નામેન્ટની 24મી મેચમાં ન્યૂઝીલેન્ડને DLS મેથડ હેઠળ 53 રનથી હરાવીને નોકઆઉટમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ, વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી ચાર ટીમો - ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ભારત - નક્કી થઈ ગઈ છે.
ભારત ચોથા સ્થાને જ રહેશે
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા હાલમાં 6 મેચમાં 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ભારતની છેલ્લી લીગ મેચ બાંગ્લાદેશ સામે છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતી પણ લે, તો પણ તે મહત્તમ 8 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા (11), સાઉથ આફ્રિકા (10) અને ઈંગ્લેન્ડ (9) પોઈન્ટ સાથે ભારતથી આગળ છે. આનો અર્થ એ છે કે ભારત પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર રહીને જ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
સેમિફાઇનલનું ગણિત: ભારતની મેચ ક્યારે, પણ કોની સામે?
ટૂર્નામેન્ટના નિયમ મુજબ, પ્રથમ સેમિફાઇનલ પોઈન્ટ ટેબલમાં પહેલા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલમાં બીજા અને ત્રીજા નંબરની ટીમો ટકરાશે. આ નિયમ મુજબ, તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત ચોથા સ્થાને હોવાથી પ્રથમ સેમિફાઇનલ રમશે, જે 29 ઓક્ટોબરે રમાશે.
જોકે, ભારતનો મુકાબલો કઈ ટીમ સામે થશે તે હજુ નક્કી નથી. તેનું કારણ એ છે કે ટોચના ત્રણ સ્થાન માટે હજુ પણ સ્પર્ધા ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે નંબર-1 બનવા માટે જંગ છે, જેમની વચ્ચે એક મેચ રમાવાની બાકી છે. આ મેચની વિજેતા ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે અને તે જ ટીમ સેમિફાઇનલમાં ભારત સામે ટકરાશે. જો આ મેચમાં સાઉથ આફ્રિકા હારે છે, તો ઈંગ્લેન્ડ પાસે પણ ટોપ-2માં સ્થાન મેળવવાની તક રહેશે. આથી, ભારતની સેમિફાઇનલની તારીખ પાક્કી છે, પરંતુ પ્રતિસ્પર્ધી કોણ હશે તે જાણવા માટે લીગ સ્ટેજની છેલ્લી મેચોના પરિણામની રાહ જોવી પડશે.

