IND vs AUS : આઉટ થયા બાદ વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું સંન્યાસની અટકળો થવા લાગી

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં સ્ટાર બેટર વિરાટ કોહલી શૂન્ય રન પર આઉટ થતાં ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. 304 મેચની વનડે કારકિર્દીમાં આ પહેલી વાર છે, જ્યારે કોહલી સતત બે ઇનિંગ્સમાં પોતાનું ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હોય. જો કે, તેના આઉટ થયા બાદ તેણે પેવેલિયન પરત ફરતી વખતે જે હરકત કરી, તેનાથી તેની વનડે નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.
વિદાય લેવાનો સંકેત?
કોહલી જ્યારે આઉટ થયા બાદ પેવેલિયન તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેણે પોતાનો જમણો હાથ ઊંચો કર્યો, માથું નમાવ્યું અને દર્શકોનું સ્વાગત કર્યું, જાણે કે તે ક્રિકેટને અલવિદા કહી રહ્યો હોય. સ્ટેડિયમમાં લગભગ શાંતિ છવાઈ ગઈ હતી, છતાં તેણે જમણા હાથમાં બંને ગ્લોવ્ઝ પકડીને ઊભા કર્યાં અને ભીડ તરફ હાથ લહેરાવ્યો.
ચાહકો અને નિષ્ણાતોમાં હવે એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું 'કિંગ કોહલી' એડિલેડ ઓવલ પર છેલ્લી વખત રમી રહ્યો હતો, અથવા તો આ વનડે ક્રિકેટને પણ અલવિદા કહેવાનો સંકેત હતો. લોકો પોતાના અર્થઘટનના આધારે આ હાવભાવનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
આ પણ વાંચો: VIDEO: રોહિત શર્મા પર ભડક્યો ઐય્યર, કહ્યું- મને ના કહેશો, તમે કરી બતાવો
એડિલેડમાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ
એડિલેડ ઓવલ વિરાટ કોહલી માટે હંમેશા એક ખાસ મેદાન રહ્યું છે. આ મેદાન પર કોહલીએ 975 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે, જે અન્ય કોઈ વિદેશી બેટરે બનાવ્યા નથી. કેપ્ટન શુભમન ગિલ 17 રને આઉટ થયા બાદ વિરાટ બેટિંગ કરવા આવ્યો ત્યારે દર્શકો દ્વારા તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, પર્થની જેમ જ તે એડિલેડમાં પણ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો.
વિરાટ કોહલી માત્ર ચાર બોલનો સામનો કરી શક્યો અને ઝેવિયર બાર્ટલેટ દ્વારા LBW આઉટ થયો. બોલ તેના પગ પર વાગ્યો અને અમ્પાયરે આંગળી ઊંચી કરી. કોહલીએ રોહિત શર્મા સાથે રિવ્યૂ લેવા અંગે ચર્ચા કરી, પરંતુ અંતે રિવ્યૂ ન લેવાનો નિર્ણય લીધો અને પેવેલિયન તરફ ચાલ્યો ગયો. કોહલીના આ હાવભાવથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના ભવિષ્ય અંગે અટકળો વધી ગઈ છે.

