Sports

પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ

By GS Team
13 Feb 20262 mins read
TukuTouch Logo
ટીમ અને અધિકારીઓનું બુકિંગ એક ફોર-સ્ટાર હોટલમાં કરવામાં આવ્યું હતું. તેમને ખાતરી આપવામાં આવી હતી કે, 'પાકિસ્તાન હોકી ફેડરેશન' અને 'પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ' દ્વારા એડવાન્સ પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ

 તસ્વીર IANS



Pakistan Hockey Team Stranded on Road : ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં પાકિસ્તાની હોકી ટીમને ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. હોટલનું બાકી બિલ ન ચૂકવાતા મેનેજમેન્ટે ટીમનું બુકિંગ રદ કરી દીધું હતું. જેના કારણે ખેલાડીઓ કલાકો સુધી રસ્તા પર ભટકતા રહ્યા હતા. આ ઘટના 'FIH પ્રો લીગ'ના બીજા તબક્કા દરમિયાન બની હતી, જ્યાં ટીમ હોબાર્ટમાં મેચ રમવા પહોંચી છે.

બુકિંગ રદ અને હોટલનો સ્પષ્ટ ઇન્કાર

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ અને અધિકારીઓનું બુકિંગ એક ફોર-સ્ટાર હોટલમાં કરવામાં આવ્યું હતું. તેમને ખાતરી આપવામાં આવી હતી કે, 'પાકિસ્તાન હોકી ફેડરેશન' અને 'પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ' દ્વારા એડવાન્સ પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. પરંતુ જ્યારે ખેલાડીઓ કેનબેરા પહોંચ્યા, ત્યારે હોટલ મેનેજમેન્ટે સ્પષ્ટ કહી દીધું કે - "કોઈ બુકિંગ નથી અને કોઈ પેમેન્ટ મળ્યું નથી."

કોચની આજીજી છતાં સિસ્ટમ મૌન

હેડ કોચ તાહિર ઝમાને પાકિસ્તાનમાં ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયના તફાવત અને ફંડની અછતને કારણે કલાકો સુધી કોઈ ઉકેલ આવ્યો નહોતો. લાંબી મુસાફરી બાદ ખેલાડીઓ પાસે ન તો આરામ કરવાની જગ્યા હતી કે ન તો ખાવા-પીવાની વ્યવસ્થા. અંતે, ભારે જહેમત બાદ હોટલે મર્યાદિત રૂમ આપ્યા હતા. જેમાં એક જ રૂમમાં બે-ત્રણ ખેલાડીઓ રોકાવા માટે મજબુર બન્યા હતા. આ માનસિક તણાવ વચ્ચે બીજા જ દિવસે ટીમે મેદાનમાં ઉતરવું પડ્યું અને ઓસ્ટ્રેલિયા સામે 2-3 થી હારનો સામનો કરવો પડ્યો.

મેદાન પર હાર અને વહીવટી અરાજકતા

પાકિસ્તાની હોકી ટીમ અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. પ્રો લીગમાં ટીમ અત્યાર સુધીની તમામ છ મેચ હારી ચૂકી છે. પરંતુ કેનબેરાની આ ઘટના રમત કરતા વધુ પાકિસ્તાની રમત જગતની સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. આ અગાઉ આર્જેન્ટિનામાં પણ ખેલાડીઓને સમયસર ભથ્થું મળ્યું નહોતું.

મેનેજર પણ 'ગાયબ' અને આંતરિક કલહ

આશ્ચર્યની વાત એ છે કે, ટીમ આ પ્રવાસ પર કોઈ કાયમી મેનેજર વગર ગઈ છે. પૂર્વ ઓલિમ્પિયન અંજુમ સઈદને ફ્લાઈટમાં ધૂમ્રપાન અને એરપોર્ટ સુરક્ષા સાથેની દલીલોના વિવાદ બાદ હટાવી દેવામાં આવ્યા હતા. હાલમાં ટીમ વહીવટી રીતે રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે.

હોકીની ઘટતી શાખ

એક સમયે ઓલિમ્પિક અને વર્લ્ડ હોકી પર રાજ કરનાર પાકિસ્તાનની હાલત આજે એવી છે કે, ખેલાડીઓને રહેવા માટેના પણ ફાંફાં છે. કેનબેરામાં સ્થાનિક પાકિસ્તાની સમુદાયના લોકોએ આગળ આવીને ખેલાડીઓની મદદ કરવી પડી હતી. સવાલ માત્ર હાર-જીતનો નથી, પરંતુ એવી વ્યવસ્થાનો છે જેણે રાષ્ટ્રીય રમતના ખેલાડીઓને રસ્તા પર ભટકવા મજબૂર કર્યા છે.