સચિન-કોહલી નહીં, આ દિગ્ગજ છે 'ઓલ-ટાઇમ બેસ્ટ ક્રિકેટર', બ્રેટ લીના દાવાએ સૌને ચોંકાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Brett Lee News : ક્રિકેટના ઇતિહાસમાં 'ઓલ-ટાઇમ ગ્રેટ' ખેલાડી કોણ છે તે અંગે હંમેશાં રસપ્રદ ચર્ચાઓ થતી રહે છે. મોટાભાગના વિવેચકો અને દિગ્ગજો ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર કે વિરાટ કોહલીને આ યાદીમાં ટોચ પર રાખે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લીએ આ ચર્ચાને એક નવો જ વળાંક આપ્યો છે. બ્રેટ લીના મતે સચિન તેંડુલકર દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, પરંતુ જ્યારે સમગ્ર 'ઓવરઓલ ઓલ-ટાઇમ ક્રિકેટર' ની વાત આવે ત્યારે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ કેલિસ નંબર-1 સ્થાને આવે છે.
હાલમાં જ એક શોમાં વાત કરતી વખતે બ્રેટ લીએ જેક્સ કેલિસના અવિશ્વસનીય આંકડાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મારી નજરમાં સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેંડુલકર છે. પરંતુ એક ઓવરઓલ ક્રિકેટર તરીકે જોવામાં આવે તો જેક્સ કેલિસથી મોટો કોઈ ખેલાડી નથી. તમે તેના આંકડા જુઓ, આંકડા ક્યારેય જૂઠું બોલતા નથી અને તેનો રેકોર્ડ અદભુત છે." નોંધનીય છે કે બ્રેટ લી અને જેક્સ કેલિસ IPL માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી એકસાથે રમી ચૂક્યા છે અને 2012 માં ટાઇટલ જીતનારી ગૌતમ ગંભીરની ટીમનો પણ ભાગ હતા.
કેલિસ અને સચિનના અવિશ્વસનીય રેકોર્ડ્સ
જેક્સ કેલિસે 1995 થી 2014 વચ્ચે દક્ષિણ આફ્રિકા માટે રમતા ટેસ્ટ ક્રિકેટમાં 13289 રન અને વનડેમાં 11579 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે બોલિંગમાં ટેસ્ટમાં 292 વિકેટ અને વનડેમાં 273 વિકેટ પણ ઝડપી છે. બીજી તરફ, 24 વર્ષ સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સચિન તેંડુલકરે ટેસ્ટમાં 15921 રન અને વનડેમાં 18426 રન બનાવીને બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે રાખ્યો છે.
વિરાટ કોહલીના ટીકાકારો પર બ્રેટ લીનો પ્રહાર
પોડકાસ્ટ દરમિયાન બ્રેટ લીએ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના પણ મુક્તકંઠે વખાણ કર્યા હતા. વિરાટના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું કે, જ્યારે તેઓ પહેલીવાર વિરાટની આંખોમાં જોતા ત્યારે એક અલગ જ જુસ્સો અને પડકાર દેખાતો હતો. વિરાટના ફોર્મ પર સવાલ ઉઠાવતા આલોચકો પર નિશાન સાધતા બ્રેટ લીએ કહ્યું કે, "જો વિરાટ કોઈ એક-બે મેચમાં રન ન બનાવે તો લોકો કહેવા લાગે છે કે તેનો સમય પૂરો થઈ ગયો, જે સાવ બકવાસ વાત છે. તેનો અદ્ભુત રેકોર્ડ જુઓ, વિરાટમાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે."









