IND vs NZ ODI Series : અનુભવી ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડની યુવા અને બિનઅનુભવી ટીમે ઘરઆંગણે 1-2થી વનડે સીરિઝ હરાવીને ઇતિહાસ રચી દીધો છે. રવિવારે ઈન્દોરમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ભારતને 41 રને હારનો સામનો કરવો પડ્યો. આ હાર ભારતીય ટીમ માટે લાંબા સમય સુધી ખૂંચશે, કારણ કે ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત ભારતીય ધરતી પર કોઈ વનડે સીરિઝ જીતી છે.
'નબળી' ટીમે આપ્યો મોટો ઝટકો
માઈકલ બ્રેસવેલની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડની આ જીત કોઈ આશ્ચર્યથી ઓછી નથી. ભારતીય ટીમ 'ફેવરિટ'ના ટેગ સાથે સીરિઝમાં ઉતરી હતી, પરંતુ કદાચ કીવી ટીમને હળવાશથી લેવાની ભૂલ કરી બેઠી. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ આ સીરિઝમાં તેના સિનિયર ખેલાડીઓ કેન વિલિયમસન, નિયમિત કેપ્ટન મિચેલ સેન્ટનર અને સ્ટાર બોલર મેટ હેનરી વિના જ ઉતરી હતી. એટલું જ નહીં, રચિન રવીન્દ્ર અને જેકબ ડફી જેવા ખેલાડીઓને પણ આરામ આપવામાં આવ્યો હતો.
ઓછો અનુભવ, પણ જોશ હાઈ
ટીમમાં જેડન લેનોક્સ અને ક્રિસ્ટિયન ક્લાર્ક જેવા ખેલાડીઓ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય સીરિઝ રમી રહ્યા હતા, તેમ છતાં તેમના જોશ સામે ભારતીય ટીમ ફિક્કી સાબિત થઈ. વડોદરામાં વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના જોરે ભારત જીત્યું, પરંતુ રાજકોટ અને ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ન તો બેટિંગમાં સાતત્ય જોવા મળ્યું, ન તો બોલિંગમાં કોઈ ધાર દેખાઈ.
ડેરિલ મિશેલ બન્યો ભારત માટે 'વિલન'
આખી સીરિઝમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલનો કોઈ તોડ શોધી શકી નહીં. મિશેલે પ્રથમ વનડેમાં અડધી સદી અને ત્યારબાદ રાજકોટ અને ઈન્દોરમાં સતત બે સદી ફટકારી. તેણે 176ની અકલ્પનીય એવરેજથી કુલ 352 રન બનાવ્યા. બોલિંગમાં, ડેબ્યૂ કરનાર ક્રિસ્ટિયન ક્લાર્કે 7 વિકેટ સાથે સીરિઝમાં સૌથી વધુ વિકેટ લીધી, જ્યારે કાઈલ જેમિસને 6 વિકેટ ઝડપી.
ભારત માટે શું રહ્યું પોઝિટિવ?
આ હાર છતાં, ભારત માટે વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ અને હર્ષિત રાણાનું ઓલરાઉન્ડ પ્રદર્શન સકારાત્મક રહ્યું. કોહલીએ 3 મેચમાં 80ની એવરેજથી 240 રન બનાવ્યા, જ્યારે હર્ષિત રાણાએ 6 વિકેટ લેવા ઉપરાંત બેટથી 83 રનનું યોગદાન આપ્યું. કેએલ રાહુલે રાજકોટમાં ફટકારેલી સદી પણ ટીમ માટે સારા સંકેત છે.
સિનિયર ખેલાડીઓ થયા ફેલ
જોકે, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (3 ઇનિંગ્સમાં 61 રન), શ્રેયસ અય્યર (60 રન) અને અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓ બેટ અને બોલ બંનેથી પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા, જે હારનું મુખ્ય કારણ બન્યું.


