Sports

ગૌતમ ગંભીરની જગ્યાએ નવા દિગ્ગજની એન્ટ્રી, એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની સંભાળશે કમાન

By GS Team
3 Sep 20263 mins read
TukuTouch Logo
જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026માં ભારતીય ક્રિકેટ ટીમની કમાન શ્રેયસ અય્યર સંભાળશે. વેસ્ટઈન્ડીઝ સિરીઝના કારણે ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં, VVS લક્ષ્મણ ટીમના હેડ કોચ હશે. તેમની સાથે સુનીલ જોશી સહિતનો સપોર્ટ સ્ટાફ પણ જોડાશે. ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર ભારત સીધા ક્વાર્ટર ફાઇનલમાં રમશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૌતમ ગંભીરની જગ્યાએ નવા દિગ્ગજની એન્ટ્રી, એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની સંભાળશે કમાન

vvs Laxman Head Coach Team India In Asian Games 2026: જાપાનમાં યોજાવા જઈ રહેલી એશિયન ગેમ્સ 2026ને લઈને ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. 24 સપ્ટેમ્બરથી શરૂ થનારી મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ શ્રેયસ અય્યર કરશે. પરંતુ ટીમની સાથે હેડ કોચ ગૌતમ ગંભીર જાપાન નહીં જાય. એશિયન ગેમ્સ અને વેસ્ટઈન્ડીઝ સામે ભારતની મલ્ટી-ફોર્મેટ સીરિઝની તારીખો પરસ્પર ટકરાઈ રહી છે. આ જ કારણે ભારતીય ક્રિકેટ ટીમે બે અલગ-અલગ મોરચે ઉતરવું પડશે. નિયમિત ટીમ વેસ્ટઈન્ડીઝ સામે સીરિઝ રમશે, જ્યારે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની ટીમ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ હેડ કોચની જવાબદારી સંભાળશે. એક સમાચાર એજન્સીના રિપોર્ટમાં આ વાતની માહિતી સામે આવી છે. લક્ષ્મણની સાથે સુનીલ જોશી, ઋષિકેશ કનિતકર અને શુભદીપ ઘોષ સપોર્ટ સ્ટાફનો હિસ્સો હશે. તો બીજી તરફ મારુફ ફજંદર ટીમના સપોર્ટ સ્ટાફના લીડરની ભૂમિકા ભજવશે. ભારતની ટીમમાં ઘણા મોટા T20 સ્ટાર્સ સામેલ છે, તેથી તેને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

ટીમ ઈન્ડિયા સીધી ક્વોર્ટર ફાઈનલ રમશે

ભારતના સપોર્ટ સ્ટાફમાં કોચિંગ અને અન્ય ભૂમિકાઓ માટે ઘણા સભ્યો હશે. એશિયન ગેમ્સ માટે ભારતીય દળમાં એથ્લેટિક્સ પછી ક્રિકેટનો સપોર્ટ સ્ટાફ સૌથી મોટો હશે. ભારતીય ટીમને એશિયન ગેમ્સમાં ગ્રુપ સ્ટેજ રમવાની જરૂર રહેશે નહીં. ભારતને સીધો ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ મળ્યો છે.

શ્રેયસ અય્યર બ્રિગેડ ટુર્નામેન્ટની બીજી ક્વોર્ટર ફાઈનલ રમશે અને એ જ તેનું એશિયન ગેમ્સ 2026માં પહેલો મુકાબલો હશે. બીજી તરફ પાકિસ્તાન પહેલી ક્વોર્ટર ફાઈનલમાં ઉતરશે. ભારત અને પાકિસ્તાન સિવાય શ્રીલંકા અને બાંગ્લાદેશને પણ સીધી ક્વોર્ટર ફાઈનલમાં જગ્યા મળી છે. જોકે, ક્વોર્ટર ફાઈનલમાં આ ટીમો સામે કોણ હશે, તેનો નિર્ણય બાદમાં થશે.

ભારતની ટીમમાં અનુભવ અને યુવા જોશનું શાનદાર મિશ્રણ છે. કેપ્ટન શ્રેયસ અય્યર ઉપરાંત અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ બેટિંગ યુનિટને મજબૂતી આપે છે. ઓલરાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં શિવમ દુબે, તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર છે. તો વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ સ્પિન ડિપાર્ટમેન્ટમાં મોરચો સંભાળશે. ફાસ્ટ બોલિંગ યુનિટમાં જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા જેવા વિકલ્પો ટીમને ખૂબ મજબૂત બનાવે છે.

જોકે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે. IPL અને ઘરેલુ ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ઓળખ બનાવનાર વૈભવને હવે એશિયન ગેમ્સ જેવા મોટા મંચ પર પોતાને સાબિત કરવાની તક મળશે.

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે, જે T20 ક્રિકેટમાં મેચની સ્થિતિ ગણતરીની ઓવરોમાં જ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે, ભારતને ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ખિતાબના સૌથી મજબૂત દાવેદારોમાં ગણવામાં આવી રહ્યું છે.

ભારતીય ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી.