'જરા હુક્કો પીને આવું છું', ધોની અને રિષભ પંતનો પ્રાઇવેટ પાર્ટીનો વીડિયો વાઈરલ, ઇન્ટરનેટ પર ભારે ચર્ચા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MS Dhoni Hookah Viral Video With Rishabh Pant: ભારતીય ક્રિકેટના સૌથી સફળ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વર્તમાન સ્ટાર વિકેટકીપર-બેટર ઋષભ પંતનો એક કથિત પ્રાઇવેટ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં ધોની દ્વારા બોલાયેલા એક કથિત સંવાદે ક્રિકેટ ચાહકો વચ્ચે ભારે ઉત્સુકતા અને ચર્ચા જગાવી છે. વાઈરલ વીડિયો અનુસાર ઋષભ પંત કેટલાક મિત્રો સાથે એક હોટેલ રૂમ જેવા સ્થળે સોફા પર બેઠેલા જોવા મળે છે. જે એક ખાનગી ગેટ-ટુગેધર જેવો માહોલ દર્શાવે છે.
ક્લિપમાં ધોની બેકગ્રાઉન્ડમાં દેખાય છે. કોઈની સાથે તસવીર ખેંચાવીને પરત ફર્યા બાદ, ધોની પંત સાથે હાથ મિલાવતા કથિત રીતે બોલે છે કે, "જરા હુક્કા પી કે આતા હું" (હું જરા હુક્કો પીને આવું છું).
જોકે, આ વાઈરલ વીડિયો ક્યાંનો છે, ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને તેની સત્યતા કેટલી છે તેની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ ઇન્ટરનેટ પર આ 'હુક્કા' વાળા વાક્યને લઈને ફેન્સમાં જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. ફેન્સ આ વાઈરલ વીડિયોને ક્રિકેટરની પ્રાઈવસીનો ભંગ પણ જણાવી રહ્યા છે.
હુક્કાના કારણે અગાઉ પણ ચર્ચામાં આવ્યો હતો ધોની
નોંધનીય છે કે ધોનીની હુક્કો પીવાની ટેવ અંગે અગાઉ પણ ખૂબ ચર્ચા થયેલી છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન જ્યોર્જ બેઇલીએ અગાઉ ધોનીના રમતના દિવસોની યાદો વાગોળતાં દાવો કર્યો હતો, કે ધોનીને હુક્કો પીવો ગમે છે. તેથી, તેઓ મોટાભાગે પોતાના રૂમમાં તેની વ્યવસ્થા કરતા હતા, અને ત્યાં હંમેશા ઓપન-ડોર પોલિસી રહેતી. તમે તેમના રૂમમાં જાવ તો ઘણીવાર ઘણા યુવા ખેલાડીઓ ત્યાં બેઠેલા જોવા મળતા.




