Get The App

ચાલુ મેચમાં અમ્પાયર સાથે માથાકૂટ કરવી ભારે પડી! ICCએ સ્ટાર ખેલાડીને ફટકાર્યો દંડ

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
ચાલુ મેચમાં અમ્પાયર સાથે માથાકૂટ કરવી ભારે પડી! ICCએ સ્ટાર ખેલાડીને ફટકાર્યો દંડ 1 - image


 ICC X


T20 World Cup 2026 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2026ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ અફઘાનિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. એક તરફ અફઘાની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાની અણી પર છે, તો બીજી તરફ ટીમના સિનિયર ઓલરાઉન્ડર મોહમ્મદ નબી પર ICCએ શિસ્તભંગ બદલ દંડ ફટકાર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

આ ઘટના અફઘાનિસ્તાનની ઇનિંગની 14મી ઓવર દરમિયાન બની હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એન્ગિડીએ હાથમાં પહેરેલા રિસ્ટબેન્ડ (કાંડા પરના બેન્ડ) ને લઈને મોહમ્મદ નબીએ વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દે નબીએ અમ્પાયરો સાથે લાંબી દલીલબાજી કરી હતી, જેને ICCએ અમ્પાયરના નિર્દેશોનું ઉલ્લંઘન માન્યું છે.

ICC એક્શન મોડમાં

મોહમ્મદ નબીને ICC આચાર સંહિતાના લેવલ-1 ના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નબીના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં નબીનો આ પ્રથમ ગુનો છે. નબીએ મેચ રેફરી ડેવિડ ગિલ્બર્ટ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, તેથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી.

ડબલ સુપર ઓવરનો રોમાંચ અને અફઘાનિસ્તાનની સ્થિતિ

અમદાવાદના મેદાન પર રમાયેલો આ મુકાબલો અત્યંત નાટકીય રહ્યો હતો. સ્કોર ટાઈ થયા બાદ મેચ ડબલ સુપર ઓવર સુધી ખેંચાઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો હતો. આ હાર સાથે અફઘાનિસ્તાન માટે સેમીફાઇનલની રાહ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. હવે અફઘાનિસ્તાને તેની બાકીની બંને ગ્રુપ મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. સેમીફાઇનલમાં પહોંચવા માટે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.


અમ્પાયરોનો અહેવાલ

મેદાન પરના અમ્પાયર જયરામન મદનગોપાલ અને શરફુદૌલા ઈબ્ને શાહિદ તેમજ થર્ડ અમ્પાયર નિતિન મેનન દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. નિયમ મુજબ, લેવલ-1 ના ઉલ્લંઘનમાં મહત્તમ 50 ટકા દંડની જોગવાઈ છે, પરંતુ નબીની ભૂલ જોતા 15 ટકા દંડ નક્કી કરાયો છે.