Sports

19 વર્ષ પહેલાં જેને ખોળામાં નવડાવ્યો, હવે તેની જ સામે ફાઇનલ રમશે મેસી! ફિફા વર્લ્ડકપમાં ગજબ સંયોગ

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ રવિવારે ન્યૂજર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાશે. આ મેચમાં 39 વર્ષના લિયોનેલ મેસ્સી અને 19 વર્ષના લામિન યમાલ સામસામે હશે. રસપ્રદ વાત એ છે કે, 2007માં 20 વર્ષના મેસ્સીએ 5 મહિનાના યમાલને ચેરિટી ફોટોશૂટમાં નવડાવ્યો હતો. આ બંને બાર્સિલોનાની ‘લા માસિયા એકેડેમી’ના ભૂતપૂર્વ ખેલાડીઓ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

19 વર્ષ પહેલાં જેને ખોળામાં નવડાવ્યો, હવે તેની જ સામે ફાઇનલ રમશે મેસી! ફિફા વર્લ્ડકપમાં ગજબ સંયોગ

FIFA World Cup 2026 Final Argentina vs Spain : ફિફા વર્લ્ડ કપ 2026નો ફાઇનલ મુકાબલો માત્ર આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેની જંગ નથી, પરંતુ ફૂટબોલ ઇતિહાસની બે અલગ-અલગ પેઢીઓના મિલનની એક અદ્ભુત અને ભાવુક વાર્તા છે. રવિવારે ન્યૂજર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં જ્યારે વર્લ્ડ કપ ફાઇનલ રમાશે, ત્યારે એક તરફ 39 વર્ષના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સી હશે અને બીજી તરફ 19 વર્ષનો યુવા સ્ટાર લામિન યમાલ. આ બંને ખેલાડીઓ વચ્ચે 19 વર્ષ જૂનો એક એવો કિસ્સો જોડાયેલો છે, જેના પર ફિલ્મી સ્ક્રિપ્ટની જેમ પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

જ્યારે 20 વર્ષના મેસ્સીએ 5 મહિનાના યમાલને ટબમાં નવડાવ્યો હતો

આ કહાની ડિસેમ્બર 2007માં શરૂ થઈ હતી. તે સમયે લિયોનેલ મેસ્સી 20 વર્ષના હતા અને બાર્સિલોના ક્લબ માટે રમીને એક ઉભરતા સિતારા તરીકે નામના મેળવી રહ્યા હતા. સ્પેનિશ અખબાર ‘ડિયારિયો સ્પોર્ટ’ અને યુનિસેફ(UNICEF)ના એક ચેરિટી કેલેન્ડર ફોટોશૂટ માટે મેસ્સીએ એક સ્થાનિક પરિવારના 5 મહિનાના બાળક સાથે તસવીરો ખેંચાવવાની હતી. એ માસૂમ બાળક બીજું કોઈ નહીં પણ લામિન યમાલ હતો.

મેસ્સી ખૂબ જ શરમાળ હતો

ફોટોગ્રાફર જોઆન મોનફોર્ટના જણાવ્યા મુજબ, તે સમયે મેસ્સી ખૂબ જ શરમાળ હતા અને તેમને સમજાતું નહોતું કે આટલા નાના બાળકને કેવી રીતે સંભાળવો. એક વાદળી પ્લાસ્ટિકના ટબમાં બેઠેલા યમાલને મેસ્સીએ પોતાની ગોદમાં લીધો હતો. તે સમયે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે મેસ્સીની ગોદમાં રમનારું આ બાળક એક દિવસ વર્લ્ડ કપ ફાઇનલમાં તેમની સામે જ પ્રતિદ્વંદ્વી બનીને મેદાન પર ઉતરશે. વર્ષ 2024માં યમાલના પિતાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે તે ભારે વાયરલ થઈ હતી.

લા માસિયા એકેડેમીની બે પેઢીઓ આમને-સામને

મેસ્સી અને યમાલ વચ્ચે માત્ર આ વાયરલ ફોટોનો જ સંબંધ નથી, પરંતુ બંનેની ફૂટબોલ સફર પણ બાર્સિલોનાની વિશ્વપ્રસિદ્ધ ‘લા માસિયા એકેડેમી’માંથી શરૂ થઈ છે. આ એકેડેમીમાં જ મેસ્સીએ પોતાના ખેલને નિખાર્યો હતો અને વર્ષો પછી યમાલ પણ આ જ એકેડેમીમાંથી તૈયાર થઈને ફૂટબોલની દુનિયાનો નવો સિતારો બન્યો છે. તેથી આ મેચને બાર્સિલોનાની ફૂટબોલ વિરાસતની બે પેઢીઓ વચ્ચેની લડાઈ પણ માનવામાં આવી રહી છે.

ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સી સૌથી આગળ

39 વર્ષની ઉંમરે પણ મેસ્સીએ સાબિત કર્યું છે કે તેમની રમતમાં હજુ પણ એ જ જાદુ અકબંધ છે. ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં પોતાના 2 શાનદાર આસિસ્ટના દમ પર આર્જેન્ટિનાને 2-1થી જીત અપાવીને તેમણે ટીમને ફાઇનલમાં પહોંચાડી છે. આ વર્લ્ડ કપમાં મેસ્સી 7 મેચોમાં 8 ગોલ અને 4 આસિસ્ટ સાથે ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે. આ સાથે જ તેઓ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 21 ગોલ, 33 મેચ અને 12 આસિસ્ટનો ઓલ-ટાઇમ રેકોર્ડ પણ પોતાના નામે કરી ચૂક્યા છે.

કિસ્મતની અનોખી સ્ક્રિપ્ટ

ફૂટબોલના ઇતિહાસમાં પેલે અને મેરાડોના ક્યારેય આમને-સામને રમી શક્યા નથી. મેરાડોના અને મેસ્સી વચ્ચે પણ ક્યારેય મેચ થઈ નથી. પરંતુ કિસ્મતે મેસ્સી અને યમાલ માટે અલગ જ કહાની લખી છે. એક તરફ મેસ્સી પોતાના શાનદાર કરિયરમાં વધુ એક વર્લ્ડ કપ ટ્રોફી ઉમેરવા માંગશે, તો બીજી તરફ લામિન યમાલ પોતાના કરિયરની શરૂઆતમાં જ વિશ્વનું સૌથી મોટું ટાઇટલ જીતીને નવી પેઢીના સુપરસ્ટાર બનવાનું સપનું પૂરું કરવા મેદાન પર ઉતરશે.