મેસીએ ચાલુ મેચમાં પિત્તો ગુમાવ્યો! વિરોધી ટીમના ખેલાડી પર હાથ ઉપાડ્યો, દંડ ફટકારાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Messi Fined Over Pitch Clash: વિશ્વ વિખ્યાત આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસી માટે છેલ્લા કેટલાક દિવસો અંગત અને વ્યાવસાયિક જીવનમાં અત્યંત સંઘર્ષપૂર્ણ રહ્યા છે. આર્જેન્ટિનાને ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડ્યા છતાં સતત બીજી વાર ટાઇટલ જીતાડવામાં મળેલી નિષ્ફળતા અને ત્યારબાદ પિતાના અચાનક નિધનના ઊંડા આઘાતમાંથી બહાર આવીને મેસી મેદાનમાં પરત ફર્યો હતો. જોકે, વાપસીની આ મેચમાં શાનદાર પ્રદર્શન છતાં તે એક ગંભીર વિવાદમાં ફસાઈ ગયો છે. અમેરિકાની મેજર લીગ સોકર (MLS)ની લાઈવ મેચ દરમિયાન વિરોધી ખેલાડી સાથે હાથપાઈ કરવા બદલ મેસી સામે શિસ્તભંગની કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે.
ગોલ અને આસિસ્ટ સાથે કરી હતી શાનદાર શરૂઆત
અમેરિકન ફૂટબોલ લીગ MLSમાં ઇન્ટર મિયામી ક્લબ તરફથી રમતા લિયોનેલ મેસી બુધવારે 19 ઓગસ્ટની રાત્રે ફિલાડેલ્ફિયા યુનિયન સામેની મેચમાં મેદાન પર ઉતર્યો હતો. પિતાના નિધન બાદ આ તેની પ્રથમ મેચ હતી. મેસીએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરતાં મેચની 26મી મિનિટે એક શાનદાર ગોલ ફટકાર્યો હતો, જ્યારે તે પહેલાં ટીમના શરૂઆતના ગોલમાં પણ મહત્ત્વપૂર્ણ આસિસ્ટ આપી ગોલ કરવામાં મદદ કરી હતી. આ ગોલના કારણે મેસી ચાહકોની પ્રશંસા અને સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યા હતા. આ રોમાંચક મુકાબલો 2-2ની બરાબરી પર સમાપ્ત થયો હતો.
મેદાન પર લાઈવ મેચ દરમિયાન ગરદન પર માર્યો થપ્પડ
મેચના બીજા હાફ દરમિયાન સ્થિતિ અચાનક વણસી ગઈ હતી. મેચ દરમિયાન લિયોનેલ મેસી અને ફિલાડેલ્ફિયાના ખેલાડી ક્વિન સલિવન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ વધતાં આવેશમાં આવીને મેસીએ ક્વિન સલિવનની ગરદન પર થપ્પડ મારી દીધી હતી. મેસીના આ અણછાજતા વર્તનથી ગુસ્સે ભરાયેલો ફિલાડેલ્ફિયાનો ખેલાડી તેની સાથે બાખડવા પહોંચ્યો હતો. જોકે, સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ મેદાન પર હાજર રેફરીએ તાત્કાલિક વચ્ચે પડી બંને ખેલાડીઓને અલગ કર્યા હતા અને રમત આગળ વધારી હતી.
MLS દ્વારા આક્રમક વર્તણૂક બદલ દંડની સજા
લાઈવ મેચમાં વિરોધી ખેલાડી પર હાથ ઉપાડવાની આ ઘટના બાદ મેજર લીગ સોકર પ્રશાસન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ મામલે મેસીને મેદાન પર અયોગ્ય અને આક્રમક વર્તણૂકના દોષિત ઠેરવીને તેના પર નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. જોકે, લીગ દ્વારા મેસી પર કેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે તે ચોક્કસ આંકડાની વિગત જાહેર કરવામાં આવી નથી.









