Test Cricket New Rule : ક્રિકેટના નિયમો બનાવનારી સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ રમતની ‘લોઝ ઑફ ક્રિકેટ’ના નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો ઑક્ટોબર 2026થી વિશ્વભરમાં અમલમાં આવશે. રમતને વધુ રસપ્રદ બનાવવા અને વિવાદાસ્પદ નિર્ણયો ઘટાડવા માટે નવા નિયમો લાવવામાં આવ્યા છે.
રન-આઉટ અને સ્ટમ્પિંગના નવા નિયમ
નવા નિયમો મુજબ, હવે રન-આઉટ કે સ્ટમ્પિંગ વખતે બોલનો માત્ર સ્પર્શ પૂરતો નહીં ગણાય. હવેથી જ્યારે બેલ્સ (ગિલ્લીઓ) ઉડે, ત્યારે ફિલ્ડર અથવા કીપરના હાથમાં બોલ હોવો જોઈએ. જો બોલ માત્ર હાથ કે ગ્લવ્ઝને અડીને વિકેટ પર વાગશે તો બેટર આઉટ ગણાશે નહીં.
દિવસની અંતિમ ઓવર પૂરી કરવી પડશે
ટેસ્ટ અથવા મલ્ટી-ડે મેચમાં હવે જો દિવસની છેલ્લી ઓવર દરમિયાન વિકેટ પડશે, તો પણ રમત પૂરી નહીં થાય. નવા બેટરે મેદાનમાં આવીને તે ઓવરના બાકીના બોલ રમવા પડશે. અત્યાર સુધી વિકેટ પડ્યા બાદ દિવસની રમત ત્યાં જ સમાપ્ત કરી દેવામાં આવતી હતી.
વિકેટકીપર માટે રાહત
વિકેટકીપર હવે બોલર રન-અપ લેતો હોય ત્યારે પોતાની પોઝિશન બદલી શકશે. નવા નિયમ મુજબ, કીપર માટે બોલ ફેંકાઈ જાય તે પછી જ સ્ટમ્પની પાછળ રહેવું ફરજિયાત છે.
‘બન્ની હોપ’ પર પ્રતિબંધ
બાઉન્ડ્રી પર કેચ પકડતી વખતે 'બન્ની હોપ' (હવામાં ઉછળીને ફરી અંદર આવવું) પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવામાં બોલ પકડ્યા બાદ જમીન પરનો સંપર્ક બાઉન્ડ્રીની અંદર જ હોવો જોઈએ. તમે અનેક મેચોમાં જોયું હશે કે, જ્યારે બેટરના શોર્ટથી બોલ હવામાં બાઉન્ડ્રીની નજીક પહોંચે છે, ત્યારે ફિલ્ડરના હાથમાં બોલ આવ્યા બાદ તે બાઉન્ડ્રીની બહાર જતી વખતે બોલ હવામાં ઉછાળી દે છે અને પછી ફરી તે બાઉન્ડ્રી અંદર આવીને તે ઉછાળેલો બોલ પકડી લે છે, જેના કારણે બેટર આઉટ થઈ જાય છે, જોકે હવે આ નિયમ બંધ કરી દેવાયો છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીના સમર્થનમાં લોકસભામાં હોબાળો, અધ્યક્ષ તરફ પેપર ફેંકનારા સાંસદો સસ્પેન્ડ
અન્ય મહત્ત્વના ફેરફારો
શોર્ટ રન પેનલ્ટી : આ ઉપરાંત, જાણી જોઈને 'શોર્ટ રન' લેવા બદલ હવે પાંચ પેનલ્ટી રન વિરોધી ટીમને આપવામાં આવશે અને ફિલ્ડિંગ કૅપ્ટન નક્કી કરશે કે કયો બેટર સ્ટ્રાઇક પર રહેશે.
ઓવરથ્રો : ઓવરથ્રો અને મિસફિલ્ડિંગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરાયો છે. રન-આઉટના પ્રયાસ વખતે ફેંકાયેલા બોલને જ હવે સત્તાવાર રીતે 'ઓવરથ્રો' ગણવામાં આવશે. એટલે કે બેટરે ફટકારેલો બોલ પકડવામાં ફિલ્ડર ભૂલ કરે, હાથમાંથી છટકી જાય અથવા પગ નીચેથી નીકળી જાય તો તેને મિસફિલ્ડિંગ ગણવામાં આવશે, ઓવરથ્રો નહીં.
હિટ વિકેટ : શૉટ રમ્યા પછી બેટર બેલેન્સ ગુમાવી પાછળ તરફ નમી જાય, જેમાં તેનું બેટ કે પગ સ્ટમ્પને અડી જાય તો આઉટ ગણાશે. જો બેટરે શૉટ માર્યો ત્યારે ફિલ્ડર બોલ પકડવા માટે ઝડપથી દોડીને બેટર સાથે અથડાય અને બેટર સ્ટમ્પ પર જઈ પડે, તો નોટ આઉટ ગણાશે.
બેટ અને બોલ : મહિલા, પુરુષ અને જુનિયર ક્રિકેટ માટે બોલના વજન અને કદ સરખા હશે. તેમજ ઓપન-એજ સ્તરે લેમિનેટેડ બેટ(Type D)ના ઉપયોગની પણ છૂટ આપવામાં આવી છે.


