ફિફામાં 20 મેચ રમનારો સૌથી યુવા ખેલાડી બન્યો એમ્બાપ્પે, હવે ગોલ મામલે મેસીનો રેકોર્ડ ખતરામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mbappe Rewrites Football History: ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેએ મોરોક્કો સામે રમાયેલી મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ઇતિહાસ રચી દીધો છે. એમ્બાપ્પે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં 20 મેચ રમનારો વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ સાથે જ તે આ મેગા ઇવેન્ટમાં સૌથી ઝડપી 20 ગોલ કરનારો ખેલાડી પણ બની ગયો છે.
સેમિફાઇનલમાં ફ્રાન્સનો પ્રવેશ, એમ્બાપ્પેની શાનદાર રમત
27 વર્ષીય એમ્બાપ્પેએ બોસ્ટન સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં મોરોક્કો સામે ફ્રાન્સની 2-0થી થયેલી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફર્સ્ટ હાફમાં પેનલ્ટી ચૂકી ગયા બાદ પણ તેણે હિંમત નહોતી હારી અને મેચની 60મી મિનિટે એક શાનદાર ગોલ કરીને ફ્રાન્સને લીડ અપાવી હતી. ત્યારબાદ તેણે પોતાના સાથી ખેલાડી ઓસ્માન ડેમ્બેલે માટે પણ બીજા ગોલની તક ઊભી કરી આપી હતી. આ શાનદાર જીત સાથે ફ્રાન્સે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.
દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ, મેસીના રેકોર્ડની નજીક
એમ્બાપ્પે હવે ફ્રાન્સ તરફથી સૌથી વધુ વર્લ્ડ કપ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેણે 20 મેચો રમીને હ્યુગો લોરિસની બરાબરી કરી લીધી છે, જ્યારે એન્ટોન ગ્રીઝમેન, ઓલિવિયર ગિરોડ અને રાફેલ વરાન જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. જોકે, વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ આર્જેન્ટિનાના લિયોનલ મેસીના નામે છે, જેમણે 30 મેચ રમી છે.
ફિફા વર્લ્ડ કપ 2026માં પોતાના 8મા ગોલની સાથે એમ્બાપ્પેએ વર્લ્ડ કપ કરિયરમાં પોતાના કુલ ગોલની સંખ્યા 20 પર પહોંચાડી દીધી છે. તેણે વર્ષ 2018, 2022 અને 2026ના ત્રણ વર્લ્ડ કપ રમીને આ સિદ્ધિ મેળવી છે. તે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીઓની યાદીમાં લિયોનલ મેસીની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. મેસીના નામે 21 ગોલ છે અને એમ્બાપ્પે તેનાથી માત્ર 1 ગોલ પાછળ છે.
વર્લ્ડ કપમાં મેળવી 17મી જીત
વિશ્વ કપ 2026માં એમ્બાપ્પેએ જીતના મામલે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. સ્વીડન સામે ફ્રાન્સની જીત બાદ વર્લ્ડ કપ ઇતિહાસમાં તેની 15મી જીત હતી. ત્યારબાદ પેરાગ્વે અને હવે મોરોક્કો સામેની જીત બાદ એમ્બાપ્પેની કુલ જીતની સંખ્યા 17 થઈ ગઈ છે. આ મામલે પણ તેનાથી આગળ માત્ર લિયોનલ મેસી છે, જેના નામે વર્લ્ડ કપમાં 20 જીત નોંધાયેલી છે.









