‘કોહલી મારા ભાઈ જેવો છે’: ખરાબ સમયમાં વિરાટની આ સલાહે પી વી સિંધુની જિંદગી બદલી નાંખી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PV Sindhu On Virat Kohli: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુએ ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલી સાથેના પોતાના ખાસ સંબંધોનો ખુલાસો કર્યો છે. તે કોહલીને પોતાના ભાઈ જેવો માને છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી વી સિંધુએ જણાવ્યું કે, કરિયરના સૌથી મુશ્કેલ સમયમાં જ્યારે હું નિરાશ હતી, ત્યારે વિરાટ કોહલીએ મને કોર્ટ પર માત્ર પોતાની રમત રમવાની સલાહ આપી હતી. પી વી સિંધુના જણાવ્યા પ્રમાણે વિરાટ કોહલીની આ સલાહે તેનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાંખ્યો.
નવી દિલ્હીમાં આયોજિત BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી પી વી સિંધુએ RCB પોડકાસ્ટના નવા એપિસોડમાં વિરાટ કોહલી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી હતી. બે વખતની IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાના X હેન્ડલ પર આ નવા એપિસોડનું ટીઝર શેર કર્યું છે.
ખરાબ સમયમાં વિરાટની આ સલાહે પી વી સિંધુની જિંદગી બદલી નાંખી
પી વી સિંધુએ પોતાના કરિયરના મુશ્કેલ તબક્કામાં વિરાટ પાસેથી મળેલી સલાહ વિશે ચર્ચા કરતાં કહ્યું કે, 'ભારતીય બેટ્સમેને મને મેચ અને ટ્રેનિંગ માટે મેદાન પર ઉતરવા અને પોતાની સ્વાભાવિક રમત રમવાની સલાહ આપી હતી. તે મારા ભાઈ જેવો છે. મને યાદ છે કે, જ્યારે હું મારા કરિયરના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી ત્યારે હું તેમને મળી હતી અને કહ્યું હતું કે કંઈ પણ સારું થઈ રહ્યું નથી. તેમણે કહ્યું કે કોઈ વાંધો નહીં, બસ મેદાન પર જાઓ અને પોતાની રમત રમો.'
પી વી સિંધુએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે, 'વિરાટ કોહલીએ કહ્યું હતું તમને જ્યાં પણ અને જ્યારે પણ તક મળે બસ ત્યાં જાઓ અને પોતાની રમત રમો. વધુમાં વધુ શું થશે? કારણ કે તમે કંઈ ગુમાવવા નથી જઈ રહ્યા. તમે જાણો છો કે તમે શું છો અને તમે કેટલી મહેનતથી તૈયારી કરી છે. બસ દુનિયાને બતાવો કે તમે કોણ છો. વિરાટ કોહલીની આ વાત મારા દિલને સ્પર્શી ગઈ અને તે સલાહે મારો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાંખ્યો.
હું મારી દરેક જીતની ખુશી તેમની સાથે શેર કરું છું
પી વી સિંધુએ જણાવ્યું કે, 'હું વિરાટ કોહલીના સંપર્કમાં રહું છું અને જ્યારે પણ જીત મળે છે ત્યારે પોતાની ખુશી તેમની સાથે શેર કરું છું. જ્યારે પણ હું જીતું છું ત્યારે તેમને જણાવું છું કે મેં આ કે તે જીત્યું છે. તાજેતરમાં પણ હું તેમને મળી હતી. જે વ્યક્તિએ આટલું બધું મેળવ્યું છે, તેમને મળવું હંમેશા સારું લાગે છે. તેમનાથી શીખવા મળે છે. તેઓ કઈ રીતે વિચારે છે, મેદાન પર કેવી રીતે ઉતરે છે, કેવી રીતે રમે છે, આ બધામાંથી ઘણું બધું શીખવા મળે છે. તેમને મારા સેલ્યુટ છે.'
પી વી સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં આયર્લૅન્ડની સોફિયા નોબલ સામે ઉત્કૃષ્ટ રમત બતાવી અને 21-7, 21-11થી જીત મેળવી. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પી વી સિંધુનો રૅકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. તે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પાંચ વખતની મેડલ વિજેતા છે. પી વી સિંધુએ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં સૌથી વધુ મેડલ (એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ) જીતવાના મામલે ચીનની ઝાંગ નિંગની બરાબરી કરી છે.
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતે 49 વર્ષમાં 15 મેડલ જીત્યા છે. પ્રકાશ પાદુકોણથી શરૂ થયેલો સફર પી વી સિંધુ, સાઈના નહેવાલ, અને સાત્વિક-ચિરાગ સુધી પહોંચી.









