Sports

T20 ક્રિકેટમાં જોસ બટલરે રચ્યો ઇતિહાસ, પોલાર્ડનો મહારેકોર્ડ પણ ધ્વસ્ત, આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ખેલાડી

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
ઈંગ્લેન્ડના જોસ બટલરે 'ધ હંડ્રેડ' લીગમાં 20 બોલમાં 51 રન ફટકારી T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. તેણે 522 મેચમાં 14,833 રન બનાવી કિરોન પોલાર્ડનો 14,803 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. મેનચેસ્ટર સુપર જાયન્ટ્સે વેલ્શ ફાયર સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. બટલરે આ સિદ્ધિને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 ક્રિકેટમાં જોસ બટલરે રચ્યો ઇતિહાસ, પોલાર્ડનો મહારેકોર્ડ પણ ધ્વસ્ત, આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ખેલાડી

Jos Buttler World Record: ઈંગ્લેન્ડના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે T20 ક્રિકેટના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખી દીધો છે. 'ધ હંડ્રેડ' લીગમાં મેનચેસ્ટર સુપર જાયન્ટ્સ તરફથી રમતા બટલરે વેલ્શ ફાયર સામે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે માત્ર 20 બોલમાં 2 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગાની મદદથી 250.00ના સ્ટ્રાઈક રેટથી 51 રનની અણનમ વિસ્ફોટક પાસ રમી હતી. આ આક્રમક ઈનિંગ દરમિયાન માર્કો જેન્સનની ઓવરમાં સતત 3 છગ્ગા ફટકારીને તેણે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે અને T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ઈતિહાસ પુરુષ બની ગયો છે.

દિગ્ગજોને પછાડીને શિખર પર પહોંચ્યો બટલર

બટલરે 522 T20 મેચોની 492 ઈનિંગ્સમાં 14,833 રન બનાવીને આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. તેણે કાયરન પોલાર્ડના 746 મેચોમાં નોંધાયેલા 14,803 રનના ઓલ-ટાઈમ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 6 બેટ્સમેનોનું લિસ્ટ:

  • જોસ બટલર: 522 મેચ - 14,833 રન (9 સદી, 105 અડધી સદી)
  • કિરોન પોલાર્ડ: 746 મેચ - 14,803 રન (2 સદી, 63 અડધી સદી)
  • ક્રિસ ગેલ: 463 મેચ - 14,562 રન (22 સદી, 88 અડધી સદી)
  • એલેક્સ હેલ્સ: 528 મેચ - 14,449 રન
  • ડેવિડ વોર્નર: 439 મેચ - 14,284 રન
  • વિરાટ કોહલી: 430 મેચ - 14,218 રન (લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી)

મેચનો મિજાજ અને સુપર જાયન્ટ્સની જીત

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેલ્શ ફાયરે મેટ શોર્ટના 71 (47 બોલ) અને ફિલ સોલ્ટના 48 (37 બોલ) રનની મદદથી પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. જોકે ગસ એટકિન્સને શાનદાર બોલિંગ કરી 2 વિકેટ ઝડપતાં વેલ્શ ફાયર 100 બોલમાં 155/4 રન જ બનાવી શકી હતી.

જવાબમાં મેનચેસ્ટર સુપર જાયન્ટ્સે પાવરપ્લેમાં વિના વિકેટે 53 રન ફટકાર્યા હતા. ટિમ સિફર્ટના અણનમ 62 રન (36 બોલ), પૌલ વોલ્ટરના 37 રન (18 બોલ) અને બટલરના 51* રનની મદદથી ટીમે માત્ર 1 વિકેટ ગુમાવીને 31 બોલ બાકી રાખીને 9 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. લોકી ફર્ગ્યુસનની 3 નો-બોલ અને બટલરના એટેકિંગ શાનદાર શોટ્સે મેચ એકતરફી બનાવી દીધી હતી. આ જીત સાથે ટીમે પોતાની સતત ત્રણ હારનો સિલસિલો તોડી પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજુ સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નિયમિત કેપ્ટન એડન માર્કરમ દક્ષિણ આફ્રિકા પરત ફરતા બટલર આ મેચમાં ટીમની કપ્તાની કરી રહ્યો હતો. ઈંગ્લેન્ડના નવા ટેસ્ટ કેપ્ટન જો રૂટને બેટિંગનો મોકો જ મળ્યો નહોતો.

સંઘર્ષ, વાપસી અને બટલરનું નિવેદન

આ ઐતિહાસિક સિદ્ધિ બાદ બટલરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે:

"T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવું તે મારા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. ફેબ્રુઆરી-માર્ચમાં રમાયેલા T20 વર્લ્ડ કપની 8 ઈનિંગ્સમાં હું માત્ર 87 રન જ બનાવી શક્યો હતો અને મારા ભવિષ્ય પર સવાલો ઉઠતા હતા. પરંતુ મેં હાર માનવાને બદલે સખત મહેનત કરી. ક્રિકેટમાં સ્થિતિ ખૂબ ઝડપથી બદલાય છે અને અત્યારે હું મારી કારકિર્દીની બેસ્ટ બેટિંગ કરી રહ્યો છું. એક દિવસ મારો આ રેકોર્ડ પણ તૂટશે અને કદાચ તે ખેલાડી વૈભવ સૂર્યવંશી હોઈ શકે છે."

બટલરે વધુમાં ઉમેર્યું કે અગાઉ એમઆઈ લંડન સામેની મેચમાં પોલાર્ડ ડગઆઉટમાં હાજર હતો ત્યારે જ આ રેકોર્ડ તોડવાની ઈચ્છા હતી, પરંતુ હવે આ રેકોર્ડ પોતાના નામે કરીને તે ખુશ છે. જોકે, કિરોન પોલાર્ડ આગામી CPLમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ તરફથી રમવાનો હોવાથી આ રેકોર્ડ ફરી પોતાના નામે કરવા પ્રયાસ કરશે.