IPL સ્ટાર્સ ચમકશે : ડિસેમ્બરમાં રમાશે ભારત 'એ' અને નેપાળ વચ્ચે T20 સીરીઝ, શેડ્યૂલ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India A Vs Nepal T20 Schedule : ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ડિસેમ્બરમાં નેપાળનો પ્રવાસ કરશે. ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળ (CAN) દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, 'ઈન્ડિયા એ' ટીમ આ વર્ષે ડિસેમ્બરમાં 3 મેચોની T20 સીરીઝ માટે નેપાળના પ્રવાસે આવશે. CAN દ્વારા આ આગામી સીરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જે 9 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન રમાશે.
હાઈપ્રોફાઈલ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળ (CAN) ના પ્રેસિડેન્ટ ચતુર બહાદુર ચંદ, સચિવ પારસ ખડકા અને BCCI ના સચિવ દેવજીત સૈકિયા વચ્ચે યોજાયેલી એક મહત્વની બેઠક બાદ આ દ્વિપક્ષીય સીરીઝ પર આખરી મહોર મારવામાં આવી છે. બંને ટીમો વચ્ચે કુલ ત્રણ T20 મેચ રમાશે. આ તમામ મેચોનું આયોજન કીર્તિપુર સ્થિત ત્રિભુવન યુનિવર્સિટીના ટીયુ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવશે.
ભારત 'એ' વિરૂદ્ધ નેપાળ T20 સીરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ:
- 09 ડિસેમ્બર - પહેલી T20 મેચ
- 11 ડિસેમ્બર - બીજી T20 મેચ
- 13 ડિસેમ્બર - ત્રીજી T20 મેચ
નેપાળના ક્રિકેટ માટે ઐતિહાસિક તક
નેપાળની ટીમ માટે આ સીરીઝ એક બહુ મોટી અને સુવર્ણ તક સાબિત થશે. તેનું મુખ્ય કારણ એ છે કે આ પ્રવાસે જનારી 'ઈન્ડિયા એ' ટીમમાં IPL ના મોટા સ્ટાર્સ અને ભારતની સીનિયર ક્રિકેટ ટીમનો હિસ્સો રહી ચૂકેલા કેટલાક દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ થશે. નેપાળની ક્રિકેટ ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને બતાવ્યું છે.
નેપાળની ટીમનું દમદાર પ્રદર્શન
નેપાળની ટીમ છેલ્લા બંને T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરીને આવી હતી. 2024 ના વર્લ્ડ કપમાં નેપાળની ટીમ એક પણ મેચ જીતી શકી ન હતી, પરંતુ 2026 ના વર્લ્ડ કપમાં તેમણે પોતાના પ્રદર્શનમાં જબરદસ્ત સુધારો કર્યો હતો અને સ્કોટલેન્ડને કારમી હાર આપી હતી. એટલું જ નહીં, આ વર્લ્ડ કપમાં નેપાળની ટીમે ઈંગ્લેન્ડને પણ લગભગ હરાવી જ દીધું હતું, પરંતુ અંતમાં તેને માત્ર 4 રનથી નજીવી હારનો સામનો કરવો પડ્યો હતો.









