ભારત-વેસ્ટ ઇન્ડિઝ જંગ: 5 સ્ટાર ખેલાડીઓની વાપસી, રિષભ પંત બહાર અને 3 નવા ચહેરાઓને તક!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ind vs Wi ODI T20 Squad Selection: વેસ્ટઈન્ડીઝ સામે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાનારી વન-ડે અને T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ બુધવારે (16 સપ્ટેમ્બર) બંને ફોર્મેટ માટે ટીમ જાહેર કરી છે. વન-ડે સીરિઝનું શેડ્યૂલ એશિયન ગેમ્સ 2026 સાથે ટકરાઈ રહ્યું છે. એવામાં સિલેક્ટર્સે ઘણા ફેરફારો કરવા પડ્યા છે.
વન-ડે સીરિઝ માટે પાંચ સ્ટાર ખેલાડીઓનું કમબેક થયું છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, ઓપનર યશસ્વી જયસ્વાલ, મિડલ ઓર્ડર બેટર ઋતુરાજ ગાયકવાડ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને વન-ડે સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પાંચેય ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામેની તાજેતરની વનડે સિરીઝમાં નહોતા રમ્યા.
ફાસ્ટ બોલર આકિબ નબી વિકેટકીપર ધ્રુવ જુરેલ અને મિડલ ઓર્ડર બેટર નમન ધીરને પણ ભારતીય વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આકિબ નબી, ધ્રુવ જુરેલ અને નમન ધીર આ સીરિઝમાં ભારત માટે વન-ડે ડેબ્યૂ કરી શકે છે.
પંત ફરી વન-ડે ટીમનો હિસ્સો નથી
ધ્રુવ જુરેલને વિકેટકીપરના બીજા વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જુરેલને રિષભ પંત કરતાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પંતને આ વર્ષે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું હતું. જોકે ઈજાના કારણે તે તે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ તેની વન-ડે ટીમમાં વાપસી નથી થઈ શકી. જોકે પંતને આવતા મહિને રમાનારી ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
બીજી તરફ રવીન્દ્ર જાડેજાના આવવાથી ટીમને બેટિંગની સાથે ડાબા હાથની સ્પિન બોલિંગનો વિકલ્પ પણ મળશે. સ્પિન વિભાગમાં જાડેજા ઉપરાંત કુલદીપ યાદવ પણ છે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરાર પર સૌની નજર રહેશે. તો બીજી તરફ પહેલીવાર પસંદ કરાયેલા આકિબ નબી પણ શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છશે. વનડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને યથાવત રાખવામાં આવ્યા છે. રોહિતે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. સિલેક્ટર્સે તેની સાથે યશસ્વી જયસ્વાલને રિઝર્વ ઓપનર તરીકે પસંદ કર્યો છે.
શુભમન ગિલ વન-ડે ટીમની કેપ્ટન્સી કરશે, જ્યારે કે.એલ. રાહુલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડને નંબર-4ની ભૂમિકા માટે જોવામાં આવી રહ્યો છે. શ્રેયસ આ દરમિયાન જાપાનમાં રમાનારી T20I મેચોમાં ભાગ લેશે.
નીતિશ કુમાર રેડ્ડીને એશિયન ગેમ્સની ટીમમાંથી પાછા બોલાવીને વેસ્ટઈન્ડીઝ સામેની વન-ડે સીરિઝમાં સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ ઈજાગ્રસ્ત વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે અને તેમની જગ્યાએ વિપ્રજ નિગમની T20 ટીમમાં એન્ટ્રી થઈ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ નીતિશને પચાસ ઓવર ક્રિકેટમાં વધુ મેચ ટાઈમ આપવા માંગે છે.
વેસ્ટઈન્ડીઝ સામેની T20 સીરિઝ માટે શ્રેયસ અય્યરને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. આ ટીમમાં ફાસ્ટ બોલરો મયંક યાદવ અને પ્રિન્સ યાદવની વાપસી થઈ છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. સ્પિન વિભાગમાં અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદર સામેલ છે. વળી, અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની આગેવાની કરશે. યશ ઠાકુરને આ T20 ટીમમાં સ્થાન નથી મળ્યું.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હજુ પણ પૂરી રીતે ફિટ નથી અને તેને કોઈ પણ ટીમમાં સ્થાન નથી મળ્યું. હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે અને હર્ષિત રાણા પણ ઈજાના કારણે સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતા.
વિન્ડીઝ સીરિઝ માટે ભારતની વનડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ (વાઇસ કેપ્ટન/વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બરાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જયસ્વાલ અને નમન ધીર.
વિન્ડીઝ સીરિઝ માટે ભારતની T20 ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને મયંક યાદવ.
એશિયન ગેમ્સ માટે અપડેટ કરેલી ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, યશ ઠાકુર અને વિપ્રજ નિગમ.
વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ:
પ્રથમ વનડે: 27 સપ્ટેમ્બર 2026, તિરુવનંતપુરમ
બીજી વનડે: 30 સપ્ટેમ્બર 2026, ગુવાહાટી
ત્રીજી વનડે: 3 ઓક્ટોબર 2026, મુલ્લાંપુર
પ્રથમ T20: 6 ઓક્ટોબર 2026, લખનઉ
બીજી T20: 9 ઓક્ટોબર 2026, રાંચી
ત્રીજી T20: 11 ઓક્ટોબર 2026, ઈન્દોર
ચોથી T20: 14 ઓક્ટોબર 2026, હૈદરાબાદ
પાંચમી T20: 17 ઓક્ટોબર 2026, બેંગલુરુ




