ICC T20 રેન્કિંગમાં ભારત ફરી નંબર-1, ઝિમ્બાબ્વે સામે શ્રેણી વિજય બાદ ઉથલપાથલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India ICC T20 Team Ranking : ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામે 3 મેચોની T20 સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. શનિવારે હરારેમાં રમાયેલી 2 જી મેચમાં ભારતે 90 રનથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ ભારતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની T20 ટીમ રેન્કિંગમાં ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરીને નંબર 1 નું સ્થાન મેળવી લીધું છે. ભારતે ઇંગ્લેન્ડને પાછળ છોડીને આ તાજ પાછો મેળવ્યો છે.
ઇંગ્લેન્ડ પાસેથી છીનવાયો તાજ
25 જુલાઈના રોજ અપડેટ થયેલા રેન્કિંગ મુજબ, ભારત અને ઇંગ્લેન્ડ બંનેના 268 રેટિંગ પોઈન્ટ છે, પરંતુ ભારતીય ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે અને ઇંગ્લેન્ડ 2 જા સ્થાને ખસી ગયું છે. ઉલ્લેખનીય છે કે, 11 જુલાઈએ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતે પોતાનું નંબર 1 નું સ્થાન ગુમાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કયા ક્રમે?
ICC ની હાલમાં T20 ટીમ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 260 પોઈન્ટ સાથે 3 જા સ્થાને છે. જ્યારે ન્યૂઝીલેન્ડ 247 પોઈન્ટ સાથે 4 થા ક્રમે, સાઉથ આફ્રિકા 244 પોઈન્ટ સાથે 5 મા ક્રમે અને પાકિસ્તાન પણ 244 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. યજમાન ઝિમ્બાબ્વે 202 પોઈન્ટ સાથે 12 મા સ્થાને છે. જો રવિવારે રમાનારી 3 જી અને અંતિમ મેચમાં ભારત જીતશે તો ટોચ પર તેની પકડ વધુ મજબૂત થશે. નોંધનીય છે કે ભારત વનડે રેન્કિંગમાં પણ ટોચ પર છે, જ્યારે ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા નંબર 1 અને ભારત 4 થા સ્થાને છે.
કેવી રહી બીજી T20 મેચ?
ઈશાન કિશન (81 રન) અને તિલક વર્મા (અણનમ 60 રન) ની તોફાની ઇનિંગ્સના જોરે ભારતે 20 ઓવરમાં 219/5 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ ઈશાને 44 બોલનો સામનો કરીને 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે 25 રન, વૈભવ સૂર્યવંશીએ 20 અને અભિષેક શર્માએ 9 રન બનાવ્યા હતા.
જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 17.5 ઓવરમાં 129 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે માટે બ્રાયન બેનેટે 32 અને તાદિવાનાશે મારુમાનીએ 24 રન બનાવ્યા હતા. ભારત તરફથી અભિષેકે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે યશ ઠાકુર અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી હતી.









