India A Vs Nepal : ભારતની ઐતિહાસિક જીત, નેપાળ માત્ર 26 રનમાં ઓલઆઉટ; હર્ષિત-પ્રિન્સનો તરખાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asia Cup Rising Stars 2026, India A Vs Nepal : દોહા ખાતે રમાઈ રહેલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારત એ ટીમે શાનદાર વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. શુક્રવારે રમાયેલી મેચમાં ભારત એ ટીમે નેપાળ સામે 306 રનના વિશાળ અંતરથી ઐતિહાસિક જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારત એ ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 332 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય બોલરોના ઘાતક આક્રમણ સામે નેપાળની આખી ટીમ માત્ર 11.3 ઓવરમાં જ 26 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ભવ્ય જીતના મુખ્ય શિલ્પી કેપ્ટન તિલક વર્મા, કુમાર કુશાગ્ર, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ રહ્યા હતા. તિલક અને કુશાગ્રે શાનદાર સદી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં પ્રિન્સે 5 અને હર્ષિતે 4 વિકેટ ઝડપી નેપાળની બેટિંગ લાઈનઅપને ધ્વસ્ત કરી દીધી હતી.
શરૂઆતી ઝટકા બાદ તિલક વર્મા અને કુમાર કુશાગ્રની સદીની ભાગીદારી
ટોસ હારીને કે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારત એ ટીમની શરૂઆત અત્યંત નબળી રહી હતી અને ટીમે માત્ર 42 રનના સ્કોર પર પોતાની ટોચની 3 વિકેટ ગુમાવી દીધી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન તિલક વર્મા અને વિકેટકીપર બેટ્સમેન કુમાર કુશાગ્રે મોરચો સંભાળ્યો હતો. બંને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે 206 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. તિલક વર્માએ 113 બોલનો સામનો કરીને 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા.
કુશાગ્રની આક્રમક સદી
બીજા છેડે 'પ્લેયર ઓફ ધ મેચ' બનેલા કુમાર કુશાગ્રે વધુ આક્રમક વલણ અપનાવીને 102 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 117 રન ઝૂડી કાઢ્યા હતા. આ બંને સદીવીરોએ નેપાળના બોલરોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. અંતિમ ઓવરોમાં સૂર્યાંશ શેડગેએ પણ વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 14 બોલમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી અણનમ 36 રન ફટકારી ટીમનો સ્કોર 50 ઓવરમાં 9 વિકેટે 332 રન સુધી પહોંચાડ્યો હતો. નેપાળ તરફથી ડાબોડી સ્પિનર લલિત રાજબંશી અને લેગ સ્પિનર સંદીપ લામિછાનેએ 3-3 વિકેટ લીધી હતી, જ્યારે મધ્યમ ગતિના બોલર નંદન યાદવને 2 સફળતા મળી હતી.
હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવની ઘાતક બોલિંગ સામે નેપાળ ઘૂંટણિયે
જીતવા માટે 333 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ ભારતીય ફાસ્ટ બોલરોની ગતિ અને સ્વિંગ સામે ટકી શકી નહોતી. હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવે નવા બોલથી એવો કહેર વર્તાવ્યો કે નેપાળના બેટ્સમેનો એક પછી એક પેવેલિયન ભેગા થવા લાગ્યા હતા. હર્ષિતે ઇનિંગના ત્રીજા જ બોલે અર્જુન કમલને એલબીડબ્લ્યુ આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ પ્રિન્સ યાદવે દીપક ડુમરે અને બાસિર અહેમદને સતત આઉટ કરીને નેપાળની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો.
નેપાળનો એકપણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી ન પહોંચી શક્યો
ભારતીય બોલરોની ધારદાર બોલિંગ સામે નેપાળનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે વિખેરાઈ ગયો હતો અને 7મી ઓવર સુધીમાં ટીમે 17 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. હર્ષિત રાણાએ 6 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રિન્સ યાદવે માત્ર 5 ઓવરમાં 6 રન ખર્ચીને 5 વિકેટ પોતાના નામે કરી હતી. આ બંને બોલરોએ મળીને નેપાળના 9 બેટ્સમેનોને આઉટ કર્યા હતા, જ્યારે બાકીની 1 વિકેટ શાહબાઝ અહેમદના ફાળે ગઈ હતી. નેપાળની આખી ટીમ 11.3 ઓવરમાં માત્ર 26 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત એ રહી કે નેપાળનો એકપણ બેટ્સમેન વ્યક્તિગત 10 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો.
લિસ્ટ એ ક્રિકેટના ઈતિહાસમાં નેપાળનો પાંચમો સૌથી ઓછો સ્કોર નોંધાયો
નેપાળની ટીમ 26 રનમાં સમેટાઈ જવાની સાથે જ આ સ્કોર લિસ્ટ એ ક્રિકેટના ઈતિહાસના સૌથી ઓછા ટીમ સ્કોરની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ ફોર્મેટના ઈતિહાસમાં આ પાંચમો સૌથી ઓછો ઓલઆઉટ સ્કોર છે. આ યાદીમાં પ્રથમ સ્થાને વર્ષ 2007માં બાર્બાડોસ સામે વેસ્ટ ઈન્ડિઝ અંડર-19 ટીમનો 18 રનનો સ્કોર છે. ત્યારબાદ વર્ષ 2012માં કોલ્ટ્સ ક્રિકેટ ક્લબ સામે સારાસેન્સ સ્પોર્ટ્સ ક્લબના 19 રન, વર્ષ 1974માં યોર્કશાયર સામે મિડલસેક્સના 23 રન અને વર્ષ 2019માં સ્કોટલેન્ડ સામે ઓમાનના 24 રનના સ્કોરનો સમાવેશ થાય છે. હવે વર્ષ 2026માં ભારત એ સામે નેપાળનો 26 રનનો સ્કોર આ યાદીમાં પાંચમા ક્રમે આવી ગયો છે.
ટૂર્નામેન્ટમાં ભારત એ ટીમનો મજબૂત સંદેશ
કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં ભારત એ ટીમ માટે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની આ શરૂઆત અત્યંત યાદગાર રહી છે. બેટ્સમેનોએ 332 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યા બાદ બોલરોએ નેપાળને 26 રનમાં ઓલઆઉટ કરીને મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી હતી. 306 રનની આ ઐતિહાસિક જીત સાથે ભારત એ ટીમે ટૂર્નામેન્ટની અન્ય ટીમો સામે પોતાના મજબૂત ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.




