Sports

IND vs ZIM: ભારતે ઝિમ્બાબ્વેને 35 રને હરાવ્યું, T20 શ્રેણી 3-0થી કબજે કરી, વૈભવ-મયંક જીતના હીરો

By GS Team
26 Jul 20263 mins read
TukuTouch Logo
હરારેમાં રમાયેલી ત્રીજી T20માં ભારતે ઝિમ્બાબ્વેને 35 રને હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી. વૈભવ સૂર્યવંશીએ 81 રન ફટકાર્યા, જ્યારે મયંક યાદવ અને યશ ઠાકુરે શાનદાર બોલિંગ કરી. ભારતે 192 રન બનાવ્યા, જેના જવાબમાં ઝિમ્બાબ્વે માત્ર 157 રન કરી શક્યું. આ જીત સાથે ભારતે ઝિમ્બાબ્વેનો સૂપડા સાફ કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ZIM: ભારતે ઝિમ્બાબ્વેને 35 રને હરાવ્યું, T20 શ્રેણી 3-0થી કબજે કરી, વૈભવ-મયંક જીતના હીરો

India Vs Zimbabwe 3rd T20I : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઝિમ્બાબ્વેને 35 રનથી પરાજય આપ્યો છે. આ જીત સાથે જ ભારતે T20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો ક્લીન સ્વીપ (સૂપડા સાફ) કરી દીધો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે વિરોધી બોલરોની ધૂળધાણી કાઢતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલરોના બધાયેલા સ્પેલ સામે સંપૂર્ણપણે લાચાર દેખાઈ હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શકી હતી.

ભારતનો પ્રથમ દાવ અને વૈભવ સૂર્યવંશીની ફિફ્ટી

ભારત તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલા ઓપનર અભિષેક શર્મા માટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. શ્રેણીની આ છેલ્લી મેચમાં પણ અભિષેક બેટથી કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને માત્ર 2 રનના સ્કોર પર બ્લેસિંગ મુઝારાબાનીની બોલિંગમાં તદિવાનાશે મારુમાનીને કેચ આપી બેઠો હતો. જોકે બીજી તરફ વૈભવ સૂર્યવંશીએ મેદાનની ચારેય બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. વૈભવે 49 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 81 રનની તાબડતોબ ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી રમતા વૈભવે પોતાના T20 કરિયરની આ બીજી અડધી સદી ફટકારી હતી. વિશેષ વાત એ છે કે વૈભવે પોતાની પ્રથમ અડધી સદી પણ ઝિમ્બાબ્વે સામે જ ફટકારી હતી અને આ શ્રેણીની પ્રથમ મેચમાં પણ તેણે આવી જ ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ભારતની બેટિંગ પૂર્ણ થતાં ભારતે 20 ઓવરમાં 192/5 નો સ્કોર બનાવ્યો હતો.

મયંક યાદવે પ્રથમ જ બોલે ઝડપી વિકેટ

ભારત તરફથી મળેલા 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ભારતીય ઝડપી બોલર મયંક યાદવે મેચના પ્રથમ જ બોલે બ્રાયન બેનેટને પવેલિયન ભેગો કરી દીધો હતો. મયંકના ઓફ-સ્ટમ્પની બહાર ઉછળતા શોર્ટ લેન્થ બોલને બેનેટ બેકફૂટ પર જઈને ડિફેન્ડ કરવા માંગતો હતો પરંતુ બોલ બેટની બહારની કિનારી લઈને ઝડપથી પ્રથમ સ્લિપ તરફ ગયો હતો. ત્યાં તૈનાત વૈભવ સૂર્યવંશીએ ચિત્તા જેવી ઝડપ બતાવીને અદ્ભુત કેચ ઝડપી લીધો હતો અને બેનેટ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.

યશ ઠાકુરનો બેવડો ઝટકો

ઝિમ્બાબ્વે હજુ આ શરુઆતી ઝટકામાંથી બહાર આવી શક્યું ન હતું ત્યાં ઝડપી બોલર યશ ઠાકુરે એક જ ઓવરમાં આખી મેચ પલટી નાખી હતી. ક્રીઝ પર ટકી રહેવાનો પ્રયાસ કરી રહેલા ડિયોન મેયર્સને આઉટ કરીને યશે ભારતને બીજી સફળતા અપાવી હતી. મેયર્સે 15 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. આ પછીના તરત જ બોલે યશ ઠાકુરે ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર અને કેપ્ટન સિકંદર રઝાને શૂન્ય રને આઉટ કરીને ઝિમ્બાબ્વેને મોટો ઝટકો આપ્યો હતો.

રવિ બિશ્નોઈ અને અન્ય બોલરોનું પ્રદર્શન

રવિ બિશ્નોઈએ બેન કરન (20 રન)ને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. આ પછી ઝડપથી રન બનાવી રહેલા વેસ્લી માધવેરે (28 રન)ને મયંક યાદવે પવેલિયન ભેગો કર્યો હતો. માધવેરે અને રેયાન બર્લ વચ્ચે 60 રનની સારી ભાગીદારી થઈ હતી. ત્યારબાદ અશોક શર્માએ તદિવાનાશે મારુમાની (1 રન)ને આઉટ કરીને ઝિમ્બાબ્વેની છઠ્ઠી વિકેટ પાડી હતી.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ઝિમ્બાબ્વે: બ્રાયન બેનેટ, બેન કુરેન, ડાયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રયાન બર્લ, વેસ્લી મધેવેરે, તદિવાનાશે મારુમાની (વિકેટકીપર), બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામુરી, વેલિંગ્ટન મસાકાડ્ઝા, બ્લેસિંગ મુઝારાબાની.

ભારત: વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, રવિ બિશ્નોઈ, અશોક શર્મા, યશ ઠાકુર, મયંક યાદવ.