IND vs PAK: હવે ટ્રાઈ-સિરીઝમાં પણ ટકરાશે ભારત-પાકિસ્તાન? ICCના મોટા પ્લાનની ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈને દુનિયાભરના ચાહકોમાં હંમેશા ભારે ઉત્સાહ જોવા મળે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ રમાઈ નથી. જોકે હવે ભારત-પાકિસ્તાનની ટક્કર માટે નવો રસ્તો ખુલી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICC બંને ટીમોને સામેલ કરતી ટ્રાઈ-સિરીઝ અથવા 4 દેશોની વ્હાઇટ-બોલ ટૂર્નામેન્ટ યોજવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.
ICCની બેઠકમાં થઈ શકે છે ચર્ચા
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આગામી ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) અંગે 22 અને 23 સપ્ટેમ્બરે દુબઈમાં મહત્વની બેઠક યોજાવાની છે. 2027થી 2031 સુધીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમ અંગે ચર્ચા થનારી આ બેઠકમાં ભારત-પાકિસ્તાનને સામેલ કરતી મલ્ટી-નેશન સિરીઝનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. જોકે આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી.
ભારત-પાકિસ્તાન વચ્ચે કેમ નથી રમાતી દ્વિપક્ષીય સિરીઝ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો અટકેલા છે. બંને ટીમો સામાન્ય રીતે ICC અને ACCની મોટી ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે. આવી સ્થિતિમાં ટ્રાઈ-સિરીઝ અથવા 4 દેશોની ટૂર્નામેન્ટ દ્વારા બંને ટીમોને એક જ સ્પર્ધામાં રમાડવાનો રસ્તો શોધવામાં આવી રહ્યો હોવાના અહેવાલ છે.
ટ્રાઈ-સિરીઝ કે 4 દેશોની ટૂર્નામેન્ટ?
રિપોર્ટ્સ પ્રમાણે પ્રસ્તાવમાં 3 અથવા 4 ટીમોની વ્હાઇટ-બોલ ટૂર્નામેન્ટનો વિચાર છે. તેમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત અન્ય એક કે બે દેશોને સામેલ કરી શકાય છે. આ પ્રકારની સ્પર્ધા દ્વિપક્ષીય સિરીઝ કરતાં અલગ હશે અને ન્યૂટ્રલ વેન્યૂ પર યોજાઈ શકે છે.
UAE, ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયામાં થઈ શકે છે મેચ?
અહેવાલોમાં UAE, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા ન્યૂટ્રલ વેન્યૂના નામની પણ ચર્ચા થઈ રહી છે. જોકે હાલ આ સ્થળો અંગે પણ કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.
ચાહકોને દર વર્ષે ભારત-પાકિસ્તાન મેચ જોવા મળશે?
જો આ પ્રસ્તાવને મંજૂરી મળે અને નિયમિત મલ્ટી-નેશન સિરીઝનું આયોજન થાય તો ભારત અને પાકિસ્તાનને ICC તથા ACCની ટૂર્નામેન્ટ સિવાય પણ એકબીજા સામે રમવાની તક મળી શકે છે. પરંતુ હાલ આ માત્ર વિચારણા અને મીડિયા રિપોર્ટ્સના તબક્કે છે, તેથી દર વર્ષે ભારત-પાકિસ્તાન મેચ નિશ્ચિત થશે, એવું કહેવું વહેલું ગણાશે.




