Sports

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ પરનો પ્રતિબંધ યથાવત્, પરંતુ રમતગમત મંત્રાલયે એક મોટી છૂટ આપી

By GS Team
6 May 20262 mins read
TukuTouch Logo
ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય રમતગમત સંબંધો પર લાદવામાં આવેલો પ્રતિબંધ યથાવત્ રાખવાનો ભારતીય રમતગમત મંત્રાલય દ્વારા નિર્ણય લેવાયો છે. પરંતુ ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે ભારત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સામે રમશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ પરનો પ્રતિબંધ યથાવત્, પરંતુ રમતગમત મંત્રાલયે એક મોટી છૂટ આપી

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય રમતગમત સંબંધો પર લાદવામાં આવેલો પ્રતિબંધ યથાવત્ રાખવાનો ભારતીય રમતગમત મંત્રાલય દ્વારા નિર્ણય લેવાયો છે. પરંતુ ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે ભારત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સામે રમશે. 

પ્રતિબંધ માત્ર દ્વિપક્ષીય મેચો પૂરતો મર્યાદિત 

રમતગમત મંત્રાલય દ્વારા બહાર પડાયેલા પરિપત્ર મુજબ, ભારતની કોઈપણ ટીમ પાકિસ્તાનમાં રમવા જશે નહીં અને પાકિસ્તાની ટીમોને પણ ભારતમાં રમવાની મંજૂરી નહીં મળે. જો કે, આ પ્રતિબંધ માત્ર દ્વિપક્ષીય મેચો પૂરતો મર્યાદિત રહેશે, જ્યારે બહુરાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં બંને દેશોના ખેલાડીઓ એકબીજા સામે રમી શકશે. ભારત જ્યારે પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરશે ત્યારે પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં પ્રવેશતા રોકાશે નહીં., જેથી આંતરરાષ્ટ્રીય રમત સંસ્થાઓના નિયમો અને ખેલાડીઓના હિતોનું રક્ષણ થઈ શકે.

નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું?

આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને રમતગમત માટેના એક આદર્શ વૈશ્વિક સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે, જેના ભાગરૂપે ખેલાડીઓ, કોચ અને અન્ય અધિકારીઓ માટે વિઝા પ્રક્રિયા પણ સરળ બનાવાશે. ખાસ કરીને 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની  ઓલિમ્પિક્સની યજમાની કરવાની ભારતની ઈચ્છાને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક ચાર્ટરની ભાવનાનું પાલન કરવામાં આવી રહ્યું છે.

એશિયા કપ પહેલા વિવાદ ઊભો થયો હતો

મંત્રાલયે આ નીતિ ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેર કરી હતી, જ્યારે UAEમાં રમાયેલા એશિયા કપમાં ભારત-પાકિસ્તાનના સાથે રમવાને લઈને મોટો વિવાદ થયો હતો. આ નિર્ણય પહેલગામ આતંકી હુમલાના થોડા મહિનાઓ બાદ લેવામાં આવ્યો હતો, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ચાહકો માટે રાહતના સમાચાર

ભારત સરકારના આ નિર્ણયથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીની કોઈ શક્યતા નથી, પરંતુ ICC અથવા અન્ય મલ્ટી-નેશનલ ટુર્નામેન્ટ્સમાં IND vs PAK મુકાબલા પહેલાની જેમ જ ચાલુ રહેશે, જે ચાહકો માટે રાહતના મોટા સમાચાર છે.

આ પણ વાંચો: બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઇનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?

આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન

મહત્વનું છે કે સરકારે એ વાતનું પણ ફરી રટણ કર્યું છે જેમાં ભારત ભવિષ્યમાં મોટા વૈશ્વિક રમતગમત આયોજનોની યજમાની કરવા માંગે છે અને તે માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરશે. ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી પણ કરી રહ્યું છે.