Sports

VIDEO: આઉટ કે નોટ આઉટ! ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ વિવાદ, શુભમન ગિલ ગુસ્સે ભરાયો

By GS Team
19 Nov 20263 mins read
TukuTouch Logo
વેલિંગ્ટનમાં ભારત-ન્યુઝીલેન્ડ પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. ભારતીય બોલરોએ પ્રારંભિક વિકેટો ઝડપી. જોકે, ગ્લેન ફિલિપ્સના DRS પર થર્ડ અમ્પાયરના નિર્ણયથી ગિલ નારાજ થયા. બુમરાહની બોલ પર સ્નિકોમીટરમાં સ્પાઈક છતાં ફિલિપ્સને જીવનદાન મળ્યું. નિકોલ્સે સદી ફટકારી, ફિલિપ્સ સાથે 144 રનની ભાગીદારી નોંધાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: આઉટ કે નોટ આઉટ! ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ વિવાદ, શુભમન ગિલ ગુસ્સે ભરાયો
ફોટો સોર્સ: BCCI/X

India vs New Zealand 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. 19 નવેમ્બરથી શરૂ થયેલી આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગિલનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. ભારતીય બોલરોએ પ્રથમ દિવસના શરૂઆતના સેશનમાં જ ન્યૂઝીલેન્ડની 4 વિકેટ ઝડપી લીધી હતી. ત્યારબાદ બીજા સેશનની રમત શરૂ થયાના થોડા જ સમયમાં ન્યૂઝીલેન્ડે પાંચમી વિકેટ પણ ગુમાવી હતી. પાંચમી વિકેટ પડ્યા બાદ ગ્લેન ફિલિપ્સ બેટિંગ કરવા આવ્યા હતા. તેઓ પણ લગભગ આઉટ થઈ ગયા હતા, પરંતુ થર્ડ અમ્પાયરના એક નિર્ણયે આખી સ્થિતિ બદલી નાખી હતી. આ નિર્ણયથી ભારતીય કેપ્ટન શુભમન ગિલ પણ નારાજ જોવા મળ્યા હતા.

બુમરાહની બોલ પર ફિલિપ્સ સામે ભારતે DRS લીધો

આ સમગ્ર ઘટના ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગની 31મી ઓવરમાં બની હતી. જસપ્રીત બુમરાહની આ ઓવરના ત્રીજા બોલ પર ભારતે ગ્લેન ફિલિપ્સ સામે LBW માટે DRS લીધો હતો. બોલ બેટની નજીકથી પસાર થયો ત્યારે સ્નિકોમીટર પર મોટો સ્પાઇક જોવા મળ્યો હતો. જોકે, ફ્રન્ટ-ઓન રિપ્લેમાં બેટ અને બોલ વચ્ચે સ્પષ્ટ અંતર દેખાઈ રહ્યું હતું.

થર્ડ અમ્પાયરના નિર્ણયથી ફિલિપ્સને મળ્યું જીવનદાન

આ સ્થિતિમાં થર્ડ અમ્પાયર પૉલ રાઇફલે નિર્ણય આપ્યો હતો કે બોલ બેટની અંદરની કિનારી સાથે અથડાયો હતો. પરિણામે થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થના નોટઆઉટ નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ રીતે ગ્લેન ફિલિપ્સ આઉટ થતા બચી ગયા હતા.

નિર્ણયથી નારાજ ગિલે મેદાન પર અમ્પાયર સાથે કરી ચર્ચા

અમ્પાયરના આ નિર્ણયથી ભારતીય કેપ્ટન શુભમન ગિલ નારાજ જોવા મળ્યા હતા. તેઓ મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ સાથે આ મુદ્દે ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા. ભારતની તરફેણમાં નિર્ણય ન આવતાં ટીમે એક DRS પણ ગુમાવ્યો હતો. ભારતે આ પહેલાં ત્રીજી ઓવરમાં ડેવોન કોનવે અને 27મી ઓવરમાં ટોમ બ્લંડેલ સામે પણ DRS લીધો હતો. ખાસ વાત એ છે કે આ બંને પ્રસંગે પણ જસપ્રીત બુમરાહ જ બોલિંગ કરી રહ્યા હતા.

હેનરી નિકોલ્સની સદી, ફિલિપ્સ સાથે 144 રનની ભાગીદારી

હેનરી નિકોલ્સે શાનદાર બેટિંગ કરીને ન માત્ર ન્યૂઝીલેન્ડને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું, પરંતુ સદી પણ ફટકારી હતી. આ તેમની ટેસ્ટ કારકિર્દીની 12મી સદી છે. ન્યૂઝીલેન્ડે સવારના 10:30 સુધીમાં 5 વિકેટના નુકસાન પર 214 રન બનાવી લીધા હતા. નિકોલ્સ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા અને તેમણે પોતાની સામે 4 બેટ્સમેનોને પેવેલિયન પરત ફરતા જોયા હતા. જોકે, તેમણે ગ્લેન ફિલિપ્સ સાથે મળીને અત્યાર સુધી 144 રનની ભાગીદારી નોંધાવી છે. હાલમાં ફિલિપ્સ 78 રન અને નિકોલ્સ 100 રન બનાવીને ક્રીઝ પર છે. ન્યૂઝીલેન્ડની પાંચમી વિકેટ 70 રનના સ્કોર પર પડી હતી. આ પહેલાં બુમરાહે ટોમ બ્લંડેલ (5), ટોમ લાથમ (0) અને ડેરિલ મિચેલ (1)ને આઉટ કર્યા હતા. જ્યારે અંશુલ કંબોજે ડેવોન કોનવે (4) અને આકાશ દીપે રચિન રવીન્દ્ર (15)ને પેવેલિયન મોકલ્યા હતા.