IND vs ENG: લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, મેચ વિનર ઓલરાઉન્ડર નિર્ણાયક મેચમાંથી બહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરિઝના બીજા મુકાબલામાં 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કાર્ડિફમાં ગુરુવારે (16 જુલાઈ) રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 234 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે જો રૂટના શાનદાર 99* રનના કારણે આરામથી હાંસલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડની જીતના કારણે વન-ડે સિરિઝ 1-1થી બરાબરી પર આવી ગઈ છે. હવે સિરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ 19 જુલાઈના રોજ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો
લોર્ડસ વન-ડે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગની ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. સુંદર બીજી વન-ડેમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજા એટલી ગંભીર છે કે તે થોડો સમય ક્રિકેટથી દૂર રહી શકે છે. એક અહેવાલ પ્રમાણે મેડિકલ ટીમે તેને ત્રીજી વન-ડે માટે અનફિટ જાહેર કર્યો છે. હર્ષિત રાણા અને નીતીશ કુમાર રેડ્ડી જેવા ખેલાડીઓની ઈજાઓથી પરેશાન ભારતીય ટીમ માટે આ બીજો મોટો ફટકો છે. આવી સ્થિતિમાં સિરિઝની સૌથી મહત્વપૂર્ણ મેચમાં કેપ્ટન શુભમન ગીલને તેની પ્લેઈંગ ઈલેવન અને રણનીતિ બંનેમાં ફેરફાર કરવો પડી શકે છે.
સુંદરની ઈજાના કારણે બગડ્યો મોમેન્ટમ
બીજી વન-ડેમાં વિરાટ કોહલીના આઉટ થયા બાદ વોશિંગ્ટન સુંદર 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ભારતને મોટી પાર્ટનરશિપની જરૂર હતી, પરંતુ ઈનિંગની શરૂઆતમાં કિસ્મતે તેનો સાથ છોડી દીધો. મિડ-ઓફ તરફ શોટ રમ્યા બાદ પ્રથમ રન પૂરો કરતી વખતે સુંદરને હેમસ્ટ્રિંગમાં ખેંચ આવી ગઈ. પીડા હોવા છતાં તેણે બેટિંગ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ટૂંક સમયમાં જ સાકિબ મહેમૂદ દ્વારા આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો. સુંદર 5 બોલમાં 2 રન બનાવી શક્યો અને અહીંથી ભારતની ઈનિંગની ગતિ પણ થંભી ગઈ.
મેચ બાદ બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્વીકાર્યું કે, 'વોશિંગ્ટન સુંદરની ઈજાએ ભારતની આખી બેટિંગ યોજના બગાડી નાખી. વોશિંગ્ટન સુંદરને પહેલો રન લેતી વખતે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ બાદ તે બીજા જ બોલ પર આઉટ થઈ ગયો. ત્યાંથી અમને બીજી મોટી પાર્ટનરશિપની જરૂર હતી, પરંતુ કમનસીબે અમે અક્ષર પટેલ અને શિવમ દુબેની વિકેટ ખૂબ જ વહેલા ગુમાવી દીધી. જો સુંદર ક્રિઝ પર રહ્યો હોત તો ભારત ઘણો મોટો સ્કોર બનાવી શક્યું હોત.'
કેપ્ટન ગિલે સુંદર માટે શું કહ્યું?
ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ સ્વીકાર્યું કે વોશિંગ્ટન સુંદરની ઈજાની અસર માત્ર બેટિંગ પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ સમગ્ર ટીમની રણનીતિ બદલવી પડી. વોશિંગ્ટન અમારી ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. રન લેતી વખતે તેને ઈજા થઈ હતી. જો તે ફિટ રહ્યો હોત તો બેટિંગમાં દબાણ ઓછું કરી શક્યો હોત. તેના બહાર થયા બાદ અમારે અમારી યોજના બદલવી પડી. બોલિંગમાં પણ અમારે મુખ્ય બોલરોનો વધુ ઉપયોગ કરવો પડ્યો. મહત્વપૂર્ણ ખેલાડીની ઈજાને કારણે ટીમના મોમેન્ટમ પર ચોક્કસપણે અસર થાય છે.
ઈંગ્લેન્ડ સામે સિરિઝ અત્યંત નિર્ણાયક મોડ પર છે અને લોર્ડ્સમાં રમાનાર ત્રીજી વન-ડે વિજેતા નક્કી કરશે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદર જેવા ભરોસાપાત્ર ઓલરાઉન્ડરનું બહાર થવું એ ભારત માટે મોટો ઝટકો છે.









