'કોઈ હદ વટાવશે તો...', શ્રીલંકન બોલર સાથેના ઝઘડા મુદ્દે યશસ્વી જયસ્વાલે મૌન તોડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jaiswal Fires Back At Bhogle: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે મેદાન પર થયેલી ઉગ્ર બોલાચાલી અને શારીરિક ટક્કરનો મામલો હવે જોર પકડી રહ્યો છે. જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે દ્વારા કરવામાં આવેલી ટીકા બાદ યશસ્વી જયસ્વાલે સોશિયલ મીડિયા પર જાતે સામે આવીને ખુલાસો કર્યો છે અને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
મેદાન પર કેવી રીતે સર્જાયો હતો વિવાદ?
કોલંબો ટેસ્ટના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ 45 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો હતો. આ દરમિયાન શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોની એક ઓવરમાં જયસ્વાલે સતત 3 ચોગ્ગા ફટકારી દબાણ બનાવ્યું હતું. જોકે, એ જ ઓવરમાં ફર્નાન્ડોએ જયસ્વાલને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
આઉટ કર્યા બાદ ફર્નાન્ડોએ અતિશય આક્રમક અંદાજમાં જશ્ન મનાવીને પેવેલિયન તરફ જઈ રહેલા જયસ્વાલ તરફ જોઈને સેન્ડ-ઓફ આપતાં કેટલીક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી સાંભળીને જયસ્વાલ ગુસ્સે ભરાઈને પાછો વળ્યો હતો અને બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. વાત આટલેથી જ ન અટકી, બંને ખેલાડીઓ વચ્ચે શારીરિક ટક્કર પણ થઈ ગઈ હતી, જેમાં જયસ્વાલના હેલ્મેટનો ભાગ ફર્નાન્ડોના માથા સાથે અથડાયો હતો. મામલો ગંભીર બનતો જોઈ શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને અમ્પાયર્સે તાત્કાલિક વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા.
હર્ષા ભોગલેની ટીકા: 'જયસ્વાલે પેવેલિયન તરફ ચાલ્યા જવું જોઈતું હતું'
આ ઘટના બાદ એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ પર વિશ્લેષણ કરતી વખતે જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ જયસ્વાલના આ વલણ સામે નારાજગી દર્શાવી હતી. ભોગલેએ જણાવ્યું હતું કે, ભલે બોલરે ઉશ્કેરણીજનક વર્તન કર્યું હોય, પરંતુ આઉટ થયા બાદ જયસ્વાલે શાંતિથી પેવેલિયન તરફ ચાલ્યા જવું જોઈતું હતું અને બોલરની સામે બાખડવા જવાની જરૂર નહોતી. આ વિશે એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ‘Did Jaiswal cross the line?’ (શું જયસ્વાલે મર્યાદા ઓળંગી?) લખવામાં આવ્યું છે.
યશસ્વી જયસ્વાલનો વળતો પ્રહાર
પોતાના પર ઉઠેલા સવાલો અને ટીકાઓ બાદ યશસ્વી જયસ્વાલે પોતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં આવીને હર્ષા ભોગલે સહિતના તમામ ટીકાકારોને સીધો જવાબ આપ્યો હતો. જયસ્વાલે લખ્યું:
"જો તમને ખબર ન હોય કે તેણે (ફર્નાન્ડોએ) શું કહ્યું હતું, તો કૃપા કરીને પોતાનો નિર્ણય ન સંભળાવો. જો કોઈ હદ પાર કરશે, તો આપણે તેને જણાવવું પડશે. આ ભારત છે, અમે લડીશું અને જવાબ આપીશું."
જયસ્વાલના આ કડક વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વિવાદ માત્ર સામાન્ય વિકેટ સેલિબ્રેશન નહોતો, પરંતુ ફર્નાન્ડો દ્વારા કરવામાં આવેલી કોઈ અણછાજતી ટિપ્પણીના વિરોધમાં આ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જોકે, શ્રીલંકન બોલરે ખરેખર કયા શબ્દો કહ્યા હતા તેની સત્તાવાર વિગત હજુ સામે આવી નથી.









