Sports

બુમરાહ ફીટ નહીં થાય તો કોને મળશે ટીમ ઈન્ડિયામાં ચાન્સ? BCCIએ વિકલ્પ નક્કી કર્યા

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
BCCI દ્વારા અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણી અને 2026 એશિયન ગેમ્સ માટે જસપ્રીત બુમરાહને પસંદ કરાયા છે. જોકે, તેમની ફિટનેસ પર પ્રશ્નાર્થ હોવાથી BCCIએ યુવા બોલર પ્રિન્સ યાદવને "સંભવિત બેકઅપ" તરીકે પસંદ કર્યા છે. બુમરાહ 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં મેચ-સિમ્યુલેશન ટેસ્ટમાંથી પસાર થશે. પૂર્વ ક્રિકેટર બદ્રીનાથે બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટ મુદ્દે ટીમ મેનેજમેન્ટની ટીકા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બુમરાહ ફીટ નહીં થાય તો કોને મળશે ટીમ ઈન્ડિયામાં ચાન્સ? BCCIએ વિકલ્પ નક્કી કર્યા

BCCI Picks Bumrah Backup Option: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી T20I શ્રેણી તેમજ 2026 એશિયન ગેમ્સની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમનું મેદાનમાં ઉતરવું સંપૂર્ણપણે તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. બુમરાહની ફિટનેસ સામે પ્રશ્નાર્થ હોવાથી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ તેમના સંભવિત વિકલ્પ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. બુમરાહ લાંબા સમયથી ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. 16 જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેની જૂની ઈજા ફરી ઉથલો મારી ગઈ હતી. તે મેચ બાદ તેણે હજુ સુધી સ્પર્ધાત્મક ક્રિકેટમાં એકપણ બોલ ફેંક્યો નથી અને તેની રિકવરી પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

પ્રિન્સ યાદવ બનશે 'સંભવિત બેકઅપ', મેચ-સિમ્યુલેશન ટેસ્ટમાંથી પસાર થશે ખેલાડીઓ

એક અહેવાલ અનુસાર, બુમરાહની ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા હોવાથી BCCIના સિલેક્ટર્સે યુવા બોલર પ્રિન્સ યાદવને "સંભવિત બેકઅપ" તરીકે પસંદ કર્યો છે. આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બુમરાહ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણા સાથે 10 સપ્ટેમ્બરે દિલ્હી ખાતે ટીમ સાથે જોડાવાની અંતિમ મંજૂરી મેળવતા પહેલાં એક અઠવાડિયા સુધી સઘન મેચ-સિમ્યુલેશન ટેસ્ટમાંથી પસાર થશે. આ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયા બાદ જ તેને રમવા માટે સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવશે.

બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટ મુદ્દે પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથનો આક્રોશ

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે બુમરાહની ઈજા અને ફિટનેસનું યોગ્ય વ્યવસ્થાપન ન કરવા બદલ ટીમ મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પીઠની ઈજા થયા બાદથી BCCI બુમરાહના વર્કલોડને સંભાળવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, પરંતુ તેનું કોઈ સંતોષકારક પરિણામ મળ્યું નથી. બદ્રીનાથે આ નબળા મેનેજમેન્ટ માટે ટીમ કેપ્ટન, મુખ્ય કોચ અને પસંદગીકારોને સીધા જવાબદાર ઠેરવ્યા છે.

પોતાની યુટ્યુબ ચેનલ પર આકરા પ્રહારો કરતાં બદ્રીનાથે જણાવ્યું હતું કે:

"મને ખબર નથી કે આ નિર્ણય કોણે લીધો, COE તો ટીમ સિલેક્શન નહીં કરે, બરાબર ને? તેઓ ફક્ત એટલું જણાવશે કે ખેલાડીની શારીરિક સ્થિતિ કેવી છે, તે કઈ મેચો રમી શકે છે અને તેનું શરીર કેટલું સાથ આપી શકે છે. પરંતુ મને લાગે છે કે અંતિમ નિર્ણય કેપ્ટન, કોચ અને સિલેક્ટર્સ જ લે છે. COE માત્ર માહિતી પહોંચાડે છે, તેઓ સિલેક્ટર્સ નથી."

નોંધનીય છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20I મેચોની શ્રેણીનો પ્રથમ મુકાબલો 13 સપ્ટેમ્બરે રમાશે, જેમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે.