Sports

‘મેં મારું બેસ્ટ આપ્યું, હવે કોઈ અફસોસ નથી...’ વર્લ્ડકપમાંથી ભાવુક વિદાય બાદ રોનાલ્ડોનું નિવેદન

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્લ્ડ કપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પોર્ટુગલની સ્પેન સામેની હાર બાદ રોનાલ્ડોએ જણાવ્યું કે, આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હતો. 41 વર્ષીય રોનાલ્ડોએ 27 વર્લ્ડ કપ મેચમાં 11 ગોલ કર્યા છે. તેણે 6 અલગ-અલગ વર્લ્ડ કપ એડિશનમાં ગોલ કરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જોકે, વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું તેનું સ્વપ્ન અધૂરું રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

‘મેં મારું બેસ્ટ આપ્યું, હવે કોઈ અફસોસ નથી...’ વર્લ્ડકપમાંથી ભાવુક વિદાય બાદ રોનાલ્ડોનું નિવેદન

Ronaldo Retirement: ફૂટબોલ જગતના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેની ફિફા વર્લ્ડ કપની સફર હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ છે. સ્પેન સામે રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં પોર્ટુગલની હાર સાથે જ રોનાલ્ડોએ પુષ્ટિ કરી છે કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હતો અને હવે તે ભવિષ્યમાં પોતાના 7માં વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે નહીં.

41 વર્ષીય રોનાલ્ડોએ પોતાના શાનદાર વર્લ્ડ કપ કરિયરમાં કુલ 27 મેચ રમી છે. આ મામલામાં તેનાથી આગળ માત્ર આર્જેન્ટિનાનો લિઓનલ મેસી છે, જેણે 30 વર્લ્ડ કપ મેચ રમી છે. જોકે, રોનાલ્ડો પોતાના આટલા ભવ્ય કરિયરમાં ક્યારેય વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું પૂરું કરી શક્યો નથી.

વર્લ્ડ કપમાં બનાવ્યા અદ્ભુત રેકોર્ડ્સ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્લ્ડ કપના ઇતિહાસમાં રમેલી 27 મેચોમાં 11 ગોલ કર્યા છે અને અનેક મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. તે વિશ્વ કપની 6 અલગ-અલગ એડિશનમાં ગોલ કરનારો દુનિયાનો સૌપ્રથમ ખેલાડી બન્યો છે. આ વર્લ્ડ કપમાં તેણે 3 ગોલ કર્યા હતા, જેમાં ઉઝબેકિસ્તાન સામે પોર્ટુગલની 5-0ની જીતમાં તેના 2 શાનદાર ગોલ સામેલ હતા. આ સાથે જ તેણે પોતાના કરિયરમાં પહેલીવાર વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં પણ ગોલ નોંધાવ્યો હતો. ક્રોએશિયા સામે પેનલ્ટી દ્વારા કરવામાં આવેલો તેનો આ ગોલ જ પોર્ટુગલને રાઉન્ડ ઓફ 16 સુધી લઈ ગયો હતો.

મેચ બાદની વાતચીતમાં રોનાલ્ડોએ જણાવ્યું કે,

"હું ઠીક છું. દુઃખ માત્ર એ વાતનું છે કે અમારો વર્લ્ડ કપ આ રીતે સમાપ્ત થયો. પરંતુ જેમ મેં પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું, મેં મારું પૂરેપૂરું જોર લગાવી દીધું હતું અને મને આ વાતનો કોઈ જ પસ્તાવો નથી."

તેણે વધુમાં ઉમેર્યું કે, "એક ફૂટબોલરની જિંદગી આવી જ હોય છે. ક્યારેક જીત મળે છે તો ક્યારેક હાર. આપણે હંમેશાં આગળ વધતા રહેવું પડે છે. આ મારો છેલ્લો વર્લ્ડ કપ હતો. હવે હું મારા પરિવાર સાથે સમય વિતાવીશ અને ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લઉં."

2006થી શરૂ થઈ હતી સફર

રોનાલ્ડોએ પહેલીવાર વર્ષ 2006માં જર્મની વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તે ટૂર્નામેન્ટમાં તેણે ઈરાન સામે પોતાનો પહેલો વર્લ્ડ કપ ગોલ કર્યો હતો અને પોર્ટુગલને 40 વર્ષ બાદ સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેણે વર્ષ 2010 (દક્ષિણ આફ્રિકા), 2014 (બ્રાઝિલ), 2018 (રશિયા) અને 2022 (કતાર)ના વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો અને દરેક સીઝનમાં ઓછામાં ઓછો 1 ગોલ ચોક્કસ કર્યો છે.

પોર્ટુગલના ફૂટબોલ ઇતિહાસને બદલ્યો

પોતાના કરિયર વિશે વાત કરતા રોનાલ્ડોએ ભાવુક થઈને કહ્યું કે,

"હું કાલે સવારે પણ કોઈ પસ્તાવા વિના જાગીશ. મેં પોર્ટુગલ માટે 3 મોટા આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યા છે (1 યુરોપિયન ચેમ્પિયનશિપ અને 2 યુઇએફએ નેશન્સ લીગ). મારા ટીમમાં આવ્યા પહેલા પોર્ટુગલે ક્યારેય કોઈ મોટો ખિતાબ જીત્યો નહોતો. તેથી મને મારા કરિયર પર ગર્વ છે. મેં હંમેશાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. હવે એક નવો દિવસ હશે અને જિંદગી આગળ વધશે."

અત્રે ઉલ્લેખનીય છે કે, રોનાલ્ડોએ વર્ષ 2016માં પોર્ટુગલને યુરોપિયન ચેમ્પિયનશિપ જીતાડવામાં કેપ્ટન તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેની ટીમે 2 વાર યુઇએફએ નેશન્સ લીગનો ખિતાબ પણ જીત્યો છે. જોકે, ફિફા વર્લ્ડ કપ ટ્રોફી તેના કરિયરની સૌથી મોટી અધૂરી ઈચ્છા બનીને રહી ગઈ છે. વર્લ્ડ કપમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2006માં રહ્યું હતું, જ્યારે તે પોતાની ટીમને સેમિફાઇનલ સુધી લઈ ગયો હતો.