'હાર્દિક પંડ્યા ફરી GTમાં વાપસી કરવા ઈચ્છતો હતો પરંતુ...', સ્ટાર ઓલરાઉન્ડર અંગે નવો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2027 Trade: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2027 માટે ટ્રેડ લિસ્ટ જાહેર થાય તે પહેલાં જ હાર્દિક પંડ્યાને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે. હાર્દિક હાલમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. વર્ષ 2024માં હાર્દિક બીજી વખત મુંબઇ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો અને તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી, પરંતુ તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં એવી અટકળો વહેતી થઈ છે કે IPL 2027માં મુંબઈ હાર્દિકને પોતાની સાથે રાખશે નહીં. આ જ કારણોસર તેના ટ્રેડની ચર્ચાએ જોર પકડ્યું છે.
હાર્દિકને ટ્રેડ કરવા માટે ઘણી ટીમો રેસમાં સામેલ છે, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સને સૌથી આગળ માનવામાં આવી રહી છે. CSK ઉપરાંત દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમો પણ આ ધાકડ ઓલરાઉન્ડરને ટ્રેડ કરવા ઈચ્છે છે. જોકે, હવે જે અંદરની વાત સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. એક રિપોર્ટ પ્રમાણે હાર્દિક પંડ્યાએ પોતાની જૂની ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સમાં વાપસી કરવા માટે વાતચીત કરી હતી.
હાર્દિક પંડ્યા ફરી GTમાં વાપસી કરવા ઈચ્છતો હતો
રિપોર્ટ પ્રમાણે હાર્દિકે ગુજરાત ટાઈટન્સના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી હતી. ટીમનો કેપ્ટન શુભમન ગિલ પણ હાર્દિકની વાપસી માટે સંમત થઈ ગયો હતો, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આખરે આ ડીલ કેમ શક્ય ન બની. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિકે ગુજરાત સમક્ષ કેપ્ટનશીપ કરવાની શરત મૂકી હતી, પરંતુ ફ્રેન્ચાઈઝીએ તેની આ શરત માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આ જ મુખ્ય કારણ છે કે હાર્દિક પંડ્યાનો ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ ન થઈ શક્યો.
બીજી તરફ જ્યારે ગુજરાત ટાઈટન્સના પ્રતિનિધિનો આ અંગે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મુદ્દે કંઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ ઉપરાંત પંડ્યાના મેનેજરે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, 'હાર્દિક પંડ્યાની કોઈપણ ફ્રેન્ચાઈઝી સાથે ટ્રાન્સફર-ટ્રેડ કે અન્ય કોઈ વિષય પર સીધી વાતચીત થઈ નથી. જો તેમની સાથે કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય તો તે MI ફ્રેન્ચાઈઝીના માધ્યમથી જ કરવામાં આવ્યો છે.'
રોહિતના સ્થાને મુંબઈનો કેપ્ટન બન્યો હતો હાર્દિક
તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ પોતાની કારકિર્દીની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ કરી હતી, પરંતુ વર્ષ 2022માં તે ગુજરાત ટાઈટન્સમાં જોડાઈ ગયો હતો. ગુજરાત માટે પોતાની ડેબ્યૂ સીઝનમાં તેણે કેપ્ટનશીપ કરતા ટીમને ચેમ્પિયન બનાવી દીધી હતી. તેની આગામી સીઝનમાં પણ ગુજરાત હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ 2024માં તે ટ્રેડ થઈને મુંબઈ પરત ફર્યો હતો, જે બાદ તેને રોહિત શર્માના સ્થાને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી.
મુંબઈએ રોહિત પાસેથી ત્યારે કેપ્ટનશીપ પાછી લઈ લીધી હતી, જ્યારે તેણે ભારતને 2023ના 50-ઓવર વિશ્વ કપની ફાઈનલમાં પહોંચાડ્યું હતું. હાર્દિક કેપ્ટન બન્યા બાદ મુંબઈના ફેન્સમાં ભારે નિરાશા છવાઈ ગઈ હતી. આ નિરાશા ત્યારે વધુ ઘેરી બની જ્યારે ટીમ પ્લેઓફમાં પહોંચવામાં પણ નિષ્ફળ રહી.









