Sports

આ ગુજરાતી ક્રિકેટરને ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બનવામાં રસ નથી! BCCI પણ મૂંઝવણમાં

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
BCCIમાં નવા ચીફ સિલેક્ટરની નિમણૂક અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અજિત અગરકરના સ્થાને પાર્થિવ પટેલ પ્રબળ દાવેદાર હતા, પરંતુ તેમણે વેસ્ટ ઝોન સિલેક્ટર માટે અરજી ન કરતાં બોર્ડ મૂંઝવણમાં છે. હવે પ્રજ્ઞાન ઓઝાની આગેવાની હેઠળની વચગાળાની વ્યવસ્થા ચાલુ રાખવી કે નવા મુખ્ય સિલેક્ટરની શોધ કરવી તે અંગે નિર્ણય લેવાશે. 2027ના વર્લ્ડ કપ પહેલાં આ નિર્ણય મહત્ત્વપૂર્ણ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ ગુજરાતી ક્રિકેટરને ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બનવામાં રસ નથી! BCCI પણ મૂંઝવણમાં

BCCI New Chief Selector Appointment : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિના નવા વડા અંગે અનિશ્ચિતતા વધી છે. પૂર્વ ચીફ સિલેક્ટર અજિત અગરકરના સ્થાને પાર્થિવ પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ તેમણે વેસ્ટ ઝોનના સિલેક્ટર પદ માટે અરજી કરી નથી. આથી હવે BCCIએ નવા મુખ્ય સિલેક્ટરની શોધ કરવી કે પ્રજ્ઞાન ઓઝાની આગેવાની હેઠળની વચગાળાની વ્યવસ્થા ચાલુ રાખવી તે અંગે નિર્ણય લેવાનો છે. 2027ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં પસંદગી સમિતિનું માળખું નક્કી કરવું બોર્ડ માટે મહત્ત્વનું બની શકે છે.

પ્રજ્ઞાન ઓઝાની જવાબદારી ચાલુ રહેશે?

પાર્થિવ પટેલે અરજી ન કરતાં હવે પ્રજ્ઞાન ઓઝાની ભૂમિકા અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલ તેઓ વચગાળાના ધોરણે પસંદગી સમિતિના વડાની જવાબદારી સંભાળી રહ્યા છે. બીજી તરફ, VVS લક્ષ્મણ ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)ના વડા છે. આ સ્થિતિમાં બોર્ડ હાલની વ્યવસ્થા જાળવી રાખે છે કે નવા મુખ્ય સિલેક્ટરની નિમણૂક કરે છે તેના પર નજર રહેશે. અહેવાલ અનુસાર, BCCI ઇચ્છતું હતું કે અજિત અગરકર 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી ચીફ સિલેક્ટર તરીકે ચાલુ રહે, જેથી ભારતીય ટીમની પસંદગીમાં સાતત્ય જળવાય. જોકે, આ શક્ય બન્યું નથી. બોર્ડ સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા પ્રમાણે, નવા ચીફ સિલેક્ટરની વિચારસરણી અને આયોજન હાલની વ્યવસ્થાથી અલગ હોઈ શકે છે. તેથી નિમણૂક કરતાં પહેલાં તેમની કાર્યપદ્ધતિ સમજવી જરૂરી છે.

પસંદગી સમિતિના ખર્ચમાં પણ વધારો

અનુભવી પૂર્વ ક્રિકેટરોને પસંદગી સમિતિમાં સામેલ કરવા માટે BCCI વેતન નીતિમાં પણ ફેરફાર લાવી રહ્યું છે. અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2025માં આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝા પસંદગી સમિતિમાં જોડાયા બાદ સમિતિઓ પાછળનો ખર્ચ અંદાજિત બજેટ કરતાં 3 કરોડ રૂપિયાથી વધીને 17.45 કરોડ રૂપિયા થયો હતો. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે આ ખર્ચનું બજેટ 19.35 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે BCCIએ આશરે 100 ટેસ્ટ મેચ રમેલા કેટલાક પૂર્વ ક્રિકેટરોનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે આ દરખાસ્ત સ્વીકારી નહોતી. તાજેતરની નિમણૂકો દરમિયાન ઉમેદવારોએ વેતન અંગે વાટાઘાટો પણ કરી હતી.

શિવ સુંદર દાસના કાર્યકાળ અંગે પણ નિર્ણય બાકી

BCCIએ સિલેક્ટર શિવ સુંદર દાસના ભવિષ્ય અંગે પણ નિર્ણય લેવાનો છે. ડિસેમ્બરમાં તેઓ આ પદ પર ચાર વર્ષ પૂર્ણ કરશે. તેમનો કાર્યકાળ લંબાવવો કે નવા ચહેરાને તક આપવી તે અંગે બોર્ડે નિર્ણય કરવાનો રહેશે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, દાસને વન-ડે વર્લ્ડ કપ સુધી જવાબદારી પર જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આ અંગે પણ અંતિમ નિર્ણય લેવાયો નથી. આમ, ચીફ સિલેક્ટરની નિમણૂકથી લઈને અન્ય સિલેક્ટરોના કાર્યકાળ સુધીના નિર્ણયો 2027ના વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમની પસંદગીની દિશા નક્કી કરવામાં મહત્ત્વના રહેશે.