IPL 2026, Punjab Kings vs Gujarat Titans : આઈપીએલ-2026માં આજે ગુજરાત ટાઈટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને 4 વિકેટથી પરાજય આપી શાનદાર જીત મેળવી છે. વોશિંગ્ટન સુંદર અને જેસન હોલ્ડર આ જીતના મુખ્ય હીરો સાબિત થયા હતા.

વોશિંગ્ટન સુંદરની વિજયી સિક્સર
ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ મળ્યો હતો. છેલ્લી ઓવરમાં ટીમને જીતવા માટે 11 રનની જરૂર હતી. વોશિંગ્ટન સુંદરે માર્કસ સ્ટોઈનિસના બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી છે. સુંદરે 23 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 40 રન બનાવ્યા હતા. આ અગાઉ સાઈ સુદર્શને પણ શાનદાર બેટિંગ કરતા 41 બોલમાં 57 રન ફટકાર્યા હતા. કેપ્ટન શુભમન ગિલ માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે જોસ બટલરે 26 રનનું યોગદાન આપ્યું હતું.

જેસન હોલ્ડરની 4 વિકેટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી પંજાબને મુશ્કેલીમાં મૂક્યું હતું. જોકે, સૂર્યાંશ શેડગે (57 રન) અને માર્કસ સ્ટોઈનિસ (40 રન) વચ્ચેની 79 રનની ભાગીદારીએ પંજાબને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પંજાબ કિંગ્સે 9 વિકેટ ગુમાવી 163 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી જેસન હોલ્ડરે શાનદાર બોલિંગ કરતા માત્ર 24 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી.

પોઈન્ટ ટેબલની સ્થિતિ
આ સીઝનમાં બંને ટીમોનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. પંજાબ કિંગ્સે અત્યાર સુધી 9 મેચમાંથી 6 જીતી છે અને તેના 13 પોઈન્ટ છે. બીજી તરફ ગુજરાત ટાઈટન્સે 10 મેચમાંથી 6 જીત મેળવીને 12 પોઈન્ટ સાથે પોતાની સ્થિતિ મજબૂત કરી છે.


