ક્રિકેટથી રાજકારણ સુધી: બાંગ્લાદેશના મહાન ખેલાડી શાકિબ અલ હસનની કારકિર્દીનો કરૂણ અંત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shakib al Hasan Bangladesh : બાંગ્લાદેશના ક્રિકેટ ઇતિહાસમાં જો કોઈ એક ખેલાડીએ દેશને વિશ્વ સ્તરે ઓળખ અપાવી હોય, તો તે શાકિબ અલ હસન છે. પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે જે ખેલાડી માટે કરોડો ફેન્સ જીવ આપવા તૈયાર હતા, આજે તે જ જનતા તેના ઘર પર હુમલા કરી રહી છે. એક સમયનો 'નેશનલ હીરો' આજે દેશ માટે ખલનાયક બની ગયો છે. આ પતન પાછળ માત્ર રમત નહીં, પરંતુ સત્તા, રાજકારણ અને દેશની જનતા સામે સરમુખત્યારશાહીનો સાથ આપવાનો નિર્ણય જવાબદાર છે.
ક્રિકેટ ક્ષેત્રે મેળવેલી અદ્ભુત સફળતાએ વ્યાવસાયિક વ્યાપ પણ આપ્યો
1987માં મગુરા જિલ્લાના એક સામાન્ય પરિવારમાં જન્મેલા શાકિબે 2004માં ડિવિઝનલ લીગમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. લેફ્ટ હેન્ડેડ સ્પિનર અને ઓલરાઉન્ડરે 2006માં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. લગભગ બે દાયકા લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 447 મેચમાં 14,730 રન બનાવ્યા અને 712 વિકેટો ઝડપી. તેને બાંગ્લાદેશનો અત્યાર સુધીનો સૌથી સફળ ઓલરાઉન્ડર ખેલાડી મનાય છે. ક્રિકેટની સાથે તેણે સોનાના વેપાર સહિત અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનો બિઝનેસ વધાર્યો.
રાજકારણમાં પ્રવેશ કર્યો, પણ ‘પસંદગી’ નડી ગઈ
ક્રિકેટમાં મળેલી લોકપ્રિયતા વચ્ચે શાકિબે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો. તે શેખ હસીનાની પાર્ટી 'આવામી લીગ' સાથે જોડાયો. શેખ હસીનાના શાસનકાળમાં વિપક્ષો અને સામાન્ય જનતા પર ભારે દમન અને હિંસાના આરોપો લાગતા રહ્યા હતા. આમ છતાં, શાકિબે હસીના સાથેના પોતાના ગાઢ સંબંધોનો ખુલ્લેઆમ પ્રચાર કર્યો અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા. જનતા જે શાસનથી છૂટકારો મેળવવા માંગતી હતી, શાકિબે તે જ સત્તાનો પક્ષ લીધો. 2024ની સામાન્ય ચૂંટણીમાં શાકિબે અવામી લીગની ટિકિટ પર ચૂંટણી લડી અને સાંસદ બન્યો. પરંતુ આ ચૂંટણી પર ધાંધલી અને એકતરફી હોવાના ગંભીર આરોપો લાગ્યા, જેના કારણે જનતામાં શાકિબ પ્રત્યેનો રોષ બેવડાઈ ગયો.
ઓગસ્ટ 2024નો જનઆક્રોશ પતન લાવ્યો
ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થયા. જ્યારે વિદ્યાર્થીઓ પર ગોળીબાર થઈ રહ્યો હતો અને હિંસા ચરમસીમાએ હતી, ત્યારે શાકિબ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે મજાક કરતો જોવા મળ્યો હતો અને આંદોલનને મુદ્દે ચૂપ રહ્યો હતો. આ મૌન જ તેના પ્રત્યેના જનાક્રોશનું સૌથી મોટું કારણ બન્યું હતું.
એ હિંસા એટલી વધી ગઈ હતી કે તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભારતમાં શરણ લેવું પડ્યું. ત્યાર પછી હસીના બે વર્ષ સુધી શાંત રહ્યાં. તાજેતરમાં 5 ઓગસ્ટ 2026ના રોજ જ્યારે દિલ્હીથી તેમની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, ત્યારે તેમાં શાકિબ પણ હાજર હતો. એ જોઈને બાંગ્લાદેશના લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. રોષે ભરાયેલા લોકોએ શાકિબના ઘર પર હુમલો કરી તેને આગ ચાંપી દીધી.
બાંગ્લાદેશ પરત આવવાને બદલે અમેરિકા રોકાઈ જવું પડ્યું
શાકિબ જુલાઈ, 2024ના અંતમાં 'ગ્લોબલ T20 કેનેડા' લીગમાં રમવા માટે કેનેડા ગયો હતો. 5 ઓગસ્ટ 2024ના રોજ સરકાર બદલાયા બાદ તેની સામે વિવિધ તપાસના પ્રશ્નો ઊભા થયા, બાંગ્લાદેશ પરત આવે તો તેની સુરક્ષા જોખમાય એવી સંભાવના હતી, તેથી બાંગ્લાદેશ પરત ફરવાને બદલે શાકિબને ત્યારથી અમેરિકામાં જ રહેવાની ફરજ પડી છે. નવી સરકાર આવ્યા બાદ બાંગ્લાદેશ એન્ટિ-કરપ્શન કમિશન (ACC) દ્વારા શાકિબ, તેની માતા શિરીન અખ્તર અને અન્ય લોકો સામે શેરબજારમાં ગેરરીતિ, મની લોન્ડરિંગ અને ચેક ફ્રોડ જેવા ગંભીર આરોપો હેઠળ તપાસ શરૂ કરાઈ છે. શાકિબ પર હિંસા દરમિયાન થયેલી હત્યામાં સંડોવણીના આરોપ પણ લાગ્યા છે.
શાકિબની કારકિર્દીની ગાડી ફરી પાટા પર ચઢશે?
હાલની સ્થિતિ જોતા એ સ્પષ્ટ છે કે જ્યાં સુધી વર્તમાન સરકારનું રાજ છે ત્યાં સુધી શાકિબ અલ હસન માટે બાંગ્લાદેશ પાછા ફરવું કે દેશ માટે ફરી ક્રિકેટ રમવું અશક્ય છે. રાજકીય ભૂલોને કારણે સ્પોર્ટ્સ સ્ટારમાંથી જનતાનો આક્રોશ વહોરી લેનાર ખલનાયક બની ગયેલા શાકિબનું નામ રમતગમતના ઇતિહાસમાં કઈ રીતે લખાશે, એ તો સમય જ કહેશે.
માથે મોતનું જોખમ હોવા છતાં શેખ હસીના સ્વદેશ જવા તત્પર
17 નવેમ્બર 2025ના રોજ બાંગ્લાદેશની ખાસ ટ્રિબ્યુનલે 2024ના પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાને ‘માનવતા વિરુદ્ધના અપરાધ’ ગણાવીને શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં જ મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ત્યારથી બાંગ્લાદેશ સરકાર ભારત પાસેથી હસીનાના પ્રત્યાર્પણની માંગ કરતી રહી છે. માથે મોતનું જોખમ હોવા છતાં 78 વર્ષના શેખ હસીનાએ તાજેતરમાં સ્વદેશ જવા માટેની તત્પરતા દેખાડી છે. તેમણે કહ્યું હતું, ‘હું સત્તા માટે નહીં, પરંતુ બાંગ્લાદેશને વિકાસ, ધર્મનિરપેક્ષતા અને સમૃદ્ધિના માર્ગ પર પાછા લાવવા માટે ત્યાં જવા ઈચ્છું છું. હું જાણું છું કે તેઓ મને જેલમાં નાખી શકે છે અથવા મારો જીવ લઈ શકે છે. તેમ છતાં હું મારા લોકો સાથે રહેવા માટે ઘરે પરત ફરીશ.’









