Sports

IPL 2026 પછી ફિટનેસ ખરાબ થઈ, 32 ખેલાડીઓ રિહેબમાં! BCCIના CoE રિપોર્ટમાં મોટા ખુલાસા

By GS Team
9 Oct 20265 mins read
TukuTouch Logo
BCCIના CoE રિપોર્ટ મુજબ, એપ્રિલ 2025થી માર્ચ 2026 વચ્ચે 32 ભારતીય પુરુષ ક્રિકેટરોને ઈજામાંથી બહાર આવવા રિહેબિલિટેશનમાંથી પસાર થવું પડ્યું. જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ સામેલ છે. IPL 2026 પછી પણ ઈજાઓ ચાલુ રહી. BCCIએ CoEનું બજેટ 92 કરોડથી વધારી 127 કરોડ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026 પછી ફિટનેસ ખરાબ થઈ, 32 ખેલાડીઓ રિહેબમાં! BCCIના CoE રિપોર્ટમાં મોટા ખુલાસા

BCCI CoE Annual Report: ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓની ઈન્જરી હવે મોટો પડકાર બનતી જઈ રહી છે. સતત ઈજાગ્રસ્ત થઈ રહેલા ખેલાડીઓના કારણે ટીમ મેનેજમેન્ટને મહત્વની સિરીઝ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના વાર્ષિક રિપોર્ટમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે એપ્રિલ 2025થી માર્ચ 2026 વચ્ચે ભારતીય મેન્સ ટીમના 32 ટોચના ખેલાડીઓને ઈજાઓમાંથી બહાર આવવા માટે રિહેબિલિટેશનમાંથી પસાર થવું પડ્યું. જેમાં 20 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વાળા અને 12 ઈન્ડિયા-A અથવા ટાર્ગેટેડ કેટેગરીના ખેલાડીઓ સામેલ છે.

એક રિપોર્ટ પ્રમાણે IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2026 પછી પણ ઈજાઓનો સિલસિલો જારી રહ્યો અને લગભગ દરેક સિરીઝમાં ઓછામાં ઓછા બે ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાની સ્થિતિ સામે આવી. ભારતની ટેસ્ટ-વન-ડે ટીમના કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર પણ છેલ્લા એક વર્ષમાં ખેલાડીઓની ફિટનેસ સંબંધી સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. એવામાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે ખેલાડીઓને ઈજાઓથી બચાવવા અને તેમની રિકવરી વધુ સારી કરવા માટે વર્તમાન વ્યવસ્થામાં શું ફેરફાર કરવા જોઈએ.

ઈજાઓના વધતા મામલાઓ વચ્ચે BCCIએ સેન્ટર ઓફ એક્સેલન્સ માટે ખર્ચ વધારવાની જોગવાઈ કરી છે. રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2026-27 માટે CoEનો અંદાજિત બજેટ 127 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે, જ્યારે છેલ્લા નાણાકીય વર્ષમાં વાસ્તવિક ખર્ચ લગભગ 92 કરોડ રૂપિયા હતો. એટલે કે બજેટમાં લગભગ 35 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ ખર્ચમાં વહીવટી ખર્ચ, તાલીમ અભ્યાસક્રમો અને મેચો સાથે જોડાયેલા ખર્ચ સામેલ છે. જોકે, વધેલા બજેટની અસર ખેલાડીઓની ફિટનેસ અને ઈજાઓની રોકથામ પર કેટલી પડે છે, તે આવનારા સમયમાં મહત્વપૂર્ણ રહેશે.

સોફ્ટ ટિશ્યૂ ઈન્જરી બની સમસ્યા

રિપોર્ટ પ્રમાણે એપ્રિલ 2025થી માર્ચ 2026 વચ્ચે કુલ 68 ક્રિકેટરોની ઈજાઓની સારવાર અને મેનેજમેન્ટ BCCI-CoE ની સ્પોર્ટ્સ સાયન્સ મેડિસિન (SSM) ટીમે કર્યું. આમાં મહિલા ક્રિકેટરો પણ સામેલ છે. જોકે, રિપોર્ટમાં પ્રત્યેક ખેલાડીના રિહેબિલિટેશનની સંખ્યા કે સમયગાળાની અલગથી વિગતો આપવામાં નથી આવી. આ કેસોમાં સોફ્ટ ટિશ્યૂ ઈન્જરી પ્રમુખ રહી હતી. આ કેટેગરીમાં સ્નાયુઓ અને તેની સાથે જોડાયેલી પેશીઓની ઈજાઓ આવે છે, જે ખેલાડીઓની દોડવાની, બોલિંગ કરવાની અને મેદાન પર ઝડપી મૂવમેન્ટ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.

રિપોર્ટમાં ઈમ્પેક્ટ ઈન્જરીના ઉદાહરણ તરીકે રિષભ પંતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુલાઈ 2025માં માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન પગમાં ફ્રેક્ચર થયા બાદ રિષભને સારવારની જરૂર પડી હતી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રોહિત શર્માએ પણ આ સમયગાળા દરમિયાન CoE (Centre of Excellence)માં રિહેબિલિટેશન કરાવ્યું હતું. BCCIએ તે સમયે સેન્ટરમાં તેની સારવાર અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર નહોતું પાડ્યું. રિપોર્ટ પ્રમાણે રોહિતે IPL 2026 પછી હેમસ્ટ્રિંગની ઈજાના કારણે CoEમાં રિપોર્ટ કર્યો હતો.

ઈજાઓથી પ્રભાવિત ખેલાડીઓની યાદીમાં ઘણા પ્રમુખ નામો સામેલ છે. જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણા એવા ખેલાડીઓમાં સામેલ છે, જેમના ઈજા સંબંધિત કેસો વારંવાર સામે આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીએ છેલ્લા 18 મહિનામાં ઓછામાં ઓછા ચાર-ચાર મહિના CoEમાં વિતાવ્યા છે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બર 2026 સુધીની યાદીમાં વિરાટ કોહલી, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબે સહિત અન્ય ઘણા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

CoEમાં SSM પ્રમુખનું પદ ખાલી

પ્રમુખ ખેલાડીઓની અનુપલબ્ધતાની સીધી અસર ટીમ સિલેક્શન અને કોમ્બિનેશન પર પડે છે. ફાસ્ટ બોલરોના કિસ્સામાં આ પડકાર વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે સતત મેચ રમવા અને પ્રેક્ટિસ વચ્ચે તેમના વર્કલોડને સંતુલિત કરવો જરૂરી છે. રિપોર્ટમાં સેન્ટર ઓફ એક્સેલન્સના વહીવટી અને ટેકનિકલ કામગીરી સાથે જોડાયેલી સમસ્યાઓ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન (SSM)ના પ્રમુખ નિતિન પટેલે માર્ચ 2025માં રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી આ પદ લાંબા સમય સુધી ખાલી રહ્યું હતું. BCCIએ ગત મહિને આ પદ માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી. ભારતીય ટીમની એસએસએમ યુનિટ અને સીઓઈની એસએસએમ ટીમ વચ્ચે સંવાદની પણ કમી રહી છે. CoEના પ્રમુખ વીવીએસ લક્ષ્મણ બંને વચ્ચે સંપર્કનું મુખ્ય માધ્યમ બન્યા છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમના સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ એડ્રિયન લે રોક્સે જૂન 2025માં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટની પ્રક્રિયામાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા, પરંતુ CoE તેની હાલની વ્યવસ્થાથી અલગ હટવા માટે ઈચ્છા નહોતું ધરાવતું. આવી સ્થિતિમાં બંને એકમો વચ્ચે સારું તાલમેલ ખેલાડીઓની ફિટનેસ અંગેની વ્યૂહરચનાને અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.

કોરોના મહામારી દરમિયાન પણ સર્જાઈ હતી આવી સ્થિતિ

ભારતીય ક્રિકેટમાં સોફ્ટ ટિશ્યૂ ઈન્જરીનો તબક્કો પહેલા પણ જોવા મળ્યો છે. રિપોર્ટ પ્રમાણે 2021-22માં કોવિડ-19 મહામારી દરમિયાન બાયો-બબલમાંથી બહાર આવ્યા બાદ ઘણા ખેલાડીઓને ઈજાઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે બે થી ત્રણ મહિનામાં સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ પહેલા 2017માં પણ લગભગ ત્રણ મહિના સુધી ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તે સમયે સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ શંકર બાસુએ ફિટનેસ પ્રોગ્રામમાં મોટા ફેરફારો કર્યા હતા.

CoEના રિપોર્ટ પ્રમાણે છેલ્લા ઓડિટ કરાયેલા નાણાકીય વર્ષમાં બજેટમાં સામેલ 57 કેમ્પ અને ટૂર્નામેન્ટમાંથી 15નું આયોજન કરવામાં નહોતું આવ્યું. આ જ સમયગાળા દરમિયાન સેન્ટરે વિવિધ વય જૂથ અને મહિલા-પુરુષ ખેલાડીઓ માટે 25 હાઈ-પરફોર્મન્સ કેમ્પનું આયોજન કર્યું હતું. પૂર્વોત્તર રાજ્યોના ખેલાડીઓ માટે ખાસ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ, અન્ય કોચ અને મેચ ઓફિશિયલો માટે તાલીમ કાર્યક્રમો યોજાયા હતા. રિપોર્ટમાં તે 15 કેમ્પ અને ટૂર્નામેન્ટ યોજાયા ન હોવાના કારણોનો વિગતવાર ઉલ્લેખ નથી.

BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓ અને ઈન્ડિયા-A અથવા ટાર્ગેટેડ કેટેગરીના ક્રિકેટરો માટે ટ્રેનિંગ બ્લોક કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. તેનો ઉદ્દેશ્ય ખેલાડીઓની તાકાત અને ક્રિકેટિંગ સ્કિલને સુધારવા માટે વ્યવસ્થિત તાલીમ પૂરી પાડવાનો છે. રિપોર્ટ પ્રમાણે 37 ખેલાડીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. જેમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા 11 અને ઈન્ડિયા-A અથવા ટાર્ગેટેડ કેટેગરીના 26 ખેલાડીઓ સામેલ હતા.