ઇતિહાસની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ઇવેન્ટ બની ફિફાની ફાઇનલ મેચ, એક ટિકિટની કિંમત સાંભળીને હોશ ઊડી જશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FIFA World Cup 2026 Final Becomes Most Expensive : ફીફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026)ની ફાઇનલ મેચ ઘણી બાબતોમાં ઐતિહાસિક બનવા જઈ રહી છે. આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાનારી આ ફાઇનલ માટે ફૂટબોલ ફેન્સની દીવાનગી સાતમા આસમાને પહોંચી ગઈ છે. મેટલાઈફ સ્ટેડિયમ (MetLife Stadium)માં યોજાનારી આ મેચે અમેરિકામાં ટિકિટ રીસેલ (Resale)ના ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. 20 જુલાઈની રાત્રે ફીફા વર્લ્ડ કપ 2026નો ચેમ્પિયન મળી જશે. ટાઈટલની આ જંગમાં લિઓનેલ મેસ્સીની આર્જેન્ટિના અને યુરોપિયન ચેમ્પિયન સ્પેને જગ્યા બનાવી છે. આ બંને મજબૂત ટીમો વચ્ચે રમાનારી ફાઇનલને લઈને ફેન્સ પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે.
ટિકિટ રીસેલ માર્કેટપ્લેસ 'ટિકપિક' ના જણાવ્યા અનુસાર, આ મેચ અમેરિકન રમતગમતના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી ઇવેન્ટ બની ચૂકી છે. ખરીદદારોએ સરેરાશ 11,327 ડોલર (લગભગ 11 લાખ રૂપિયા) પ્રતિ ટિકિટ ચૂકવ્યા છે. જો સરેરાશ કિંમતોની વાત કરીએ તો, આ વર્લ્ડ કપ ફાઇનલ પહેલા અમેરિકાની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ઇવેન્ટ 2024 નો 'સુપર બાઉલ' હતો, જ્યાં ટિકિટની સરેરાશ કિંમત 9,411 ડોલર હતી.
સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટિકિટ
સ્ટેડિયમના ખાસ સેક્શન (115A) માટે એક ટિકિટની કિંમત 28,479 ડોલર (આશરે 27 લાખ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે, જે હાઈ-ક્લાસ સીટિંગ કેટેગરીમાં આવે છે. જ્યારે હોશ ઉડાવી દેનારી વાત એ છે કે, રીસેલ માર્કેટમાં સૌથી સસ્તી ટિકિટ પણ 6,943 ડોલર (લગભગ 6.7 લાખ રૂપિયા)માં મળી રહી છે.
પ્રાઇઝ મનીએ પણ તોડ્યો રેકોર્ડ
આ વખતે ફીફા વર્લ્ડ કપમાં મળનારી ઇનામી રકમ (Prize Money) એ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વર્ષ 2022ના કતાર વર્લ્ડ કપની સરખામણીમાં આ વખતે 50% વધુ ઇનામી રકમ આપવામાં આવી રહી છે. ટાઇટલ જીતનારી ટીમને લગભગ 420 કરોડ રૂપિયા (50 મિલિયન ડોલર) મળશે, જ્યારે ફાઇનલમાં હારનારી ટીમને અંદાજે 277 કરોડ રૂપિયા (33 મિલિયન ડોલર) આપવામાં આવશે.
હેડ ટુ હેડ રેકોર્ડ: રોમાંચક હશે ફાઇનલ
જો સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેના જૂના આંતરરાષ્ટ્રીય મુકાબલાના ઇતિહાસ પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે હંમેશા કાંટાની ટક્કર રહી છે. બંને દિગ્ગજ ટીમો અત્યાર સુધીમાં કુલ 14 વખત સામસામે આવી ચૂકી છે, જ્યાં બંનેનું પલ્લું એક સમાન રહ્યું છે. આ દરમિયાન આર્જેન્ટિનાએ 6 મેચમાં જીત મેળવી છે, તો સ્પેનની ટીમે પણ બરાબર 6 મુકાબલામાં બાજી મારી છે, જ્યારે 2 મેચ ડ્રો રહી છે. આ આંકડાઓથી સ્પષ્ટ છે કે, મેદાન પર બંને ટીમો સમાન છે અને 20 જુલાઈના રોજ રમાનારી ફાઇનલમાં જોરદાર રોમાંચ જોવા મળશે.
યામલ અને મેસ્સી પર રહેશે નજર
આ મુકાબલો દુનિયાની બે સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે છે. એક તરફ વર્તમાન વિશ્વ વિજેતા આર્જેન્ટિના છે, તો બીજી તરફ યુવા સિતારાઓથી સજ્જ યુરોપિયન ચેમ્પિયન સ્પેનની ટીમ છે. લિઓનેલ મેસ્સી કેપ્ટન તરીકે સતત બે ફીફા વર્લ્ડ કપ ટાઇટલ જીતનાર દુનિયાનો પહેલો ખેલાડી બની શકે છે, જ્યારે સ્પેનના યુવા સ્ટાર લામીન યામલ પાસે પેલે પછી વર્લ્ડ કપ ફાઇનલ રમનાર અને જીતનાર બીજા સૌથી યુવા ખેલાડી બનવાની તક છે.









