Sports

FIFA World Cup: 'ફ્રાન્સે અમારાથી ડરવું જોઈએ'- સેમિફાઇનલ પહેલા સ્પેનના લામિન યમાલનો હુંકાર!

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
ફિફા વર્લ્ડ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે સ્પેનનો મુકાબલો ફ્રાન્સ સામે થશે. આ મેચ પહેલાં, સ્પેનના 18 વર્ષીય યુવા સ્ટાર લામિન યામેલે ફ્રાન્સને પડકાર ફેંક્યો છે. યામેલે કહ્યું કે સ્પેન કોઈનાથી ડરતું નથી, ફ્રાન્સે ડરવાની જરૂર છે. સ્પેન આક્રમક રણનીતિ જાળવી રાખશે અને વર્લ્ડ કપ જીતવા આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

FIFA World Cup: 'ફ્રાન્સે અમારાથી ડરવું જોઈએ'- સેમિફાઇનલ પહેલા સ્પેનના લામિન યમાલનો હુંકાર!

Spain Feears No One: ફિફા વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ક્વાર્ટર ફાઇનલ મેચમાં બેલ્જિયમને 2-1થી હરાવીને સ્પેનની ટીમે વર્ષ 2010 પછી પહેલીવાર વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે સેમિફાઇનલના મહામુકાબલામાં સ્પેનની ટક્કર મજબૂત ગણાતી ફ્રાન્સની ટીમ સામે થવાની છે. જોકે, આ બ્લોકબસ્ટર મેચ શરૂ થાય તે પહેલાં જ સ્પેનના 18 વર્ષીય યુવા સ્ટાર ખેલાડી લામિન યામેલે ફ્રાન્સની ટીમને ખુલ્લી ચેતવણી આપીને ફૂટબોલ જગતમાં ગરમાવો લાવી દીધો છે.

યામેલનું સ્પષ્ટ કહેવું છે કે સ્પેનની ટીમ કોઈ પણ વિરોધી ટીમથી ડરતી નથી અને જો કોઈએ ડરવાની જરૂર હોય તો તે ફ્રાન્સ છે. બેલ્જિયમ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 'પ્લેયર ઓફ ધ મેચ' બનેલા યામેલે જણાવ્યું કે, સ્પેન તાજેતરના મોટા મુકાબલાઓમાં ફ્રાન્સને પરાજય આપી ચૂક્યું છે અને આ વખતે પણ ટીમ પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઉતરશે.

અમે અમારો એટેકિંગ અંદાજ નહીં બદલીએ: લામિન યામેલ

ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ફેન્સ સ્પેન અને ફ્રાન્સ વચ્ચેની મેચ જોવા આતુર હતા. આ અંગે વાત કરતા યામેલે કહ્યું,

"અમે આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. મને લાગે છે કે આ સમયે ટૂર્નામેન્ટની બે સૌથી મજબૂત ટીમો સામસામે ટકરાશે."

યામેલે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સ્પેન પોતાની આક્રમક રણનીતિમાં કોઈ ફેરફાર નહીં કરે અને હંમેશની જેમ બોલ પઝેશન પોતાના હાથમાં રાખીને એટેકિંગ ફૂટબોલ રમશે. આ યુવા ખેલાડીએ ઉમેર્યું,

"ફ્રાન્સ એક મજબૂત ટીમ છે, પરંતુ સ્પેન પોતાની ઓળખ નહીં બદલે. અમે એ જ અંદાજમાં રમીશું જે રીતે રમતા આવ્યા છીએ. જો કોઈ ટીમે ડરવાની જરૂર હોય તો તે ફ્રાન્સ છે, કારણ કે અમે તેમને પહેલાં પણ ધૂળ ચટાવી ચૂક્યા છીએ."

યુરો 2024ના સેમિફાઇનલનો આપ્યો ઇતિહાસ, એમ્બાપ્પે વિરુદ્ધ યામેલની ટક્કર

લામિન યામેલે ગયા વર્ષે રમાયેલા યુરો 2024ના સેમિફાઇનલની યાદ અપાવી હતી, જ્યાં સ્પેને ફ્રાન્સને 2-1થી હરાવ્યું હતું. તે મેચમાં માત્ર 16 વર્ષના યામેલે લોંગ-રેન્જથી એક અદભુત ગોલ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. ત્યારબાદ ડેની ઓલ્મોના વિનિંગ ગોલની મદદથી સ્પેને ફાઇનલ જીતીને યુરોપિયન ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.

આ વર્લ્ડ કપમાં સેમિફાઇનલની રસપ્રદ બાબત એ છે કે મેદાન પર લામિન યામેલ અને ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમ્બાપ્પે વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. એમ્બાપ્પે અત્યારે શાનદાર ફોર્મમાં છે, જેણે 5 મેચમાં 8 ગોલ કર્યા છે અને 3 આસિસ્ટ પણ આપ્યા છે. તે હાલમાં લિઓનલ મેસ્સી સાથે સંયુક્ત રીતે 'ગોલ્ડન બૂટ'ની રેસમાં ટોચ પર છે. બીજી તરફ, યામેલ પોતાની તેજ ગતિની ડ્રિબલિંગ અને શાનદાર પાસિંગ વિઝનથી સ્પેનનો સૌથી મહત્ત્વનો ખેલાડી સાબિત થયો છે.

વ્યક્તિગત રેકોર્ડ કરતાં ટીમની જીત વધુ મહત્ત્વની

આ વર્લ્ડ કપમાં યામેલ અત્યાર સુધી માત્ર 1 ગોલ જ કરી શક્યો છે, પરંતુ તેને આ વાતની કોઈ ચિંતા નથી. તેણે કહ્યું, "મેં યુરો કપમાં પણ માત્ર 1 જ ગોલ કર્યો હતો, છતાં અમે ટ્રોફી જીતી હતી. જો ટીમ સતત જીતતી રહે તો હું ખુશ છું, મારા માટે ટીમ પહેલા છે." જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ફ્રાન્સ સામે ફરી એવો જ યાદગાર ગોલ કરવા માંગશે? તો તેણે હસતાં હસતાં કહ્યું, "આશા છે કે એવું ફરી થશે, હું ચોક્કસ પ્રયત્ન કરીશ."

વાતચીતના અંતે યામેલે ફરી એકવાર ફ્રાન્સને આડે હાથ લેતા કહ્યું,

"અમે ફ્રાન્સનું સન્માન કરીએ છીએ પણ તેમનાથી ડરતા નથી. અમે અહીં માત્ર સેમિફાઇનલ રમવા નથી આવ્યા, પરંતુ વર્લ્ડ કપ જીતવા આવ્યા છીએ."