Explainer: BCCI પેન્શન યોજના, જાણો નિવૃત્તિ પછી પણ ભારતીય ક્રિકેટરો કેવી રીતે કરે છે લાખોની કમાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCCI Pansion Scheme: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રહાણેના આ નિર્ણયની સાથે જ ‘ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ’ (BCCI) ની પેન્શન યોજના ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ મેચ રમી છે, જેના કારણે તે BCCI ની સર્વોચ્ચ પેન્શન શ્રેણી માટે પાત્ર બને છે. ભૂતપૂર્વ ખેલાડીએ કેટલી મેચ રમી છે, એને આધારે BCCI દર મહિને ચોક્કસ રકમ પેન્શન તરીકે આપે છે. ચાલો સમજીએ કે આ યોજના કેવી રીતે કાર્ય કરે છે અને કયા ખેલાડીને કેટલો લાભ મળે છે.
BCCI પેન્શન યોજના હેઠળની વિવિધ શ્રેણીઓ
1 જૂન, 2022 ના રોજ સુધારેલા નિયમો મુજબ, હાલ દર મહિને મુખ્ય 5 શ્રેણીમાં પેન્શન ચૂકવવામાં આવે છે.
- ₹70,000: 25 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનારા ભૂતપૂર્વ પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો.
- ₹60,000: 25 થી ઓછી ટેસ્ટ મેચ રમનારા ભૂતપૂર્વ પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો.
- ₹52,500: ભૂતપૂર્વ ભારતીય મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો (તેમના માટે ટેસ્ટ મેચ રમવી ફરજિયાત નથી).
- ₹45,000: 2003 પહેલાં નિવૃત્ત થયેલા લાયક ફર્સ્ટ-ક્લાસ (સ્થાનિક) ક્રિકેટરો.
- ₹30,000: અન્ય તમામ લાયક ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટરો.
માત્ર આંતરરાષ્ટ્રીય જ નહીં, ફર્સ્ટ-ક્લાસ ખેલાડીઓને પણ લાભ
ઘણા લોકોને લાગે છે કે આ યોજના માત્ર દેશ માટે રમતા સ્ટાર ખેલાડીઓ માટે જ છે, પરંતુ એવું નથી.
- સ્થાનિક (ફર્સ્ટ-ક્લાસ) ક્રિકેટમાં વર્ષો સુધી યોગદાન આપનારા ખેલાડીઓને પણ નાણાકીય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. જો કોઈ પુરુષ ખેલાડી ટેસ્ટ મેચ ન રમી શક્યો હોય, પણ તેણે ઓછામાં ઓછી 25 ફર્સ્ટ-ક્લાસ (સ્થાનિક) મેચ રમી હોય, તો તેને તેના આધારે દર મહિને ₹30,000 થી ₹45,000 સુધીનું પેન્શન મળી શકે છે.
- ફક્ત ODI અને T20 રમનાર ખેલાડીને પેન્શન મળતું નથી.
તબીબી સહાય અને પરિવાર માટે સુરક્ષા
- ₹10 લાખની મેડિકલ સહાય: નિવૃત્ત આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક ખેલાડીઓ, જેમણે ઓછામાં ઓછી 10 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હોય, તેમને ₹10 લાખ સુધીની તબીબી ખર્ચની ભરપાઈ (Medical Reimbursement) મળી શકે છે.
- પરિવાર માટે આર્થિક છત્ર: જો કોઈ પેન્શનર ખેલાડીનું અવસાન થાય તો આ યોજના હેઠળ તેમની પત્નીને નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે.
પેન્શન ક્યારે બંધ કે સસ્પેન્ડ થઈ શકે?
સક્રિય ક્રિકેટમાં વાપસી: જો કોઈ ખેલાડી નિવૃત્તિ પાછી ખેંચીને ફરીથી પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કરે તો તેનું પેન્શન અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવે છે.
- BCCI માં પગારદાર પદ: જો કોઈ ભૂતપૂર્વ ખેલાડી BCCI અથવા કોઈ રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં કોચ, સિલેક્ટર કે વહીવટકર્તા જેવા પદ પર પગાર મેળવવાનું શરૂ કરે તો તે સમયગાળા દરમિયાન પેન્શન ચૂકવણી બંધ રહે છે. પદ છોડ્યા પછી પેન્શન પુનઃ શરૂ થાય છે.
પેન્શન યોજનાનો ઇતિહાસ
BCCI એ વર્ષ 2004 માં આ પેન્શન સ્કીમ શરૂ કરી હતી. શરૂઆતમાં માત્ર 174 ભૂતપૂર્વ ખેલાડીઓ અને ઓફિશિયલ્સને દર મહિને ₹5,000 આપવામાં આવતા હતા. સમય જતાં માપદંડો વધારવામાં આવ્યા અને પેન્શનની રકમમાં પણ સુધારાઓ કરવામાં આવ્યા. છેલ્લો સૌથી મોટો સુધારો 1 જૂન, 2022 ના રોજ કરવામાં આવ્યો હતો, જેના આધારે હાલની વ્યવસ્થા અમલમાં છે.
અન્ય દેશો ખેલાડીઓને આર્થિક સહાય કરે છે?
ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશનું ક્રિકેટ બોર્ડ તેમના ભૂતપૂર્વ ખેલાડીઓને માસિક પેન્શન આપે છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને સીધું આજીવન માસિક પેન્શન આપવાને બદલે 'Retirement Fund / Provident Fund / Player Trust' મોડેલ પર કામ કરે છે, જેમાં ખેલાડી રમતો હોય ત્યારે ફંડ જમા થાય છે અને તે રકમ નિવૃત્તિ સમયે એકસાથે (Lump Sum) અથવા વાર્ષિક હપ્તામાં આપવામાં આવે છે.









