Sports

ટ્રમ્પના ફોન અને ફિફાના નિયમો પણ અમેરિકાને ન બચાવી શક્યા! જીત બાદ બેલ્જિયમે ઉડાવી મજાક

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 16માં બેલ્જિયમે યજમાન અમેરિકાને 4-1થી હરાવી બહાર કર્યું. અમેરિકાના સ્ટ્રાઈકર બાલોગુન પરનો પ્રતિબંધ રાજકીય દબાણથી હટાવાયો હતો. મેચ જીત્યા બાદ બેલ્જિયમ ટીમે "Overturn this" કેપ્શન સાથે લુકાકુનો ફોટો શેર કરી ફિફા અને અમેરિકાની રાજકીય સિસ્ટમ પર કટાક્ષ કર્યો. આ જીતને બેલ્જિયમ ટીમે "ન્યાય" ગણાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના ફોન અને ફિફાના નિયમો પણ અમેરિકાને ન બચાવી શક્યા! જીત બાદ બેલ્જિયમે ઉડાવી મજાક

USA-Belgium Controversy: ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં સોમવારે રાત્રે બેલ્જિયમે યજમાન અમેરિકાને 4-1થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. જોકે, આ મેચ બાદ મેદાનની બહાર એક મોટો સોશિયલ મીડિયા વિવાદ શરૂ થઈ ગયો છે. અમેરિકાને હરાવ્યાની થોડી જ મિનિટો બાદ બેલ્જિયમ ટીમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિફા અને અમેરિકાની રાજકીય સિસ્ટમ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
બેલ્જિયમની ટીમે સ્ટોપેજ ટાઈમમાં ચોથો નિર્ણાયક ગોલ કર્યા પછી અમેરિકાના ચાહકોને શાંત રહેવાનો ઈશારો કરતા દિગ્ગજ સ્ટ્રાઈકર રોમેલુ લુકાકુનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો સાથે તેણે માત્ર બે શબ્દોનું કડક કેપ્શન લખ્યું: "Overturn this". આ પોસ્ટ સીધી રીતે એ વિવાદની મજાક ઉડાવતી હતી જે મેચ પહેલાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

શું હતો સમગ્ર વિવાદ?

અમેરિકાના સ્ટ્રાઈકર ફોલારિન બાલોગુનને બોસ્નિયા અને હર્ઝેગોવિના સામેની છેલ્લી ગ્રુપ મેચમાં સીધું રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું, જેના કારણે નિયમ મુજબ તેના પર 1 મેચનો ઓટોમેટિક પ્રતિબંધ લાગી ગયો હતો.

જોકે, વોશિંગ્ટન તરફથી કરવામાં આવેલા ભારે રાજકીય દબાણ અને લોબિંગ બાદ, ફિફાની સ્વતંત્ર ડિસિપ્લિનરી કમિટીએ મેચની આગલી રાત્રે જ વિવાદાસ્પદ રીતે આ પ્રતિબંધ હટાવી દીધો હતો અને બાલોગુનને બેલ્જિયમ સામે રમવાની મંજૂરી આપી હતી. ફિફાના આ નિર્ણયથી બેલ્જિયમની ટીમ ખૂબ જ નારાજ થઈ હતી અને તેણે આરોપ લગાવ્યો હતો કે ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા રાજકીય દબાણ સામે ઝૂકી ગઈ છે.

મેચ જીત્યા બાદ બેલ્જિયમના મિડફિલ્ડર નિકોલસ રાસ્કિને મીડિયા સાથે વાતચીત કરતા પોતાનો ગુસ્સો અને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેણે જણાવ્યું કે, જિંદગીમાં હંમેશાં ન્યાય થાય જ છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરી લો, પણ ફિફાનો એ નિર્ણય બિલકુલ યોગ્ય નહોતો. તેણે ઉમેર્યું કે આજે ન્યાય થયો છે અને આ જીતથી આખો મેસેજ સ્પષ્ટ થઈ ગયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ રીતે કર્યો હતો પોતાનો બચાવ

આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ સ્પોર્ટ્સ વિવાદમાં હસ્તક્ષેપ કર્યો. ટ્રમ્પે રેફરીના નિર્ણયની ફરિયાદ કરવા માટે ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો સાથે 3 વાર ફોન પર વાતચીત કરી હતી અને રેડ કાર્ડના નિર્ણયને શંકાસ્પદ ગણાવ્યો હતો.

ઓવલ ઓફિસમાંથી પોતાના આ પગલાનો બચાવ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, તેમણે માત્ર આ નિર્ણયના રિવ્યુ માટે પૂછ્યું હતું કારણ કે તેમને લાગતું નહોતું કે તે કોઈ ફાઉલ હતો. તેમણે ફિફા ચીફને શું કરવું તેવું કોઈ દબાણ કર્યું નહોતું. જોકે, જ્યારે ફિફાએ બાલોગુનને રમવાની ક્લીન ચિટ આપી, ત્યારે ટ્રમ્પે સત્તાવાર નિવેદન જાહેર કરીને ફિફાનો આભાર માન્યો હતો અને તેમને મહા અન્યાય સામે ન્યાય ગણાવ્યો હતો.

મેદાન પર રાજકારણ કામ ન આવ્યું

ફિફા અને ઇન્ફેન્ટિનોને ટૂર્નામેન્ટની વિશ્વસનીયતા સાથે સમાધાન કરવા બદલ યુરોપિયન ફૂટબોલ એસોસિએશનો તરફથી ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાના બચાવમાં ફિફાએ ડિસિપ્લિનરી કોડની કલમ 27નો હવાલો આપ્યો હતો, જે અસાધારણ સંજોગોમાં પ્રતિબંધ સ્થગિત કરવાની મંજૂરી આપે છે.

જોકે, આ તમામ રાજકીય દાવપેચ અમેરિકાને મેદાન પર બચાવી શક્યા નહીં. બેલ્જિયમે આખી મેચમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું, જેમાં ચાર્લ્સ ડી કેટેલેરેએ 2 ગોલ કર્યા હતા, જ્યારે હાન્સ વાનાકેને અમેરિકાની ડિફેન્સની ભૂલનો ફાયદો ઉઠાવી ગોલ કર્યો હતો અને અંતે લુકાકુએ 4-1થી જીત પાકી કરી દીધી હતી. બીજી તરફ, આટલા વિવાદ બાદ ટીમમાં સામેલ થયેલો બાલોગુન બેલ્જિયમના ડિફેન્સ સામે સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો અને 1 પણ ગોલ કરી શક્યો નહીં.