Sports

વન-ડે સિરીઝમાં ઇંગ્લેન્ડની વાપસી, જો રૂટની અણનમ 99 રનની ઇનિંગ, ભારતનો 4 વિકેટે પરાજય

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
સોફિયા ગાર્ડન્સ ખાતે ઇંગ્લેન્ડે ભારતને બીજી વન-ડેમાં 4 વિકેટે હરાવી સિરીઝ 1-1થી બરાબર કરી. જો રૂટના અણનમ 99 રન અને આર્ચર-એટકિન્સનની 3-3 વિકેટની મદદથી ઇંગ્લેન્ડે 234 રનનો લક્ષ્યાંક પાર પાડ્યો. ભારતે કોહલી (65) અને અય્યર (66)ની અડધી સદી છતાં 233 રન જ કર્યા. હવે લોર્ડ્સમાં નિર્ણાયક મુકાબલો રમાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વન-ડે સિરીઝમાં ઇંગ્લેન્ડની વાપસી, જો રૂટની અણનમ 99 રનની ઇનિંગ, ભારતનો 4 વિકેટે પરાજય

Ind vs Eng 2nd ODI : અનુભવી બેટ્સમેન જો રૂટની અણનમ 99 રનની શાનદાર ઇનિંગના દમ પર ઇંગ્લેન્ડે બીજી વન-ડે મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું છે. સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં જો રૂટ ભારતીય બોલરો સામે એક મજબૂત દીવાલ બનીને ઊભો રહ્યો હતો અને અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો હતો. આ વિજય સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં 1-1 ની બરાબરી કરી લીધી છે. હવે સિરીઝની ટ્રોફી કોણ જીતશે તેનો નિર્ણાયક ફેંસલો રવિવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી અંતિમ વન-ડેમાં થશે.

કોહલી-અય્યરની લડત છતાં ભારતીય ટીમ 233 રનમાં સમેટાઈ
આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર (66 રન) અને વિરાટ કોહલી (65 રન) એ શાનદાર અડધી સદીઓ ફટકારીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો અને પૂરી ભારતીય ટીમ 44 ઓવરમાં માત્ર 233 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અંતિમ ઓવરોમાં જસપ્રીત બુમરાહે કેટલાક આકર્ષક શોટ્સ રમીને અણનમ 20 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને ગસ એટકિન્સને ધારદાર બોલિંગ પ્રદર્શન કરીને 3-3 વિકેટ ઝડપી હતી.

મુશ્કેલ સમયમાં રૂટે મોરચો સંભાળ્યો
234 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત પણ ઘણી નબળી રહી હતી અને તેમણે માત્ર 53 રનમાં જ પોતાની 3 મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી. આવા કપરા સમયે જો રૂટે એક છેડો સાચવી રાખ્યો અને અત્યંત ધૈર્યપૂર્વક બેટિંગ કરીને ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી. રૂટને મિડલ ઓર્ડરમાં વિલ જેક્સ (30), સેમ કરન (26) અને અંતમાં ગસ એટકિન્સન (અણનમ 23) નો સારો સાથ મળ્યો હતો.

સદીથી વંચિત રહ્યો પણ ટીમની જીતને પ્રાથમિકતા આપી
જો રૂટ પોતાની વન-ડે કરિયરની 21મી સદીથી માત્ર એક જ રન દૂર રહી ગયો હતો અને 99 રને અણનમ પરત ફર્યો હતો. જોકે, તેણે પોતાના વ્યક્તિગત રેકોર્ડ કરતાં ટીમની જીતને વધુ મહત્વ આપ્યું હતું. આ મેચમાં ઇંગ્લેન્ડે 35 બોલ બાકી રાખીને જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. નોંધનીય છે કે, જો રૂટનો વન-ડે કરિયરમાં આ સતત પાંચમો 50+ સ્કોર છે અને તેની ઓવરઓલ કરિયરનો 67મો પચાસથી વધુનો સ્કોર છે. હવે રવિવારે રમાનારી લોર્ડ્સ વન-ડે પર તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે.