Sports

દિગ્વેશ રાઠીનો ક્રિકેટના મેદાનમાં ફરી પંગો, પ્રિયાંશને આઉટ કર્યા બાદ પાછળ દોડી કર્યું નોટબૂક સેલિબ્રેશન

By GS Team
17 Aug 20264 mins read
TukuTouch Logo
દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં લખનૌના સ્પિનર દિગ્વેશ રાઠીએ ફરી વિવાદાસ્પદ 'નોટબુક સેલિબ્રેશન' કર્યું. પુરાની દિલ્હી 6 અને આઉટર દિલ્હી વોરિયર્સ વચ્ચેની મેચમાં પ્રિયાંશ આર્યને આઉટ કર્યા બાદ દિગ્વેશ તેની પાછળ દોડીને આક્રમક રીતે ઉજવણી કરી હતી. અગાઉ IPL 2025માં પણ આ જ કારણસર તેના પર દંડ અને પ્રતિબંધ મુકાયો હતો. DPL પ્રશાસન કડક પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

દિગ્વેશ રાઠીનો ક્રિકેટના મેદાનમાં ફરી પંગો, પ્રિયાંશને આઉટ કર્યા બાદ પાછળ દોડી કર્યું નોટબૂક સેલિબ્રેશન

Fiery Send-off Sparks Massive Controversy: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમતો સ્પિનર દિગ્વેશ રાઠી ફરી એક વખત પોતાના વિવાદાસ્પદ ‘નોટબુક સેલિબ્રેશન’ને લઈને ભારે ચર્ચામાં આવ્યો છે. દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં પુરાની દિલ્હી 6 અને આઉટર દિલ્હી વોરિયર્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં દિગ્વેશે પ્રિયાંશ આર્યને આઉટ કર્યા બાદ એ જ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું, જેના કારણે ભૂતકાળમાં IPL 2025 દરમિયાન તેના પર દંડ તેમજ પ્રતિબંધ સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ વખતે મામલો વધુ ચર્ચાસ્પદ એટલા માટે બન્યો કારણ કે દિગ્વેશે વિકેટ લીધા બાદ પોતાની ટીમના ખેલાડીઓ સાથે ઉજવણી કરવાને બદલે પેવેલિયન તરફ પરત ફરી રહેલા બેટ્સમેન પ્રિયાંશ આર્યની પાછળ દોટ લગાવી હતી અને તેની એકદમ નજીક પહોંચીને પોતાનું ટ્રેડમાર્ક 'નોટબુક સેલિબ્રેશન' દર્શાવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે DPL પ્રશાસન તેના આ વર્તન સામે કોઈ કડક શિસ્તભંગનાં પગલાં લે છે કે નહીં.

IPLમાં પણ બંને વચ્ચે સર્જાયો હતો વિવાદ

દિગ્વેશ રાઠી અને પ્રિયાંશ આર્ય વચ્ચે આ પ્રકારના સેલિબ્રેશનનો જૂનો ઇતિહાસ રહેલો છે. IPL 2025 દરમિયાન પણ દિગ્વેશે બેટ્સમેનોને આઉટ કર્યા બાદ તેમની ખૂબ નજીક જઈને નોટબુક સેલિબ્રેશન કર્યું હતું. પ્રિયાંશ તેમજ અન્ય બેટ્સમેનો સાથે પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. ખેલાડીઓની એકદમ નજીક જઈને આક્રમક રીતે 'સેન્ડ-ઓફ' આપવાના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા દિગ્વેશ રાઠી સામે શિસ્તભંગના નિયમો હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના પર મેચ ફી કાપવા ઉપરાંત એક મેચનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ બાદ તેણે જમીન પર લખીને ઉજવણી કરવાની નવી રીત અપનાવી હતી, પરંતુ DPLમાં તેનો આ જૂનો આક્રમક અંદાજ ફરી સામે આવ્યો છે.

મેચમાં કેવી રીતે પલટાયો રોમાંચ?

અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં આઉટર દિલ્હી વોરિયર્સના ઓપનર્સ પ્રિયાંશ આર્ય અને યાજસ શર્માએ શરૂઆતથી જ પુરાની દિલ્હી 6ના બોલરો પર આક્રમણ કર્યું હતું. બંને બેટ્સમેનોએ પાવરપ્લેમાં તોફાની બેટિંગ કરી પ્રથમ વિકેટ માટે વિના વિકેટે 120 રનની મજબૂત ભાગીદારી નોંધાવી દીધી હતી.

આ સ્થિતિમાં પુરાની દિલ્હી 6ના કેપ્ટન અનુજ રાવતે 10મી ઓવરમાં બોલિંગની કમાન દિગ્વેશ રાઠીને સોંપી હતી. દિગ્વેશે પોતાના પહેલા જ બોલ પર મેચનું પાસું પલટવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઑફ-સ્ટમ્પ બહાર બેક-ઓફ-લેન્થ ડિલિવરી ફેંકી, જેના પર પ્રિયાંશ મોટો શોટ રમવા ગયો પરંતુ બોલ યોગ્ય રીતે કનેક્ટ ન થયો અને લોંગ-ઓન પર રોહન રાઠીએ સરળ કેચ ઝડપી લીધો હતો. પ્રિયાંશ 21 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગાની મદદથી 30 રન બનાવી આઉટ થયો હતો. આ વિકેટ પડતાં જ દિગ્વેશે પ્રિયાંશ તરફ દોડીને નોટબુક સેલિબ્રેશન કર્યું હતું.

દિગ્વેશે 25 રનમાં ઝડપી 3 વિકેટ

પ્રિયાંશને આઉટ કર્યા બાદ દિગ્વેશ આટલેથી જ અટક્યો નહોતો. એ જ ઓવરમાં બે બોલ બાદ તેણે વિસ્ફોટક બેટિંગ કરી રહેલા યાજસ શર્માને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. યાજસ શર્માએ માત્ર 36 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને ઝંઝાવાતી 86 રન બનાવ્યા હતા. દિગ્વેશે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર 1 રન આપીને 2 મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. ત્યાર બાદ તેમણે વિકેટકીપર ધ્રુવ સિંહને પણ આઉટ કર્યો હતો. દિગ્વેશે પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 25 રન આપીને કુલ 3 વિકેટ પોતાના નામે કરી હતી.

આઉટર દિલ્હી વોરિયર્સનો 21 રને વિજય

શરૂઆતી ઝટકા બાદ પણ આઉટર દિલ્હી વોરિયર્સે અક્ષય સૈની (23 બોલમાં અણનમ 49 રન) અને હર્ષ ત્યાગી (15 બોલમાં 32 રન)ની આક્રમક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 219 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.

220 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પુરાની દિલ્હી 6 ટીમને આર્યન ગૌડ અને સમર્થ સેઠે તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ 8.4 ઓવરમાં 104 રન જોડી દીધા હતા. જેમાં સમર્થ સેઠે 24 બોલમાં 42 રન અને આર્યન ગૌડે 37 બોલમાં 65 રન ફટકાર્યા હતા. જોકે, મિડલ ઓવર્સમાં નિયમિત અંતરે વિકેટો પડતાં રનચેઝ ધીમો પડી ગયો હતો. આઉટર દિલ્હી તરફથી અમન ચૌધરીએ 4 વિકેટ અને હર્ષ ત્યાગીએ 3 વિકેટ ઝડપીને પુરાની દિલ્હીને 20 ઓવરમાં 198 રન પર રોકી દીધી હતી. પરિણામે, આઉટર દિલ્હી વોરિયર્સે આ હાઇ-સ્કોરિંગ મેચ 21 રને જીતી લીધી હતી અને આ વિજય સાથે ટીમ 11 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. જોકે, મેચના પરિણામ કરતાં દિગ્વેશ રાઠીનું આ વિવાદાસ્પદ સેલિબ્રેશન ફરી ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યું છે.