Sports

ધોનીનો વર્ષો જૂનો કીર્તિમાન ધ્વસ્ત! કોલંબો ટેસ્ટમાં રિષભ પંતે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

By GS Team
24 Aug 20263 mins read
TukuTouch Logo
કોલંબોના સિંહલી સ્પોર્ટ્સ ક્લબમાં ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટના બીજા દિવસે રિષભ પંતે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેણે વિદેશી ધરતી પર વિકેટકીપર તરીકે 2496 રનનો MS ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ભારતે 9 વિકેટે 503 રન બનાવી દાવ ડિક્લેર કર્યો, જેમાં પડિક્કલ (117), જુરેલ (115*) અને પંત (63)ના યોગદાનથી મજબૂત પકડ જાળવી રાખી.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોનીનો વર્ષો જૂનો કીર્તિમાન ધ્વસ્ત! કોલંબો ટેસ્ટમાં રિષભ પંતે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

Rishabh Pant Breaks MS Dhoni Test Record : ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલી સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે, જેમાં ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે આજે ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.

વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

રિષભ પંત (Rishabh Pant) વિદેશી ધરતી પર ભારત તરફથી વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)નો 2496 રનનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જ્યારે આ યાદીમાં 1209 રન સાથે ફારુખ એન્જિનિયર ત્રીજા ક્રમે છે. આજે ટેસ્ટના બીજા દિવસે સારાંશ જૈન પેવેલિયન પરત ફર્યા બાદ પંત ફરીથી બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે પંત ઈજાગ્રસ્ત થયા બાદ મેદાન છોડીને બહાર ગયો હતો.

પ્રથમ દિવસે ઈજા અને વાપસી

ભારતીય ઇનિંગ્સની 58મી ઓવરમાં લાહિરુ કુમારાનો બોલ સીધો પંતના કાંડા પર વાગ્યો હતો, જેના કારણે ભારે પીડા થતાં પ્રાથમિક સારવાર બાદ પંતને બહાર જવું પડ્યું હતું. અગાઉ પ્રથમ ટેસ્ટમાં બેટથી મોટો સ્કોર ન કરી શકવાને લીધે તેના ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ બીજી ટેસ્ટમાં ટોસ જીત્યા બાદ ભારતે મજબૂત પકડ જાળવી રાખી છે.

ભારતીય બેટર્સનું શાનદાર પ્રદર્શન: પડિક્કલ અને જુરેલની સદી

ભારતીય ટીમે પ્રથમ દાવમાં 138 ઓવરમાં 9 વિકેટે 503 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. ટીમ માટે દેવદત્ત પડિક્કલે સૌથી વધુ 193 બોલમાં 12 ફોર સાથે 117 રન બનાવ્યા હતા, જે તેમની ટેસ્ટ કારકિર્દીની સતત બીજી સદી છે. ધ્રુવ જુરેલે ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારતાં 177 બોલમાં 9 ફોર અને 2 સિક્સ સાથે અણનમ 115 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન શુભમન ગિલે 108 બોલમાં 6 ફોરની મદદથી 50 રન જોડ્યા હતા. પહેલા દિવસે રિટાયર્ડ હર્ટ થયા બાદ ફરી બેટિંગમાં આવેલા રિષભ પંતે ધ્રુવ જુરેલ સાથે સાતમી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી હતી અને 89 બોલમાં 6 ફોર તેમજ 2 સિક્સ સાથે 63 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસવાલે 53 બોલમાં 45 રન, કેએલ રાહુલે 33 બોલમાં 18 રન, રવિન્દ્ર જાડેજાએ 83 બોલમાં 43 રન, સારાંશ જૈને 8 બોલમાં 6 રન, માનવ સુથારે 51 બોલમાં 18 રન, મોહમ્મદ સિરાજે 29 બોલમાં 3 રન અને પ્રસિદ્ધ કૃષ્ણાએ અણનમ 4 રનનું યોગદાન આપ્યું હતું.

શ્રીલંકાના બોલરોનો સંઘર્ષ: અસિથા ફર્નાન્ડોની 4 વિકેટ

શ્રીલંકાના બોલરો માટે ભારતીય બેટિંગ લાઇન-અપ સામેનો મુકાબલો ઘણો પડકારજનક રહ્યો હતો. શ્રીલંકા તરફથી ઝડપી બોલર અસિથા ફર્નાન્ડો સૌથી સફળ રહ્યા હતા, જેમણે 29 ઓવરમાં 106 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. સ્પિનર પ્રભાત જયસૂર્યાએ 42 ઓવરમાં 132 રન આપીને 2 વિકેટ અને કેશરા નુવાન્થાએ 38 ઓવરમાં 154 રન આપીને 2 વિકેટ મેળવી હતી. જ્યારે લહિરુ કુમારાએ 20 ઓવરમાં 68 રન આપીને 1 વિકેટ લીધી હતી. અન્ય બોલરોમાં સોનલ દિનુષાએ 3 ઓવરમાં 8 રન, કામિલ મિશારાએ 4 ઓવરમાં 16 રન અને કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 2 ઓવરમાં 8 રન આપ્યા હતા, પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી.