Sports

ક્રિકેટ જગતને ઝટકો: મેચ રમતી વખતે હાર્ટ એટેક આવતાં પૂર્વ રણજી પ્લેયર અક્ષયનું 39 વર્ષની વયે નિધન

By GS Team
25 May 20262 mins read
TukuTouch Logo
ભારતીય સ્થાનિક (ડોમેસ્ટિક) ક્રિકેટ જગતમાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર એસ.એલ. અક્ષયનું (SL Akshay) રવિવારે એક ક્લબ મેચ રમવા દરમિયાન હાર્ટ એટેક આવવાને કારણે અવસાન થયું છે. તે માત્ર 39 વર્ષનો હતો. અક્ષય બેંગલુરુમાં કેએસસીએ (KSCA) થર્ડ ડિવિઝન લીગ મેચમાં સેફાયર સીસી (Sapphire CC) ટીમ તરફથી રમી રહ્યો હતો જે દરમિયાન આ ગંભીર ઘટના ઘટી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિકેટ જગતને ઝટકો: મેચ રમતી વખતે હાર્ટ એટેક આવતાં પૂર્વ રણજી પ્લેયર અક્ષયનું 39 વર્ષની વયે નિધન

Cricketer SL Akshay Passes Away : ભારતીય સ્થાનિક (ડોમેસ્ટિક) ક્રિકેટ જગતમાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર એસ.એલ. અક્ષયનું (SL Akshay) રવિવારે એક ક્લબ મેચ રમવા દરમિયાન હાર્ટ એટેક આવવાને કારણે અવસાન થયું છે. તે માત્ર 39 વર્ષનો હતો. અક્ષય બેંગલુરુમાં કેએસસીએ (KSCA) થર્ડ ડિવિઝન લીગ મેચમાં સેફાયર સીસી (Sapphire CC) ટીમ તરફથી રમી રહ્યો હતો જે દરમિયાન આ ગંભીર ઘટના ઘટી હતી.


ચાર ઓવર બોલિંગ કર્યા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો

મળતી માહિતી મુજબ, મેચ દરમિયાન એસ.એલ. અક્ષયે પોતાની ટીમ માટે 4 ઓવર બોલિંગ કરી હતી. પરંતુ ત્યાર બાદ અચાનક જ તેને અસ્વસ્થતા અને છાતીમાં તીવ્ર દુખાવો મહેસૂસ થયો હતો. તબિયત બગડતાં તે તરત જ મેદાનની બહાર જતો રહ્યો હતો. સ્થિતિ ગંભીર જણાતાં તેને વિલંબ કર્યા વિના નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોની તમામ કોશિશ છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો.

રણજી ચેમ્પિયન ટીમનો હિસ્સો હતો અક્ષય

એસ.એલ. અક્ષય કર્ણાટકની એ મજબૂત ટીમનો ભાગ રહ્યો હતો જેણે 2014-15ની સીઝનમાં પ્રતિષ્ઠિત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ઘરેલું ક્રિકેટમાં તેમણે પોતાની ધારદાર ફાસ્ટ બોલિંગથી એક અલગ ઓળખ બનાવી હતી. 2011થી 2013 દરમિયાન તેણે કર્ણાટક માટે 6 ફર્સ્ટ ક્લાસ, 3 લિસ્ટ-એ અને 9 ટી20 મુકાબલા રમ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 18 વિકેટ ઝડપી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેઓ કોચિંગ ક્ષેત્રે સક્રિય હતા અને કર્ણાટકની અન્ડર-19 (U-19) ટીમ સાથે જોડાઈને યુવા ખેલાડીઓને તૈયાર કરવાનું મહત્વનું કામ કરી રહ્યા હતા.

ક્રિકેટ એસોસિએશને વ્યક્ત કરી સંવેદના

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને (KSCA) અક્ષયના અકાળે અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. એસોસિએશને પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, અક્ષયે એક ખેલાડી અને કોચ બંને તરીકે કર્ણાટક ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને યુવા ક્રિકેટરોના વિકાસમાં તેમની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ દેશના અનેક ક્રિકેટરો અને રમતપ્રેમીઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.