IND vs NZ: વેલિંગ્ટનમાં ટીમ ઇન્ડિયાનું તોફાન, માત્ર 5 ઓવરમાં 100 રન ફટકારી રચ્યો વર્લ્ડ રેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Vs New Zealand, T20 World Record : વેલિંગ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતીય ટીમે નવો ઇતિહાસ રચી દીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. આ મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે બેટિંગ ક્રમમાં મોટો ફેરફાર કરીને અભિષેક શર્મા સાથે વૈભવ સૂર્યવંશીને ઓપનિંગમાં મોકલ્યા હતા. મેદાન પર આવતાની સાથે જ આ બંને બેટ્સમેનોએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને મેચમાં નવા કીર્તિમાનો સ્થાપિત કરી દીધા હતા.
સૌથી ઝડપી 100 રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય ટીમે આક્રમક બેટિંગના દમ પર માત્ર 5 ઓવરમાં 100 રન પૂરા કરી લીધા હતા. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી ઝડપી 100 રન બનાવવાનો આ નવો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા આ વૈશ્વિક રેકોર્ડ રોમાનિયાની ટીમના નામે હતો, જેમણે 2021માં સર્બિયા સામે 5.2 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. જ્યારે ક્રિકેટ જગતના મુખ્ય પૂર્ણ સભ્ય દેશોમાં આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે નોંધાયેલો હતો, જેમણે 2023માં ઓસ્ટ્રેલિયા સામે 5.3 ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
પાવરપ્લેમાં મોટો સ્કોર અને યુવરાજ સિંહનો રેકોર્ડ
આ વિસ્ફોટક શરૂઆત સાથે ભારતે પાવરપ્લેમાં પણ સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જોકે તોફાની બેટિંગ કરી રહેલો યુવા બેટ્સમેન અભિષેક શર્મા પોતાના ગુરુ યુવરાજ સિંહનો મોટો રેકોર્ડ તોડવાથી સહેજ માટે ચૂકી ગયો હતો. આ સાથે જ તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડવામાં પણ થોડા રનથી પાછળ રહી ગયો હતો.




