Sports

55 વર્ષમાં વન-ડે ક્રિકેટમાં થયેલા ફેરફારો, જાણો 5000 મેચની સફરમાં સચિન, કોહલી અને રોહિતના મહા રેકોર્ડ્સ

By GS Team
9 Aug 20265 mins read
TukuTouch Logo
પુરુષોનું વન-ડે ક્રિકેટ 55 વર્ષની ઐતિહાસિક સફર પૂર્ણ કરી 5000 મેચોનો આંકડો વટાવી ગયું છે. આ સિદ્ધિ મેળવનારું તે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફોર્મેટ બન્યું છે. 7 માર્ચ, 2025ના રોજ સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે રમાયેલી મેચ સાથે વન-ડે ક્રિકેટે આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું. જાન્યુઆરી 1971માં પ્રથમ મેચ રમાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

55 વર્ષમાં વન-ડે ક્રિકેટમાં થયેલા ફેરફારો, જાણો 5000 મેચની સફરમાં સચિન, કોહલી અને રોહિતના મહા રેકોર્ડ્સ
AI તસવીર

5000 ODI Cricket Match: 55 વર્ષની ઐતિહાસિક અને રોમાંચક સફર પૂર્ણ કરીને પુરુષોનું વન-ડે (ODI) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ 5000 મેચોનો આંકડો વટાવી ગયું છે. આ સિદ્ધિ મેળવનારું તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પ્રથમ ફોર્મેટ બન્યું છે. સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે 7 માર્ચ, 2025 ના રોજ રમાયેલી મેચ સાથે વન-ડે ક્રિકેટે આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું. જાન્યુઆરી 1971માં રમાયેલી પ્રથમ વન-ડે મેચથી શરૂ થયેલું આ ફોર્મેટ સમયની સાથે સતત બદલાતું રહ્યું છે. ટી20 ક્રિકેટના આગમન બાદ ઘણાં પૂર્વ ખેલાડીઓએ વન-ડે ફોર્મેટના અસ્તિત્વ પર સવાલો ઉઠાવ્યા અને તેને 'કંટાળાજનક' ગણાવીને બંધ કરવાની સલાહ પણ આપી. પરંતુ તમામ ટીકાઓ અને પડકારોને પાર કરીને વન-ડે ક્રિકેટે ચાહકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન જાળવી રાખ્યું છે.

5000 મેચોની રસપ્રદ ટાઇમલાઇન: 24 વર્ષથી લઈને 3065 દિવસ સુધી

જો વન-ડે ક્રિકેટની 5000 મેચોને 1000-1000 મેચોના પાંચ તબક્કામાં વહેંચવામાં આવે, તો ક્રિકેટના બદલાતા યુગનું નીચે મુજબનું ચિત્ર સામે આવે છે.

  • પ્રથમ 1000 મેચો (1971-1995): વન-ડે ક્રિકેટની સ્થાપના બાદ પ્રથમ 1000 મેચો રમવામાં 24 વર્ષ લાગ્યા હતા. આ તબક્કાની 1000મી મેચ 1995માં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નોટિંગહામ ખાતે રમાઈ હતી.
  • બીજી 1000 મેચો (1995-2003): રમતની વૈશ્વિક લોકપ્રિયતા વધી અને બીજી 1000 મેચો માત્ર 8 વર્ષમાં પૂર્ણ થઈ ગઈ.
  • ટી20 ના આગમન છતાં ODI અડીખમ રહીઃ ત્રીજી 1000 મેચો વર્ષ 2003 થી 2010 દરમિયાન રમાઈ હતી. ટી20 ક્રિકેટના આગમન છતાં વન-ડે મેચો ઘટી નહોતી. વર્ષ 2007માં તો રેકોર્ડ 191 વન-ડે રમાઈ હતી, જેનો રેકોર્ડ આગળ જતાં
  • 2023ના ભારત ખાતે યોજાયેલા વર્લ્ડ કપના વર્ષમાં 218 મેચો સાથે તૂટ્યો હતો.
  • ચોથી 1000 મેચો: વર્ષ 2010 થી 2018 દરમિયાન રમાઈ હતી.
  • પાંચમી 1000 મેચો: છેલ્લી 1000 મેચો પૂર્ણ થવામાં 3065 દિવસનો સમય લાગ્યો. કોવિડ-19 મહામારી દરમિયાન આવેલો વિરામ, વિશ્વભરમાં ટી20 ફ્રેન્ચાઇઝી લીગની વધતી સંખ્યા અને દ્વિપક્ષીય સીરિઝ ટૂંકી કરવાના નિર્ણયને કારણે હવે વન-ડે મેચો રમાવાની ઝડપ ધીમી પડી છે.

પાવરહિટીંગનો નવો યુગ

આધુનિક વન-ડે ક્રિકેટમાં બેટ્સમેનોનો દબદબો અને આક્રમકતા નોંધપાત્ર રીતે વધી છે. છેલ્લી 1000 મેચોમાં મોટા સ્કોર બનાવવાની ક્ષમતામાં મોટો ઉછાળો નોંધાવ્યો છે.

  • છેલ્લી 1000 મેચોમાં 321 વખત ટીમોએ 300 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો.
  • તેમાંથી 86 વખત સ્કોર 350 ને પાર ગયો.
  • 14 વખત ટીમોએ 400 પ્લસનો વિશાળ આંકડો સ્પર્શ્યો.
  • સરખામણી કરીએ તો, પ્રથમ 3000 વન-ડે મેચોમાં 300 પ્લસનો સ્કોર માત્ર 360 વાર અને 350 પ્લસનો સ્કોર માત્ર 47 વાર જ બની શક્યા હતા.

છગ્ગાઓ ફટકારવાનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું
બેટ્સમેનો દ્વારા સિક્સર ફટકારવાના દરમાં સતત વધારો થયો છે. પ્રથમ 1000 મેચોની તુલનામાં તાજેતરના તબક્કામાં છગ્ગાની સંખ્યા ત્રણ ગણાથી પણ વધુ વધી ગઈ છે.


image.png

મહાન ખેલાડીઓ ક્રિકેટમાં યુગ પરિવર્તન લાવ્યા

વન-ડે ઇતિહાસમાં દરેક તબક્કે નવા દિગ્ગજો ઉભરીને આવ્યા છે.

  • રન અને વિકેટનો ઈતિહાસ: પ્રથમ 1000 મેચોમાં વેસ્ટ ઈન્ડિઝના ડેસમન્ડ હેન્સ (8648 રન) અને પાકિસ્તાનના વસીમ અકરમ (273 વિકેટ) ટોચ પર હતા. તે પછીના યુગમાં સચિન તેંડુલકર (18426 રન) અને મુથૈયા મુરલીધરન (534 વિકેટ) એ આ સ્થાન લીધું.
  • બેવડી સદીનો યુગ: સચિન તેંડુલકરે 2010માં વન-ડે ક્રિકેટની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તે પછીની 1000 મેચોમાં 6 બેવડી સદી જોવા મળી, જેમાં 3 તો રોહિત શર્માની હતી. છેલ્લી 1000 મેચોમાં 5 બેવડી સદી નોંધાઈ છે, પરંતુ ફેબ્રુઆરી 2024 પછી કોઈ બેવડી સદી બની નથી.
  • તાજેતરનો તબક્કો: છેલ્લી 1000 મેચોમાં વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપે સૌથી વધુ 5391 રન બનાવ્યા છે અને ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ 156 વિકેટ લીધી છે. ટોચના ખેલાડીઓના આ આંકડા અગાઉના યુગ કરતા ઓછા છે, જે દર્શાવે છે કે હવે વધુ ટીમો વન-ડે રમે છે પરંતુ મુખ્ય ટીમો પહેલા કરતાં ઓછી વન-ડે રમે છે.

સૌથી વધુ ODI મેચ રમનાર અને જીતનાર ટીમો કઈ?

ઓસ્ટ્રેલિયા વન-ડે ક્રિકેટમાં સૌથી સફળ ટીમ રહી છે, જ્યારે ભારતે વિશ્વમાં સૌથી વધુ મેચો રમી છે.


image.png

ODI વર્લ્ડ કપ ટાઇટલનો ઇતિહાસ

1975થી શરૂ થયેલા 13 વર્લ્ડ કપમાં કુલ 6 ટીમોએ વર્લ્ડ કપ ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો છે.


image.png

વન-ડે ક્રિકેટની સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ્સ

  • ભારતના રોહિત શર્માના નામે 13 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા સામે ઈડન ગાર્ડન્સ ખાતે બનાવેલા 264 રન નો સર્વોચ્ચ રેકોર્ડ છે.
  • વિવ રિચાર્ડ્સનો 189 રનનો રેકોર્ડ 4738 દિવસ સુધી અડીખમ રહ્યો હતો.
  • 1997માં સઈદ અનવરે (194) અને 2009માં ચાર્લ્સ કોવેન્ટ્રીએ (194) આ રેકોર્ડ તોડ્યો.
  • સચિન તેંડુલકરે 2010માં પ્રથમ બેવડી સદી (200) ફટકારી, જેના પછી વીરેન્દ્ર સેહવાગે (219) અને રોહિત શર્માએ (264) આ માઈલસ્ટોન આગળ વધાર્યો.
image.png

સૌથી વધુ રન અને સદીઓ
સચિન તેંડુલકર અને વિરાટ કોહલી વચ્ચે વન-ડે બેટિંગના રેકોર્ડ્સ વહેંચાયેલા છે.

  • સૌથી વધુ રન: સચિન તેંડુલકરે 463 મેચોમાં 18426 રન બનાવીને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. વિરાટ કોહલી 14941 રન સાથે બીજા સ્થાને છે.
  • સૌથી વધુ સદીઓ: વિરાટ કોહલીએ 2023 વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરના 49 સદીના 25 વર્ષ જૂના રેકોર્ડને તોડીને હવે 54 સદીઓ પોતાના નામે કરી લીધી છે.

સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

  • સચિન તેંડુલકર: 463 મેચ | 18426 રન | એવરેજ: 44.83 | 49 સદી / 96 અર્ધસદી
  • વિરાટ કોહલી: 314 મેચ | 14941 રન | એવરેજ: 58.59 | 54 સદી / 79 અર્ધસદી
  • કુમાર સંગાકારા: 404 મેચ | 14234 રન | એવરેજ: 41.98 | 25 સદી / 93 અર્ધસદી
  • રિકી પોન્ટિંગ: 375 મેચ | 13704 રન | એવરેજ: 42.03 | 30 સદી / 82 અર્ધસદી
  • સનથ જયસૂર્યા: 445 મેચ | 13430 રન | એવરેજ: 32.36 | 28 સદી / 68 અર્ધસદી

સૌથી ઝડપી સદીનો રેકોર્ડ

દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સે 18 જાન્યુઆરી 2015ના રોજ જોહાનિસબર્ગમાં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 31 બોલમાં સૌથી ઝડપી સદી બનાવી હતી. અગાઉ શાહિદ આફ્રિદીનો 37 બોલનો રેકોર્ડ લગભગ 17 વર્ષ સુધી અડીખમ રહ્યો હતો.

image.png

બોલિંગ અને કેપ્ટનશિપના કિંગ્સ

  • શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન: શ્રીલંકાના ચામિંડા વાસે ડિસેમ્બર 2001માં ઝિમ્બાબ્વે સામે 19 રન આપીને 8 વિકેટ ઝડપી હતી, જે વન-ડે ક્રિકેટ ઈતિહાસનું એકમાત્ર 8-વિકેટ પર્ફોર્મન્સ છે. એ પછીના ક્રમે શાહિદ આફ્રિદી (12/7), ગ્લેન મેકગ્રા (15/7), રાશિદ ખાન (18/7) અને વાનિન્દુ હસરંગા (19/7) આવે છે.
  • સૌથી વધુ વિકેટ: શ્રીલંકાના મુથૈયા મુરલીધરન 534 વિકેટ સાથે યાદીમાં પ્રથમ સ્થાને છે. પાકિસ્તાનના વસીમ અકરમ 502 વિકેટ સાથે બીજા ક્રમે અને વકાર યુનિસ 416 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.
  • સૌથી સફળ કેપ્ટન: ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 230 મેચોમાં કેપ્ટનશીપ કરી 165 જીત મેળવી છે. ભારતના એમએસ ધોની 200 મેચોમાં 110 જીત સાથે વિશ્વના બીજા સૌથી સફળ વન-ડે કેપ્ટન છે. એ પછીના ક્રમે ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર (178 મેચમાં 107 જીત), દક્ષિણ આફ્રિકાના હેન્સી ક્રોન્યે (138 મેચમાં 99 જીત) અને ન્યુઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ (218 મેચમાં 98 જીત) આવે છે.