ઈજાઓથી કરિયર બગડ્યું, 25ની ઉંમરે યુવા ક્રિકેટરે સંન્યાસનું એલાન કરી દીધું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Injury Ends Turner's Cricket Career: ઇંગ્લૅન્ડના યુવા ઝડપી બોલર જોન ટર્નરે માત્ર 25 વર્ષની નાની વયે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. પીઠમાં ગંભીર સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે તે જૂન 2025થી એટલે કે એક વર્ષથી વધુ સમયથી મેદાનથી દૂર હતો. ઈજાના જૂના રૅકોર્ડ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણે કમબેક કરવાના બદલે રમતમાંથી નિવૃત્ત થઈને જીવનની નવી ઇનિંગ શરૂ કરવાનો આકરો નિર્ણય લીધો છે.
કોન્ટ્રાક્ટ બાકી હોવા છતાં લીધો નિર્ણય
જોન ટર્નરનો આ નિર્ણય એટલા માટે પણ આશ્ચર્યજનક છે કારણ કે કાઉન્ટી ક્રિકેટમાં હેમ્પશાયર સાથે તેના કોન્ટ્રાક્ટમાં હજુ 2 વર્ષ બાકી હતા. તે સિવાય ગત વર્ષના અંત સુધી તે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટનો પણ ભાગ હતો.
જોહાનિસબર્ગથી ઇંગ્લૅન્ડ ટીમ સુધીની સફર અને ડેબ્યૂ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જન્મેલા જોન ટર્નરે વર્ષ 2021માં એક સફળ ટ્રાયલ બાદ હેમ્પશાયર સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાની પ્રથમ પ્રોફેશનલ વિકેટ તરીકે એલેસ્ટર કૂકની વિકેટ ઝડપી હતી. 2024માં ઇંગ્લૅન્ડના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન તેણે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેણે ઇંગ્લૅન્ડ માટે 2 ODI અને 2 T20I મેચ રમીને કુલ 3 વિકેટ ઝડપી હતી (2 ODIમાં 2 વિકેટ અને 2 T20Iમાં 1 વિકેટ).
ડોમેસ્ટિક ક્રિકેટ અને ઓલ-ફોર્મેટ રૅકોર્ડ
જોન ટર્નરે હેમ્પશાયર માટે તમામ ફોર્મેટની કુલ 53 મેચોમાં 97 વિકેટ્સ પોતાના નામે કરી હતી:
- ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ: 10 મેચોમાં 25 વિકેટ.
- લિસ્ટ-A ક્રિકેટ: 19 મેચોમાં 37 વિકેટ (જેમાં 2 વખત 5-વિકેટ હોલ સામેલ છે).
- T20 ક્રિકેટ: 35 મેચોમાં 8.44ની ઈકોનોમીથી 48 વિકેટ.
તે છેલ્લે 17 જૂન 2025ના રોજ એક T20 મેચ રમ્યો હતો, જ્યાં તેણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા પરંતુ વિકેટ મળી નહોતી. 2025ની શરૂઆતમાં તે લોન પર લંકાશાયર માટે પણ રમ્યો હતો.
નિવૃત્તિ પર ટર્નરનું ભાવુક નિવેદન
પોતાની નિવૃત્તિ અંગે ટર્નરે ભાવુક થઈને જણાવ્યું હતું કે,
"પ્રોફેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવું એ હંમેશા મારું સ્વપ્ન હતું. હેમ્પશાયર અને ઇંગ્લૅન્ડ માટે રમવું એ મારા બાળપણના સપનાઓને જીવવા સમાન રહ્યું. ક્લબે મારા પર જે વિશ્વાસ મૂક્યો તે બદલ હું આજીવન આભારી રહીશ. જોકે, પીઠના સ્ટ્રેસ ફ્રેક્ચર અને મારી ઈજાના રૅકોર્ડે મને એક ક્રિકેટર તરીકે તેમજ રમતથી દૂર મારા ભવિષ્ય વિશે વિચારવા મજબૂર કર્યો. આ મારી જિંદગીનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ હવે નવી ઇનિંગ અને આગામી પડકારો તરફ આગળ વધવાનો જ સાચો સમય છે."









