BRICS સંમેલન: ભારત-અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરે મેચ રમાશે કે નહીં? DDCAએ કરી મોટી સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Vs Afghanistan T20 Cricket Match Schedule 2026 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાનારી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચને અન્ય તારીખે ખસેડવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. દિલ્હી ટ્રાફિક પોલીસે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ને પત્ર લખીને આ મેચને રીશિડ્યૂલ કરવાની વિનંતી કરી હતી. જોકે, ટ્રાફિક પોલીસ સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ DDCAને સુરક્ષા અને સુગમ ટ્રાફિક વ્યવસ્થાનું સંપૂર્ણ આશ્વાસન મળી ગયું છે, જેથી આ મુકાબલો તેના નિર્ધારિત સમયે જ રમાશે.
BRICS સંમેલનને કારણે તારીખ બદલવાની ઊભી થઈ હતી સ્થિતિ
રાજધાની દિલ્હીમાં 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન BRICS શિખર સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં વિશ્વના અનેક દેશોના વડાઓ, વિદેશી પ્રતિનિધિઓ અને VVIP મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. દિલ્હી ટ્રાફિક પોલીસના ડીસીપીએ પત્ર દ્વારા જણાવ્યું હતું કે, VVIP મૂવમેન્ટ અને રૂટ ડાયવર્ઝન વચ્ચે સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા 20,000થી 25,000 દર્શકોની ભીડ તથા સુરક્ષા વ્યવસ્થાને એકસાથે સંભાળવી અત્યંત પડકારજનક બની શકે છે. આ કારણોસર મેચની તારીખ આગળ વધારવા માટે ભલામણ કરવામાં આવી હતી.
ભારત-અફઘાનિસ્તાન T20 સીરિઝનું શેડ્યૂલ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી 13 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે, બીજી મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે યોજાશે. આ તમામ મુકાબલા ભારતમાં રમાઈ રહ્યા હોવા છતાં તેનું સત્તાવાર યજમાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ છે.
ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત
આ સીરિઝ માટે ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ ઐયર કરશે અને તિલક વર્મા વાઇસ-કેપ્ટન રહેશે. ટીમમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને યશ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.




